જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા પાટીયા પાસે મોડી સાંજે ટ્રક કાર અને કેરિયર રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં જામનગરના વતની પટણીવાડ વિસ્તારના બે યુવાનોના અંતરિયાળ મૃત્યુ નિપજતાં ભારે માતમ છવાયો છે. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વીપક્ષી નેતા અસલમ ખીલજી સહિતના અગ્રણીઓ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા. સમગ્ર મામલે મેઘપર-પડાણા પોલીસ ટુકડી તપાસ ચલાવી રહી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે જામનગર ના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર અસલમ ખીલજી કે જેના નિકટવર્તી સગા સંબંધી સોહીલ વલીભાઈ શેખ (ઉંમર વર્ષ ૩૦) અને હાજી કાસમભાઈ (ઉ.વ.૨૭) કે જેઓ બંને જામનગરથી જી.જે.૧૦ ટી.ઝેડ. ૧૮૮૯ નંબરની કેરિયર રિક્ષામાં માલ સામાન ભરીને જામનગરથી પડાણા તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન સાંજે ૭.૧૫ વાગ્યાના અરસામાં પડાણા પોલીસ સ્ટેશન પાસે જી.જે. ૧૦ ટી.વાય. ૬૬૯૫ નંબરના ટ્રક તેમજ જીજે-૩ એમ.બી. ૪૦૦૪ નંબરની કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો, કે ત્રણેય વાહનો એકબીજા સાથે ધડાકાભેર ટકરાયા હતા, જેમાં કેરિયર રિક્ષાનું પડીકુ વળી ગયું હતું, અને તેમાં બેઠેલા બંને જામનગરના યુવાનો સોહિલ વલીભાઈ શેખ (ઉ.વ.૩૦) તેમજ હાજી કાસમ ભાઈ (ઉંમર વર્ષ ૨૭) બન્ને ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા અને તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ અકસ્માતના બનાવની જાણ થતાં મૃતકના નિકટવર્તી એવા જામનગરના વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટર અસલમ ખીલજી તેમજ પટણી સમાજના અન્ય યુવાનો મોટી સંખ્યામાં જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ભારે માતમ છવાયો હતો. સમગ્ર અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશન નો સ્ટાફ સૌપ્રથમ ઘટના સ્થળે, અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને બન્ને મૃતદેહોનો કબજા સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે આ અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.