કોરોના કાળમાં જેમ મોટા ભાગના લોકો ઝપટે ચડી ગયા હતા. એમ સેવાની મૂર્તિ ઓઘડ પણ કોરોનાની ઝપટે ચઢી ગયો હતો. કેટલાં ‘ક દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યો. ઓઘડ હવે કોરોનામુક્ત થયો એટલે દવાખાનેથી રજા આપી. એટલે જીવી અને ઓઘડ બન્ને ઘેર આવવા નીકળ્યા.આખા ગામમાં વાવડ ફેલાયા કે, ઓઘડ અને જીવી દવાખાનેથી ઘેર આવે છે. આખું ગામ એમને મળવા ઊમટી પડ્યું. કેટલાક ગામ લોકો વાતું કરે કે ,’આ તો બોવ મોટો રોગ સ. એટલે ઈમાં જે મળવા જાહે ઈને પણ આ રોગ થાહે.’ કેટલાકને તો ખૂબ ભોળપણ ઇમને તો કોઈ હાજુ માંદુ હોય કે કાંઈ વસાર કર્યા વિના મળવા ઊપડી જ જાય. દવાખાનની એમ્બ્યુલન્સ ઓઘડ અને જીવીને મુકવા ગામમાં આવી. જીવીના ઘરની આગળ પંદરેક માણસો મળવા ઊભા હતા. એમાંના કેટલાંક પુરુષો તો ઓઘડને નહિ પણ જીવીને જોવા બેઠા હતા.
એટલામાં એમ્બ્યુલન્સનો બિહામણો અવાજ સંભળાયો. એ સાંભળીને જે બેઠેલા હતા તેમાંથી થોડા, જેની માત્ર બહારથી જ છપ્પનની છાતી દેખાતી હતી તેવા તો ઘરમાં વહ્યા ગયા. મનમાં ઇમ કે જો ગાડી ઊભી હોય ને ઊધરસ નીકળી આવી તો મુઆ ગાડીમાં નાંખી દવાખાને લઈ જાહે.ગાડીમાંથી થાકેલી જીવી પહેલાં ઊતરી. એ ભલે થાકેલી દેખાતી હોય પણ જે એને જોવા ઊભા’તા એને મન તો જીવી જાણે કે ખીલેલી કળી ! જીવીની વાંહે ઓઘડ જીવીનો હાથ ઝાલી ઊતર્યો એ જોઈને જ અડધા જે જીવી પર મરતા હતા તેના તો જીવ અધ્ધર થઈ ગયા. બધાએ બેઉના ખબર અંતર પૂછ્યા ને સૌ પોત પોતાને ઘેર રવાના થયા.
જીવી વહેલી ઊઠી ઓઘડની સેવા ચાકરી કરે. ઘરનું કામ પતાવે. આમને આમ થોડા દિવસો વહ્યા ગયા. હવે જે બચત હતી તે પણ પુરી થઇ ગઇ. હવે જીવીને મનમાં ને મનમાં ઘરનું ગુજરાન ચલાવવાની ચિંતા થતી હતી. ડોકટરે ઓઘડને આરામ કરવાનું કહ્યું હતું. ઓઘડ નાહકની ચિંતા કરે ને ફરી પાછો બીમાર પડે એવો વિચાર આવે એટલે જીવી પોતાનો ચહેરો હસતો રાખે.એક દિવસ પડોશમાં રહેતી મુકતાબેન સામે જીવીએ પોતાના દુઃખની વાત કહી. મુકતાબેને કહ્યું ઃ’જીવી તને તો સિવવાનું આવડે સ. તો ઇ કામ કેમ નથ કરતી.’ જીવીને થયું વાત તો સો એ સો ટકા હાચી કરી હો. પણ ઇ કામ માટે સિવવાનો હંચો ક્યાં છે? ઓધડ હંચો લાવી આપવાનો હતો. પણ એ જ બીમાર થઈ ગયો. મુક્તાબેનની સલાહથી જીવી બેંકમાં લોન લેવા ગઈ. બેંકવાળાએ જીવીને પૂછ્યું ઃ’કાંઈ ભણ્યા છો કે? સિવણની તાલીમનું કાંઈ પ્રમાણપત્ર છે કે ?’ આ સાંભળી જીવી તો મૂંઝાઈ ગઈ અને શરમથી માથું નીચું થઈ ગયું. જીવી પાસે આવું કોઈ પ્રમાણપત્ર ન હતું એટલે બેંકવાળાએ જીવીને લોન આપવાની ના પાડી.બીજે દિવસે છોકરાને શાળામાં મુકવા ગઈ ત્યારે શાળા જોઈને જીવીને પહેલીવાર મનોમન પોતે નિરક્ષર હોવાનો પસ્તાવો થયો. જીવીએ પોતાની મુંઝવણ શાળાના શિક્ષિકા બહેન રૂપલબેનને કહી. લીલાબેને કહ્યું:’જીવીબેન તમે તો નાહકની ચિંતા કરો છો. હમણાં રોજ અમે પ્રૌઢ શિક્ષણના વર્ગ ચલાવીએ છીએ. તો તમે પણ એમાં ભણવા આવજો.’ જીવી કહેઃ’બુન હું તો આખો દન મજૂરીએ જાવ સુ તો કઈ રીતે ભણવા આવું’. રૂપલબેન કહેઃ’અરે ! જીવી તમારા જેવા મોટી વયના માણસો માટે જ અમે આ પ્રૌઢ શિક્ષણ માટે રાત્રિ શાળા ચલાવીએ છીએ. સાંજે વહેલા કામથી પરવારી જઈને રાત્રિ શાળામાં આવજો. જીવી તો ખુશ થઈ ગઈ. તે જ દિવસથી જીવી તો મજૂરીએથી ઘરે આવી જલદીથી ઘરના બધા કામ પતાવી, ઓઘડની દવા પાણી પતાવી રાત્રિ શાળામાં ભણવા જાય. આમેય જીવી જેવી તનથી રૂપાળી તેવી જ બુદ્ધિ પણ. જીવીને તો ઝટપટ લખતાં વાંચતા આવડી ગયું. રૂપલબેને જીવીને પ્રૌઢ શિક્ષણની પરીક્ષા પાસ કરાવી આપી અને સિવણના સરકારી વર્ગમાં પ્રવેશ અપાવ્યો. જીવીને તો થોડું સિવણનું કામ આવડતું જ હતું. હવે વર્ગમાંથી વધારે શીખી લીધું. હવે જીવીને સિવણનું પ્રમાણપત્ર મળી ગયું. જીવીની ખુશીનો પાર ન રહ્યો. પ્રમાણપત્ર લઈ જીવી તો ગઈ સીધી બેંકમાં. બેન્ક મેનેજરે સિવવાના હંચાની લોન કરી આપી. હવે જીવીએ તો મજૂરીકામ છોડી દીધું. હવે જીવી આત્મવિશ્વાસથી અને આત્મસન્માનથી સિવણ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવવા લાગી. ઘરમાં જ કામ કરવાનું હોવાથી એમને સમાજ સેવાનો પણ વધારે સમય મળવા લાગ્યો. સાથે સાથે છોકરાઓને ભણવામાં પણ મદદ કરતી. હવે તો ઓઘડ પણ સાજો થઈને કામે લાગી ગયો હતો. આમ ઓઘડ ખુશ ને જીવી પણ ખુશ.
પણ.., માત્ર પોતાનું જ કામ કરીને બેસી રહે એ જીવી ના હોય. એમણે ગામમાં છોકરીઓને કંઈ કેટલીય જાતની તાલીમ આપી -અપાવીને પગભર કરી. જાતે જ જિંદગી જીવતા શિખવાડ્યું.
હવે બધાને સમજાઈ ગયું કે જો છપ્પનની છાતી હોય તો સ્ત્રી પણ કંઈ પણ કરી શકે છે.
મૂળ વાર્તાઃ- તારા પટેલ (નવસારી)
રી રાઈટ:- કાળુભાઈ ભાડ, અમરેલી.