અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને હીરાના કારીગરો માટે આર્થિક પેકેજ જાહેર કરવા અને રત્ન કલાકાર બોર્ડ જેવી સંસ્થાની રચના કરવાની પણ માગણી કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં એક લાખથી વધુ યુવાનો રોજગારી માટે હીરાનું કામ કરી રહ્યા છે. જિલ્લાના રત્ન કલાકારો વ્યવસાય અર્થે મુંબઈ, સુરત, અમદાવાદ, નવસારી જેવા શહેરોમાં જઈને રોજગારી મેળવે છે. વૈશ્વિક સ્તરે હીરાના વ્યવસાયમાં ઓટ આવતા તેઓ ખુબ જ આર્થિક સંકડામણમાં મુકાયા છે. ત્યારે આ કપરી મંદીનાં સમયમાં રત્ન કલાકારો પાસે કોઈ આવક ન હોવાના કારણે આત્મહત્યા જેવા પગલા ભરી રહ્યા છે, આથી તેમને સહાય કરવા સરકાર રત્ન કલાકાર બોર્ડ જેવી સંસ્થાની રચના કરે અને તેમના માટે આર્થિક સહાય પેકેજ જાહેર થાય તેવી માંગણી છે. અમરેલી જિલ્લામાં પણ કોઈ એવા મોટા ઔદ્યોગિક એકમ ન હોવાના કારણે સ્થાનિક રોજગારી મેળવવામાં પણ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે આ પત્રની નકલ ઉદ્યોગ મંત્રી, જિલ્લા પ્રભારી મંત્રી અને વિધાનસભાના નાયબ દંડકને મોકલી છે.