અમરેલી જિલ્લા વિકાસ સમિતિએ વિભાગીય નિયામક, એસ.ટી.ને પત્ર લખી વિવિધ ધાર્મિક સ્થળો માટે નવા રૂટ શરૂ કરવા તેમજ બંધ થયેલી બસ સેવાઓ પુનઃ શરૂ કરવા રજૂઆત કરી છે. આ પત્રની નકલ ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાને પણ મોકલવામાં આવી છે. નવા બસ પોર્ટ ધરાવતા અમરેલીથી આઉટ સ્ટેટના ધાર્મિક સ્થળો જેવા કે અંબાજી અને નાથદ્વારા માટે અગાઉ ચાલતી સ્લીપર કોચ બસ સેવા ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી છે. વિરપુર અને કાગવડ (ખોડલધામ) વચ્ચે બંધ થયેલી બસ સેવા પણ ફરી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.
સોમનાથ યાત્રાધામ માટે વહેલી સવારની બસ અને પરત ફરવા માટે રાત્રે સાત-આઠ વાગ્યાની બસ સેવા શરૂ કરવા સૂચન કરાયું છે. આ ઉપરાંત સાવરકુંડલા સાત વાગ્યાની લોકલ બસ અને ભાવનગરથી અમરેલી આવવા માટે રાત્રે આઠ વાગ્યાની બસ સેવા શરૂ કરવા તેમજ દિવાળીના તહેવારમાં અમદાવાદ રૂટ પર એક્સ્ટ્રા બસો મૂકવાની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે અગાઉ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ પણ રજૂઆત કરવામાં આવી હતી.