આગામી સમયમાં હનુમાન જયંતિ, ડા. બાબા સાહેબ આંબેડકર જયંતિ તથા ગુડ ફ્રાઇ઼ડેના તહેવારોની ઉજવણી થશે. અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં તા.૨૬ એપ્રિલ, ૨૦૨૫ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. આ ઉપરાંત જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પ્રતિબંધિત છે. ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ અને કલમ-૧૩૫ અન્વયે સજા અને દંડપાત્ર છે.