(૧) હાસ્યની ગોળી કયા મેડિકલ સ્ટોરમાં મળે છે.?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
દવે મેડિકલ સ્ટોર(નોંધઃ મેડિકલ સ્ટોરની જ્યોતીન્દ્ર, અશોક, પ્રકાશ એમ અલગ અલગ શાખા હોય શકે!).
(૨) દરેક સફળ પુરુષની પાછળ સ્રીનો હાથ હોય છે. તમારે પણ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
એણે એનું નામ દેવાની ના પાડી છે!!
(૩) તમને કેવા પ્રકારના જવાબો આપવા ન ગમે?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ હાલ કેનેડા)
જેમાં ભાસાકીય અસુદ્ધિ હોય એવા!!
(૪) કમનસીબ કોને કહેવાય?
દર્શન પટેલ (વડોદરા)
શિયાળામાં તાપણાં પાસે ગમે ત્યાં બેસે પણ ધુમાડો જેના તરફ જ આવે એ કમનસીબ!
(૫) હું તમારો ફેન છું. મારા લાયક કામકાજ જણાવશો.
રામભાઈ પટેલ (સુરત)
શિયાળામાં તો ફેનનું શું કામ હોય? ઉનાળામાં સંપર્ક કરજો.
(૬) હવા આપણને મફતમાં મળે છે, પરંતુ દવા કેમ મફત મળતી નથી.
યોગેશભાઈ આર. જોશી(હાલોલઃ જિ.પંચમહાલ)
સરકારી દવાખાને દવા મફત મળે. ખાનગી દવાખાને હવા(ઓકસીજન) પણ મફત ન મળે.
(૭) ફળો જીવસૃષ્ટિ માટે જ બનાવ્યા છે તો બોરડી જેવા કેટલાક ફળઝાડમાં કુદરતે કાંટા શા માટે બનાવ્યા છે ?
કનુભાઈ પરમાર (દામનગર)
આવો પ્રશ્ન બહુ મૂંઝવે ત્યારે થોડા દિવસ બજારમાંથી વેચાતા લાવીને ફળ ખાવા!
(૮) સાહેબ..! પત્ની વગર પતિ બની શકાય?
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન.(સાજણટીંબા)
સારી હોસ્ટેલ શોધીને ગૃહપતિ બની જાઓ.
(૯) સાહેબ..! રસ્તામાં પડતા ખાડા અને ગાલ પર પડતા ખાડામાં શું તફાવત છે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
ગાલ પરના ખાડા જોવામાં ધ્યાન જાય તો રસ્તા પરના ખાડામાં પડવાની સંભાવના વધી જાય!
(૧૦) બધાને પારકી ચીજ કેમ ગમે છે?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
બધા વાંચકો હોશિયાર છે હો. તમે પારકી ચીજ કહીને શું કહેવા માગો છો એ બધાને ખબર છે!
(૧૧) જીવનમાં શું મેળવવું જરૂરી છે?
પાંડોર નિધિ (બાયડ)
મોબાઈલ સાથેનું ચાર્જર!
(૧૨) મારા પડોશી ઘરમાં કચરાપોતા, વાસણ બધુ જ કરે છે. આને લીધે મારા ઘરમાં ઝગડો થાય છે. આનો કોઈ ઉપાય?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
તમે તમારા પાડોશીને વાસણ સાફ કરતા હોય એવો ફોટો ગ્રુપમાં મૂકો. ઝઘડો તમારા ઘેરથી એના ઘર તરફ ફંટાઈ જશે.
(૧૩) તમને હમણાં બરફની લારીએ ઊભેલા જોયા હતા. શિયાળામાં બરફ?
અમુક સવાલો જ એવા પૂછે છે કે માથે બરફની પાટ મૂકીને જવાબ આપવો પડે.
(૧૪) સોનાનો ભાવ વધવા પાછળ કોણ જવાબદાર છે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
બપ્પી લહેરી!
(૧૫) આપણા દેશમાં વાંદરા છે એમ બીજા દેશમાં હશે કે નહિ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
અમુક દેશમાં વાંદરા જ છે!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..