જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ની બેઠક યોજાઇ હતી.
સમિતિના ઉપાધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા તેમજ સમિતિના સભ્ય સચિવ વામજાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં, ગત બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલા ૧૬ ગામોના કામોને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં અમરેલી જિલ્લાના ૧૫ ગામોની રીજુવીનેશ અને ખાસ અંગભૂત કાર્યક્રમ હેઠળ રુ.૫૦,૧૨,૧૬૯ના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી.
આ ગામોમાં કુંકાવાવ તાલુકાના જૂના બાદનપુર, ધારીના વેકરિયાપરા, દહીંડા, ડાભાળી, દુધાળા, કેરાળા, અમરેલીના સરંભડા, બગસરાના ખારી, ખાંભાના તાતણીયા, ત્રાકુડા, મોટા સરકડિયા, રબારિકા, નીંગાળા-૦૨, રાજુલાના બાબરિયાધાર, બાબરાના રાયપર સહિતના ગામો ખાતે નવીન બોર તથા પમ્પીંગ મશીનરી, હયાત બોરની પમ્પીંગ મશીનરી, અનુસૂચીત જાતિ વિસ્તારના પ્લોટ વિસ્તારમાં પીવાના પાણી માટે પાઇપલાઇન નાખવા સહિતની કામગીરીને અધ્યક્ષ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાએ સ્કિલ મેનપાવર તૈયાર થાય તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ‘નલ જલ મિત્ર’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ હેઠળ ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠાની કામગીરી સાથે સંકળાયેલા ઓછામાં ઓછો ૨ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા કર્મયોગીઓને આઈ.ટી.આઈ. ખાતે તાલીમ આપવામાં આવશે. આ તાલીમ માટેનો સંપૂર્ણ ખર્ચ પંચાયત દ્વારા ૧૫માં નાણાપંચમાંથી ચૂકવવામાં આવશે. જિલ્લા કલેક્ટરે સમિતિની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલા કામો બનતી ત્વરાએ સંપન્ન કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત તેમણે નલ જલ મિત્ર કાર્યક્રમ માટે તાલીમાર્થીઓની યાદી તેમજ અન્ય જરુરી કાર્યવાહી સંદર્ભે દિશાનિર્દેશો આપ્યા હતા. આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત સહિતની વિવિધ કચેરીઓના અધિકારીઓ-સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.