પ્રસ્તુત પંક્તિઓમાં જીવનમાં જીદ અને જડતા મૂકવાથી શાંતિ શાંતિ જ મળે છે એવી વાત કરવામાં આવી છે. મતલબ કે જીવનના દરેક પડાવમાં કે હરેક પ્રવૃત્તિમાં વ્યક્તિનો અભિગમ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં કે એકબીજાના વાણી અને વર્તનમાં આપણો અભિગમ ખૂબ મહત્વનો છે. પાસ પાસે પડેલા બે પથ્થરમાં એકમાં પાણો અને બીજામાં પ્રભુના દર્શન થાય છે. કારણ કે શીશ જુકાવવાનો અભિગમ કામ કરે છે. બન્ને એકજ મટીરિયલના પથ્થર હોવા છતાં એક પર પગ મૂકીને બીજા સુધી પહોંચીને ત્યાં માથું નમાવવામાં આવે છે એમાં ઇન્સાનનો અભિગમ ખૂબ મહત્વનો છે. સોપારીના સુંડલામાં હજારો સોપારી પડી હોય છે જેને કટિંગ કરીને ખાવામાં આવે છે. એમાંય જે કટિંગ પાન બિડા માટે વપરાય છે તે પ્રસાદ બની જાય છે અને બાકીના મુખવાસ કે ગુટકા બની જાય છે. જ્યારે જે આખી સોપારી પ્રસંગોના પૂજપામાં વપરાય છે તે પવિત્ર ગણાય છે. ગણેશ તરીકે પૂજાય છે. વસ્તુ એક જ પ્રકારની હોવા છતાં ક્યા અભિગમથી કે હેતુથી એનો ઉપયોગ થાય છે એના આધારે એનું મુલ્યાંકન થાય છે. શ્રદ્ધા હોય ત્યાં સ્વાદ હોય છે. ઘરે આડા દિવસે બનાવેલ શીરો અને સત્યનારાયણ ભાગવાનની કથામાં બનાવેલ શિરામાં સામગ્રી બધી એક સરખી જ હોવા છતાં બન્નેના સ્વાદમાં જે મીઠાશનો તફાવત જોવા મળે છે એની પાછળ આપણો અભિગમ મહત્વનો છે. વસ્તુ એક જ પ્રકારની હોય પણ એને જોવાનો નજરિયો ખૂબ મહત્વનો છે. કઈ દૃષ્ટિથી આપણે એને જોઈએ છીએ એ બાબત વસ્તુની કિંમત નક્કી કરે છે. જીવનની દરેક ઘટનામાં આપણો દૃષ્ટિકોણ કે અભિગમ સુખ દુઃખની અનુભૂતિ કરાવનાર હોય છે. માન અપમાન, સુખ દુઃખ, ખુશી ગમ, હરખ શોક, નમ્રતા ઉદ્ધતાઈ આ બધા ગુણ અવગુણ એ આપણા અભિગમની આરસી કે દૃષ્ટિકોણના દ્રષ્ટા છે. આંખમાં આંસું આવે છે ત્યારે બે પ્રકારની પરિસ્થિતિ હોય છે. સુખ કે દુઃખ અથવા અતિ હર્ષ કે અતિ પીડા. અહી જોનારનો નહિ પણ જેની આંખ ચૂવે છે એની સ્થિતિ કે પરિસ્થિતિ આંસુનું કારણ બને છે. એ જ આંખો એ જ વ્યક્તિ અને એ જ અશ્રુ હોય પણ એની તીવ્રતા અને ફિલિંગ દરેક વખતે જુદી જુદી હોય છે એનું એકમાત્ર કારણ વ્યક્તિનો અભિગમ કે એની માન્યતા છે. દીકરીની વિદાય વેળાના આંસુ માત્ર દીકરી માટે જ નહિ પણ ત્યાં ઉપસ્થિત સર્વો માટે એક પવિત્ર લાગણીની ભીનાશ વાળા અભિગમનું ઉદાહરણ હોય છે. કોઈ કરુણ પ્રસંગ સાંભળતા શ્રોતાઓ સમૂહમાં રડી પડે ત્યારે વકતાના મુખેથી પીડિત વ્યક્તિની પીડા રજૂ કરવાની શૈલી મતલબ એનો દૃષ્ટિકોણ કે અભિગમ જ અસરકારક હોય છે. મરજીવાઓ મહાસાગરના તળિયે ડૂબકી લગાવીને મોતીડાં ગોતી લાવે છે એનો આનંદ અને મ્યુઝિયમમાં મૂકેલા સાચા મોતીને જોવાનો આનંદ અલગ અલગ હોય છે. અહી પણ વસ્તુ એકની એક હોવા છતાં વ્યક્તિ બદલાય એમ એના આનંદની અનુભૂતિની તીવ્રતા જુદી જુદી હોય છે. સંસાર અને સંન્યાસ શબ્દોમાં ભલે સામ્યતા દેખાય બન્નેના રિવાજમાં જમીન આસમાનનો તફાવત હોય છે. તેમ છતાં ક્યાંક સંન્યાસીમાં સંસારીનું વર્તન જોવા મળે છે તો ક્યાંક સાસરીમાં સંન્યાસીની રીતભાત જીવાય છે. એક ભોગવવા માટે ભવસાગર તરે છે તો બીજો ભવસાગર પાર ઉતરવા બધું ત્યાગે છે. ક્યાંક ભોગવીને ખુશ થતા લોકો હોય છે તો ક્યાંક ત્યાગીને અંતરની અમીરાત ભોગવતા મહામાનવના દર્શન થતાં હોય છે. અતિ પીડાદાયક પજવતો પ્રશ્ન દરેકના જીવનમાં થતી માથાકૂટ એટલે એ પછી અંગત સાથે હોય કે સંગત સાથેની હોય, દરેકમાં જીદ કેન્દ્રમાં હોય છે. હુંસાતુસી કે તકરારમાં જો સામસામી જીદ પકડી રાખવામાં આવે તો વેરભાવ વકરતો જાય છે. એના બદલે અહમને એકબાજુ મૂકીને જીદ મૂકી દેવામાં આવે તો તરત સુલેહ શાંતિ સ્થપાય છે. વર્તમાન પરિસ્થિતિમાં આપણી આસપાસથી લઈને વૈશ્વિક અશાંતિના મૂળમાં એકબીજાની જકડી રાખેલી જીદ જ જવાબદાર છે. એટલે જ કહેવાયું કે, ક્ષણભરમાં સુલેહ થઈ જાય કેવળ, જીદ મૂકવાની વાત છે!