બગસરામાં વહીવટી તંત્ર દ્વારા મહિલા ઉત્કર્ષ માટે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પદાધિકારી મહિલાઓની જગ્યાએ તેમના પતિઓ દ્વારા સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બગસરામાં મહિલાઓ માટે સરકારની વિવિધ યોજનાઓની સમજ તેમજ મહિલા ઉત્કર્ષ માટે થતી કામગીરીની વિગત આપવાના હેતુથી નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી પરંતુ તેમને માર્ગદર્શન આપવા માટે સ્ટેજ પર મહિલા હોદ્દેદારોને બદલે તેમના પતિદેવો ચડી બેઠા હતા.
મહિલાઓને માર્ગદર્શન આપવા માટે ધારાસભ્ય જે.વી. કાકડીયાના પત્ની કોકીલાબેન તેમજ અન્ય એકલદોકલ મહિલાઓને જ સ્થાન પ્રાપ્ત થયું હતું. રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને પૂરતું સ્થાન મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ પદાધિકારી મહિલાઓના પતિઓ દ્વારા જ તેમને તે લાભથી વંચિત રાખવામાં આવે છે. બગસરા તાલુકામાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બનેલી છે કે જેમાં પદાધિકારી મહિલાને બદલે તેમના પતિઓ દ્વારા જ તમામ જગ્યાએ હાજરી આપવામાં આવતી હોય છે. શિસ્તબદ્ધ પક્ષ ગણાતો ભાજપ આ બાબતોને કઈ રીતે લે છે તે જોવાનું રહેશે.