જામનગરમાં પખવાડિયાના વિરામ બાદ વહેલી સવારથી વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી, અને ૨૬ વીજ ચેકીંગ ટુકડીઓએ વીજચોરી કરનાર પર તવાઈ બોલાવી હતી. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો અને બીજા દિવસે કુલ રૂ.૨૫.૬૫ લાખની પાવર ચોરી ઝડપી લેવામાં આવી હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા મંગળવારે સવારે જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ, સુભાષ પરા અને ગણેશવાસ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારના નાઘેડી, સરમત સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચેકિંગ ટુકડીઓએ તવાઈ બોલાવી હતી.
આ ઉપરાંત ધ્રોલ તાલુકાના ગઢડા, ખેંગારકા, વાવડી, બેરાજા, નેસડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ ચેકિંગ કરાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન ૩૦૧ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૪૮ વીજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી હતી અને તેઓને ૨૫.૬૫ લાખના પુરવણી બીલો ફટકારવામાં આવ્યા છે.