રાજ્યમાં સહકારી મંડળીઓનું ફલક ખૂબ જ વિશાળ છે. આમ કોઈપણ ક્ષેત્રમાં ગ્રામલોકો ભેગા થઈ નહીં નફો નહિ નુકસાનના ધોરણે ૧૧ વ્યક્તિઓ મંડળીની રચના કરી શકે. હાલમાં ગુજરાતમાં આવી ૮૫,૦૦૦ જેટલી સહકારી મંડળીઓ નોંધાયેલી છે. સહકારી મંડળીઓના વ્યાપક ફલક પર રાજ્યની સુગર ફેક્ટરીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, શરાફી સહકારી મંડળી, હાઉસિંગ સોસાયટી, હાઉસિંગ સર્વિસ સોસાયટી વગેરે હોય છે. દૂધ અને સેવા મંડળીઓ જેવા મોટા ભાગના સહકારી ક્ષેત્રે ત્રિસ્તરીય માળખું હોય છે. જેમકે દૂધના સહકારી માળખા પર એક નજર કરીએ તો ગ્રામસ્તરે દૂધમંડળીઓ આવેલ છે. જે દૂધનું ઉત્પાદન કરે છે. તેની ઉપરના સ્તરે જીલ્લા દૂધસંઘો કે ડેરી હોય છે. દૂધના સહકારી પ્રશાસનમાં જીસીએમએમએફ (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) રાજ્ય સ્તરે કાર્ય કરે છે. જે અમુલ બ્રાન્ડ હેઠળ દૂધનું દેશ-વિદેશમાં વિતરણ કરે છે.અન્ય રાજ્યની સાપેક્ષે ગુજરાતમાં સહકારી મંડળીઓનું સેક્ટર ખુબ મોટું અને સફળ છે. દૂધમાં સહકારી મંડળીઓની સફળતાના કારણે ગુજરાતને ભારતનું ડેન્માર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ સફળતા પાછળના ઘણા કારણો પૈકી એક સબળ અને સક્ષમ સહકાર વિભાગ છે. આવા તમામ ક્ષેત્રે સંસ્થાઓની સ્થાપના કરવી, નિયમન કરી તેને સહકારના ૭ સિધ્ધાંતોને આધારે ચાલે તેવું નિયંત્રણ રાખવું. અને નબળી પડે ત્યારે સંસ્થા બંધ કરવી આ તમામ ભૂમિકા રજીસ્ટ્રારે ભજવવાની હોવાથી તેમને સહકારી મંડળીઓના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તરીકે ઓળખવામાં આવે છે.આ સમગ્ર તંત્રમાં જિલ્લા રજીસ્ટ્રારની ભૂમિકા પર મળેલ માહિતી મુજબ વિશેષ વાત કરીએે તો વર્ગ-૧માં નિમણૂક મેળવેલ આ કેડરના અધિકારી કોઈ એક જિલ્લો કે એકથી વધુ જિલ્લાના ચાર્જના કાર્યકર્તા હોય છે. આ હુકુમતક્ષેત્રમાં નોંધાયેલ તમામ સહકારી મંડળીઓનું નિયમન ડી.આર. (ડિસ્ટ્રીક્ટ રજીસ્ટ્રાર) કરે છે. સભાસદોની ફરિયાદો સામે સંતોષકારક પગલાં લેવા વગેરે તેમની મુખ્ય કામગીરી છે. ખાસ કરીને નવી સહકારી મંડળી રચવા કોઈ અરજદાર આવે તો તેને યોગ્ય પ્રક્રિયાનું માર્ગદર્શન આપી મંડળીની નોંધણી કરાવવી. તેને કાયદાનુસાર સમિતિ રચવા, ચૂંટણી યોજવા માર્ગદર્શન આપી કાનુનનું પાલન કરાવવું વગેરે મુખ્ય ભૂમિકા છે. બેન્કીંગ સેક્ટર અન્વયે જિલ્લા મધ્યસ્થ સરકારી બેન્કો તથા નાગરિક સહકારી બેંકોની સામાન્ય દેખરેખ તથા નિયંત્રણની કામગીરી કરવાની હોય છે જો પ્રાઈમરી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કે સહકારી બેન્ક ફડચામાં જાય તો તેના લિક્વિડેશનની કાર્યવાહી પણ રજીસ્ટ્રારના દેખરેખ હેઠળ ચાલે છે.
સહકારથી સમૃધ્ધિ તરફ
* પ્રાઈવેટ કે વ્યાપારી બેન્કો પોતાના ગ્રાહકોને લાંબી અને અઘરી પ્રક્રિયામાંથી પસાર થઈને ઉંચા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. જયારે સહકારી સંસ્થાઓમાં સભાસદોએ મુકેલી તેની મૂડી ઉપર અન્ય વ્યાપારી બેન્કો કરતા ઓછા વ્યાજદરે લોન આપે છે. જે ભારતીય સંસ્કૃતિની ‘‘વસુધૈવ કુટુંબકમ’’ની ભાવના ઉપર આધારીત શોષ વિહીન સમાજનુ નિર્માણ કરે છે.
* વિશ્વમાં આર્થિક કટોકટીના માહોલમાં વ્યાપારી બેન્કો ઘણી વખત ડિફોલ્ટર જાહેર થવાની સંભાવના રહેલી હોય છે. જેનાથી ગ્રાહકોનું હિત જળવાતુ નથી. જયારે વૈશ્વિક આર્થિક કટોકટી ભરેલા મંદીના માહોલમાં પણ સહકારી સંસ્થા અડીખમ ઉભી રહે છે તેમજ સહકારી સંસ્થા Âસ્થરતા, સંગીનતા, વિકાસશીલતા સાથે કાર્ય કરે છે.
* ખાનગી અને વ્યાપારી બેન્કોમાં ગ્રાહકો બેન્કની સેવા મેળવવા માટે ઉચ્ચ અને હિડન ચાર્જિસની ચુકવણી કરતા હોય છે. જયારે સહકારી સંસ્થાઓમાં સભાસદોને ઓછા ચાર્જિસમાં સારી ગુણવત્તાયુકત સેવાઓ પુરી પડાય છે.
* વ્યાપારી બેન્કો મોટા ભાગે આર્થિક સધ્ધરતા ધરાવતા વ્યÂક્તઓને જ નાણાકીય સેવાઓ પુરી પાડતી હોય છે. જયારે સહકારી સંસ્થામાં જે-તે વિસ્તારના નાના કારીગરો, વેપારીઓ, મહિલાઓ વગેરેને નાના પાયાના ઉદ્યોગ ધંધા માટે સરળતાથી ધિરાણ મળી રહેતું હોય છે. ગ્રામ્ય અને નગરોમાં આર્થિક પ્રવૃતિને વેગ મળશે. જે ગરીબી, બેકારી અને આવકની સમાનતાથી ધિરાણ મળી રહેતા ગ્રામ્ય અને નગરોમાં આર્થિક પ્રવૃતિને વેગ મળશે. જે ગરીબી અને આવકની સમાનતાની નાબૂદીમાં મદદ કરશે. જેનાથી શહેરી અને અર્ધ શહેરી વિસ્તારમાં નાગરીક બેન્કો સહકારીથી સમૃધ્ધિ દ્વારા સર્વોદયી સમાજ રચનાનું સ્વપ્ન સાકાર કરવામાં સહાય બને છે.
* ખાનગી અને વ્યાપારી બેન્કોની માલિકી મોટાભાગે વ્યક્તિગત હોવાથી આર્થિક લાભો પણ વ્યક્તિગત થાય છે જયારે સહકારી બેન્કો લોકો દ્વારા લોકો માટે સ્થપાયેલી છે. જેમાં સભાસદો પોતાની સંસ્થા માનીને તેના સંચાલનમાં ભાગ લે છે. જેનાથી સભાસદોમાં લોકશાહીની ભાવના કેળવાય છે. જેનાથી માનવીય વર્તનના આર્થિક અને સામાજીક પાસાઓ સધ્ધર બને છે. યુવા સાહસિકો, સ્વાશ્રયી મહિલાઓ, સ્વનિર્ભર જૂથો, વરિષ્ઠ નાગરિકો વિગેરેના ધિરાણ વૈવિધ્યકરણને કેન્દ્રમાં રાખતી વિશિષ્ટ યોજનાઓનું ઘડતર કરી છુટી છવાયી વ્યક્તિઓને સહકારની ભાવના હેઠળ લાવી તેનો ઉત્કર્ષ સાધવાનો છે તેમજ ભરતના બંધારણમાં રહેલ સમાનતાની પોષક તરીકે સહકારી સંસ્થા કામ કરે છે.
* ખાનગી બેન્કો આર્થિક નફાના કેન્દ્રને રાખી કામ કરે જયારે સહકારી સંસ્થાનો મુખ્ય ધ્યેય સભાસદોને સરળ શરતો, વ્યાજબી વ્યાજનો દર, અને નિકટતાના પરિચયના કારણે કરજ ધિરાણક્ષેત્રે અને થાપણ વૃધ્ધિના ક્ષેત્રે કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઓએ પ્રતિષ્ઠાપૂર્વક સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે.
* ખાનગી બેન્કો મોટાભાગે મેટ્રો સિટી અથવા મોટા શહેરોમાં કાર્યરત છે. જયારે સહકારી સંસ્થાઓ દેશના રીમોટ એરીયા, ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત છે. જે સંસ્થાઓ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સહકારી સંસ્થા દ્વારા આપવામાં આવતી સેવાઓને લીધે ખેડૂતો, મહિલા તથા ગામડાના લોકોને સારૂ જીવન જીવવા માટે સરળતાથી નાણાં મળવાથી આર્થિક જીવનમાં સુધારો આવેલ છે.
મંડળીઓ ફીકસ ડીપોઝીટ પર ૭થી ૧ર ટકાનું વ્યાજ આપે છે
અમરેલી જિલ્લામાં ૯૦૦ ઉપરાંતની મંડળીઓ આવેલી છે. આ મંડળીઓ રાષ્ટ્રીયકૃત બેન્કો અને ખાનગી બેન્કોને હંફાવી રહી છે. જિલ્લાની અનેક મંડળીઓમાં ખાતેદારોએ ફીફસ ડીપોઝીટ પર ૭ ટકાથી ૧ર ટકા સુધીનુ વ્યાજ આપવામાં આવે છે. આ ડીપોઝીટની રકમથી દર વર્ષે મળતા વ્યાજને કારણે અનેક પરીવારો પોતાનુ ઘર પણ ચલાવી રહ્યાં છે. મંડળીઓના વ્યાજથી ખાતેદારોમાં પણ આનંદની લાગણી છવાઈ જાય છે.
લોન માટે બેન્કો ધક્કા ખવડાવે છે
અમરેલી જિલ્લામાં મહિલા મંડળીઓ સહિત અનેક મંડળીઓ આવી છે. જા કે આ બાબતે લોકો જણાવી રહ્યાં છે કે, બેન્કમાં સામાન્ય રકમની લોન પણ લેવાની હોય ત્યારે બેન્ક કર્મચારીઓ લોનધારકને જવાબ આપતા નથી અને લોન લેવા માટે એટલા બધા દસ્તાવેજી પુરાવા માંગે છે કે લોન લેવી મુશ્કેલ થઈ જાય છે જયારે મંડળીઓમાં આ પ્રક્રિયા ખુબજ ઝડપથી થાય છે અને ઝડપથી લોન પણ મંજૂર થઈ જતી હોવાથી લોનનો યોગ્ય સમયે ઉપયોગ થઈ શકે છે.
અમરેલી તાલુકામાં જ ૩૧૭ મંડળીઓ
અમરેલી જિલ્લામાં દિન-પ્રતિદિન મંડળીઓનો વ્યાપ વધતો જાય છે. જે લોકો માટે ખુબજ સારી બાબત છે. મંડળીઓમાં મામુલી રકમ ભરી સભ્યપદ મેળવી શકાય છે. અમરેલી તાલુકામાં જ વિવિધ મંડળીઓ મળી કુલ ૩૧૭ મંડળીઓ આવેલી છે ત્યારબાદ સાવરકુંડલામાં ૧૩૦ અને ધારી તાલુકામાં ૯૭ મંડળીઓ આવેલી છે.
જિલ્લામાં એકમાત્ર અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક
અમરેલી જિલ્લામાં સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણીની કૂનેહ અને માર્ગદર્શન નીચે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેન્ક હરણફાળ ભરી રહી છે. જિલ્લા બેન્કના ચેરમેન તરીકે દિલીપભાઈ સંઘાણી વર્ષોથી કાર્યરત છે. જિલ્લા મધ્યસ્થ બેન્કની કાર્યશૈલી રાષ્ટ્રીયકૃત બેન્કોને પણ પાછળ રાખે તેવી છે. ચેકબુક, એટીએમ સહિતની સુવિધા આપવામાં આ જિલ્લા મધ્યસ્થ બેન્કની સુવિધા અગ્રેસર છે. જે જિલ્લાના લોકો માટે ગર્વ લીધા જેવી વાત છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ બેન્ક જિલ્લા રજીસ્ટ્રાર શાખામાં નોંધાયેલ છે. જિલ્લા બેન્ક ખાતેદારોને સુવિધા આપવામાં અવ્વલ નંબરે છે.
મંડળીનો નફો સભાસદો વચ્ચે વહેંચાય છે ઃ ગોરધનભાઈ ગેડીયા(ચેરમેન ઃ ભોજલરામ શ.સ.મંડળી)
અમરેલી જિલ્લામાં સહકારી ક્ષેત્રનો વ્યાપ વધ્યો છે.
રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેન્કો કરતા સભાસદોને સહકારી મંડળીમાં વહીવટ કરવો સહેલો પડે છે. ભોજલરામ શરાફી સહકારી મંડળીના ચેરમેન ગોરધનભાઈ ગેડીયા જણાવે છે કે, બેન્કો નફો કરે તે સરકારમાં જમા થાય છે જયારે સહકારી મંડળી નફો કરે તો આ નફો સભાસદો વચ્ચે વહેંચવામાં આવે છે. બેન્કોમાં નાણા મુકવાથી મામુલી રકમનું વ્યાજ આપવામાં આવે છે જયારે મંડળીમાં ૧૦થી ૧ર% વ્યાજ આપવામાં આવે છે. મંડળીના ચેરમેનની નિમણૂંક સભાસદો જ કરે છે. આમ, બેન્કો કરતા મંડળીઓ સભાસદો માટે આશીર્વાદ સમાન છે.
મંડળીમાં જાત જામીનગીરી પર લોનની સુવિધા: કીરીટભાઈ નળીયાધરા
(ચેરમેન: સરદાર પટેલ શરાફી સહકારી મંડળી)
રાષ્ટ્રીયકૃત બેન્કમાં લોન લેવા માટે ખાતેદારો ભારે મુશ્કેલીનો સામનો કરે છે અને ઘણીવાર લોન માટે એટલા ધક્કા ખાવા પડે છે આખરે ખાતેદાર લોન લેવાનું જ માંડી વાળે છે ત્યારે આ બાબતે બગસરા સરદાર પટેલ શરાફી સહકારી મંડળીના ચેરમેન કીરીટભાઈ નળીયાધરા જણાવે છે કે, મંડળીમાં ખાતેદાર માટે લોન લેવી સહેલી છે. અમારી મંડળી સહિત ઘણી મંડળીઓમાં લોન જાતજામીનગીરી પર આપવામાં આવે છે.જયારે રાષ્ટ્રીયકૃત બેન્કો મોરગેજ કે મિલકત પર લોન આપે છે. ફિક્સ ડીપોઝીટ પર ૯% વ્યાજે લોન આપવામાં આવે છે. અને મંડળીમાં ૧રથી ૧પ% ડીવીડન્ડ પણ ખાતેદારને મળે છે. દૈનિક બચત પર વાર્ષિક ૬% વ્યાજ આપવામાં આવે છે.જયારે જુના ખાતેદારો માટે લોનધારકને વગર નો ડ્યૂ સાથે લોન આપવામાં આવે છે. આમ, રાષ્ટ્રીકૃત બેન્કો અને ખાનગી બેન્કોની સરખામણીએ લોન સહિતની સુવિધાઓ ખુબજ સરળ છે.
થાપણના અને ધિરાણના દર મંડળી નક્કી કરી શકે છે: રશ્વિનભાઈ ડોડીઆ(ચેરમેનઃ બગસરા ના. શ.સ.મંડળી)
અમરેલી જિલ્લા સહિત રાજયમાં સહકારી મંડળીની સ્થાપના અંગે બગસરા નાગરિક શ.સ.મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆએ જણાવ્યુ હતું કે, ૧૦૦ વ્યક્તિ ઈચ્છે કે મંડળીની સ્થાપના કરવી છે તો મંડળીની સ્થાપના થઈ શકે છે. આરબીઆઈ નવી રાષ્ટ્રીયકૃત બેન્કોને સ્થાપના માટે મંજૂરી આપતી નથી. મહત્વની બાબત એ છે કે, થાપણના દર, ધિરાણના દર મંડળી નક્કી કરી શકે છે તેમજ મંડળીમાં કર્મચારીઓની ભરતી કરવાની સત્તા બોર્ડ ઓફ ડિરેકટરને છે તેમાં કોઈની મંજૂરી લેવાની જરૂરીયાત રહેતી નથી. લોન બાબતે મંડળીનું ભંડોળ ધ્યાનમાં રાખીને ૩૬ મહિનાની સમય મર્યાદામાં લોન આપી શકે છે. થાપણના વ્યાજ મુદ્દે બેન્કોમાં વ્યાજ પર ર% ટીડીએસ કપાય છે જયારે મંડળીમાં થાપણના વ્યાજ પર કોઈ ટીડીએસ કપાતો નથી અને સભાસદને થાપણ સાથે વ્યાજની પુરેપુરી રકમ મળે છે.
સહકારી મંડળીમાં લોન પર કોઈ છુપો ચાર્જ નહી: દિલીપ સંઘાણી
અમરેલી જિલ્લાના સહકાર શિરોમણી અને સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી જણાવે છે રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેન્કમાં લોન પર છુપો ચાર્જ લાગતો હોવાથી લોનધારકને લોન મોંઘી પડે છે. જયારે સહકારી બેન્કો કે મંડળીઓમાં કોઈ છુપો ચાર્જ નથી. ખાતુ ખોલાવવા માટે સહકારી બેન્ક કે મંડળીના કર્મચારી જ ફોર્મ ભરી દેતા હોવાથી અરજદારને ખાતુ ખોલાવવુ સરળ બને છે. તેમજ એક જૂના કિસ્સાને યાદ કરતા દિલીપ સંઘાણી જણાવે છે કે, સવારે જાન જવાની હતી ત્યારે એક પરિવારને યાદ આવ્યું કે ઘરેણા તો સહકારી બેન્કના લોકરમાં પડયા છે ત્યારે આ બાબતે મને ફોન આવતા જવાબદાર કર્મચારીને જાણ કરીને રાત્રીના બે વાગ્યે લોકર ખોલી પરિવારને ઘરેણા આપવામાં આવ્યા હતા આ બધુ સહકારી ક્ષેત્રમાં જ શક્ય બને છે.
મંડળીનો વહીવટ સભાસદો દ્વારા જ થાય છે: જિલ્લા રજિસ્ટ્રાર
જિલ્લા રજીસ્ટ્રાર પટેલ જણાવે છે કે, સહકારી મંડળી તરીકે પ્રાથમિક ખેતીવિષયક ધિરાણ સહકારી મંડળીઓ ગુજરાતમાં લગભગ દરેક ગામમાં કાર્યરત છે. સહકારી મંડળીઓનો વહિવટ તેના જ સભાસદા દ્વારા થાય છે. આથી સભાસદોની જરૂરીયાત મુજબ ધિરાણ અને અન્ય પ્રવૃતીઓ કરી શકે છે. બેંકની સામે નહિવત પ્રકારના દસ્તાવેજની જરૂર રહે છે. ખાતેદારને લોન લેવા માટે ગ્રામ્ય કક્ષાએ જ ઓફિસ હોવાથી દુરના અંતરની બેંકના ધક્કા બચે છે. બેંકની સામે મોટભાગની સહકારી મંડળીઓ ઓછા દરે ધિરાણ કરે છે. સીબીલ સ્કોરની જરૂરિયાત રહેતી નથી. બેંકોથી વિપરીત સહકારી મંડળીઓનો નફો તે મંડળીના ગામમાં જ રહે છે. તથા મંડળીના સભાસદોને સીધોજ લાભ આપવા માટે વપરાય છે. ગ્રામ્ય કક્ષાએ રોજગારીનું સર્જન કરે છે. મોટાભાગની બેંકના ફોર્મ અંગ્રેજીમાં હોય છે. આથી અભણ ગ્રામજનો માટે તેની શરતો સમજવી અઘરી છે. તેની સામે મંડળીમાં ગુજરાતી હોય છે.