આ સમયગાળો એટલે વિક્રમ સવંતના ૨૦૮૧ ના વર્ષની શરૂઆત છે. એટલે વીતેલા વર્ષની વ્યથાઓ ભૂલીને નવા વર્ષની કથાઓમાં સૌ વ્યસ્ત છે. ત્યારે માણસના જીવનમાં આવતા સુખ-દુઃખ માટે જવાબદાર કારણોમાં આશા અને નિરાશાનું ગણિત કામ કરતું હોય છે. વળી સુખમાં બીજા સાથેનું પોતાનું વર્તન અને દુઃખમાં બીજાનું આપણી સાથેનું વર્તન આપણા મનમાં કાયમ યાદ રહેતું હોય છે. સુખ અને દુઃખ જીવનમાં તડકી છાંયડી જેવા હોય છે. કોઈ વસ્તુ કે પરિસ્થિતિ કાયમ સ્થિર હોતી નથી.ફેરફાર થયા જ કરે છે. સુખમાં છલકવું નહિ ને દુઃખમાં ડગવું નહિ એ જ સાચી જીવનની રીત છે. ઘણીવાર સમય ખરાબ ચાલતો હોય ત્યારે દરેક પાસા અવળા જ પડે છે. ગમે એટલું ધ્યાન રાખો, ગમે એટલું બળ કરો પણ ધાર્યું પરિણામ મળે જ નહિ, આવા સમયે હિંમત અને ધીરજ રાખવી જોઈએ. જ્યારે કઠણાઈ બેઠી હોય ત્યારે બધી બાજુથી માણસ ઘેરાઈ જતો હોય છે. ઘણીવાર આવા કપરા સમયે માણસ મનમાં ને મનમાં મુંજાઈને ગલત કદમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. પણ એટલું યાદ રાખવું કે હદથી વધારે દુઃખ પડે તો એમ માનવું કે માણસ તરીકે આપણું પાણી મપાય છે. જીવનની બાજીમાં બધા પાસા અવળા પડે ત્યારે જિંદગીને આપી દેવામાં નહિ પણ રમી લેવામાં મજા છે. થાય તો વધુ શું થાય? જે થવાનું હતું તે થઈ ગયા પછી ટકી રહેવામાં જ શાણપણ છે. અને ગમે એવી પરિસ્થિતિમાં ઝીંક જીલીને જાત સાથે જીતીને જગતની પરવા કર્યા વિના મનથી મજબૂત બનીને મહેનત ચાલુ રાખીને સારા સમયની આશા અને અરમાન સાથે નિરાશા ખંખેરીને જેટલા ઝડપથી પૂર્વવત જીવન જીવતા થઇ શકીએ એટલી શક્તિ કુદરત આપે એ જ આપણું સદભાગ્ય ગણાય છે. બાકી તો શું લઈને આવ્યા હતા અને સાથે શું લઈને જવાના એ સૌ જાણે જ છે. બાકી તો ગમે એટલી હાય-હોય કરીને વલખાં મારીએ તો પણ ઉપરવાળાની કૃપા વિના આપણાથી એક પાંદડું પણ ના તોડી શકાય એ સનાતન સત્ય છે. ઈશ્વરે માણસ તરીકે આ જગતમાં મોકલ્યા છે ત્યારે માણસાઈને હર હાલતમાં આપણામાં ધબકતી રાખીએ એ જ આપણી પવિત્ર ફરજ છે. કરજમાં કરગરવાના બદલે જેટલું થાય એટલું કરીને ફરજમાં બાંધછોડ ના કરીએ તો ઈશ્વર ગમે ત્યારે ગમે તે સ્વરૂપે હાથ જાલી લે છે એ વાત નક્કી જ છે. જીવનમાં દરેક વ્યક્તિના પોતાના અરમાનો હોય છે, એ પુરા કરવા માટે માણસ નીત-નવા સાહસ કરતો હોય છે. ઘણીવાર સાહસમાં સફળતા મળે છે અને ઘણીવાર નિષ્ફળતા મળે છે. આ સફળતા સુખનું કારણ બને છે અને નિષ્ફળતા દુઃખનું કારણ બને છે. વળી વ્યક્તિના અરમાનો સિવાય એના પર સંબંધથી જોડાયેલ જુદા જુદા વ્યક્તિના ફરમાનો હોય છે. જેમ કે પતિ પત્ની, મિત્ર, સગા સ્નેહી, ગુરુ કે શિષ્ય ઉપરાંત માલિક કે બોસ આ બધા પૈકી કોઈને કોઈ સ્વરૂપે સંસારી વ્યક્તિ પર કૈંક ને કૈંક કામ કરવાના ફરમાનો કરતા હોય છે. આમ પોતાના અરમાનો અને બીજના ફરમાનો પુરા કરવામાં જીવનનો ઘણો હિસ્સો ખર્ચાતો હોય છે. આમ માણસના સમગ્ર જીવનમાં પોતાના ખુદના માટે તો ખાસ સમય ફાળવી શકતો નથી. છતાં રોજ ઊઠીને રોજગારી સિવાય અન્ય માટે કૈંક ને કૈંક જગ્યાએ વ્યક્તિએ સમય ફાળવવો પડતો હોય છે. હાલના સમયમાં સંસારી હોય કે સંન્યાસી, દરેક સામાજિક રીતે ક્યાંક ને ક્યાંક જોડાયેલ હોય છે. આ બધી વ્યવસ્થાઓ વ્યક્તિ માટે જેટલી ફાયદાકરક છે એટલી જ નુકસાનકારક પણ છે. કારણ કે બધે સમય ફાળવી ના શકાય, બધાને પૂરતો ન્યાય આપી ના શકાય. આમ છતાં સવારથી સાંજ સુધી માણસે પોતાના માટે અને બીજના માટે સતત કર્મ કરવા પડે છે. એ દરમ્યાન જાણતા અજાણતા નાની મોટી ભૂલો થઈ જાય, કોઈના મન દુભાય, કોઈની આખે થવાનું થાય, કોઈના સ્વાર્થનો ભોગ બનવાનું થાય. આમ વ્યક્તિ જેટલો વધુ સક્રિય એટલો વધુ દુઃખી થાય છે. આ બધા સંબંધો પૈકી કેટલાક સંબંધો માત્ર કામ પૂરતા અને સ્વાર્થના હોય છે. એ સંબંધોની કસોટી વ્યક્તિના ખરાબ સમયે થાય છે. ખરાબ સમય તો જતો રહે છે પણ એ સમયે આપણી સાથે કરેલા વ્યક્તિના સારા કે ખરાબ વ્યવહાર કાયમ યાદ રહી જાય છે. આમ જીવન એ બીજું કાંઈ નહિ પણ સુખ-દુઃખ, આશા-નિરાશા અને અરમાનો-ફરમાનોની કહાની છે. આ બધા સરવાળા બાદબાકીના સમીકરણોમાં નવા વર્ષમાં નિરાશાને જાકારો આપીને આશા અમર છે એમ માનીને નવા સંકલ્પો સાથે માનવતાની મહેક સાથે જ્યાં અટક્યા ત્યાંથી નવી સફરની શરૂઆત કરીએ એ જ નવા વર્ષની શુભેચ્છા !