પોલીસ વર્ષોથી આ કરે છે. જુગારધારાની કલમ ૧૨ અ મુજબ કોઈ એક જ વ્યક્તિને જુગાર રમતા રમતા પકડી પાડે અને તેના હાથમાંથી જુગારનું સાહિત્ય એટલે કે મટકાના આંકડાઓ લખેલી ચીઠી પકડાય તેની પાસેથી ૦૦ રૂપિયાની કિંમતની ગણેલી એક બોલપેન પણ પકડાય અને તે એક જ વ્યક્તિ સામે ગુનો દાખલ થાય. વોટ ઇઝ રબિશ? આમાં કોઈ તર્ક જ નથી. વળી ફરિયાદમાં એવું પણ લખવામાં આવે કે આરોપીએ વરલી મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઇ જુગાર રમી રમાડતા વરલી મટકાનાં આંકડાઓ લખેલ ચીઠ્ઠી નંગ-૧ કિં.રૂ.૦૦/૦૦ તથા બોલપેન નંગ-૦૧ કિં.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂ.૧૦,૭૭૦/- ના મુદામાલ સાથે જાહેરમાંથી મળી આવી પકડાઇ ગયો હતો. પણ તે કોની સાથે રમાડતા કે રમતા એવો કોઈ ઉલ્લેખ જ નહીં !!!
જુગારમાં હારજીતનું તત્વ રહેલું હોય છે અને હારજીત વગર તેને જુગાર જ કહી શકાતો નથી તેથી પકડાયેલ એક વ્યક્તિ કોની સાથે જુગાર રમતો હતો તે જ્યાં સુધી સાબિત ન થઈ શકે ત્યાં સુધી તે ઘટના જુગારની વ્યાખ્યામાં આવી શકે નહીં. તેથી જો આ પ્રકારે એક જ વ્યક્તિ અંગે પોલીસને જાણ મળી હોય તો બીજા આરોપી અથવા આરોપીઓના નામ અન્ય વ્યક્તિઓ તરીકે દર્શાવીને તેને તપાસના કામે સામેલ કરવાની તૈયારી સાથે ગુનો દાખલ કરવો જોઈએ. વરલી મટકામાં વર્ષોથી આ પ્રકારે એક જ વ્યક્તિ સામે ગુના દાખલ થાય છે.
તો કાનૂની જોગવાઈમાં કશુંક ખૂટતું હોય તો તેની પૂર્તિ કરીને કાનૂન બદલવાનો પ્રસ્તાવ પણ મુકાવો જોઈએ. આઇપીસીમાં આ સુધારા કરીને તેને ભારતીય ન્યાય સંહિતા બનાવવામાં આવી છે તે જ રીતે જુની કલમમાં સુધારાની પણ જરૂર છે. આરોપી આંકડા લખેલ ચિઠ્ઠી સાથે ઝડપાયો હોય તો તે આંકડાનો વ્યવહાર વહીવટ ચલાવનાર પણ કોઈ વ્યક્તિ હોઈ શકે. અને તેની કબુલાત પણ આરોપી પાસેથી મળી શકે. આરોપી કબુલાત આપતો ન હોય તો તેની નોંધ અજાણી વ્યક્તિ તરીકે કરીને પણ તેમાં અન્ય આરોપી અથવા આરોપીઓની સામેલગીરીની સંભાવના દર્શાવીને એફઆઇઆર કરવી જોઈએ પરંતુ પોલીસ દ્વારા સામાન્ય રીતે આમ કરવામાં આવતું નથી. અગાઉ પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાઈ તો પણ એક જ વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને જય હિન્દ જય ભારત કરીને સમરી ભરી દેવામાં આવતી હતી. પરંતુ હવે પોલીસ દારૂનો જથ્થો પૂરો પાડનાર વ્યક્તિ અથવા તો દારૂ મંગાવનાર વ્યક્તિને પણ આરોપી તરીકે સામેલ કરતી થઈ છે તે જ પ્રકારે વરલી મટકાની વર્ષોથી ચાલી આવતી ગુનો દાખલ કરવાની પરંપરામાં પણ સુધારો થઈ શકે. જ્યાં સુધી જુગારમાં બીજી વ્યક્તિ સાથેનું કનેક્શન સાબિત ન થાય ત્યાં સુધી તેને તમે વરલી મટકાનો અથવા કોઈ પણ પ્રકારના મટકાનો જુગાર કઈ રીતે કહી શકો? એક વ્યક્તિ અમુક પ્રકારના આંકડા અમથે અમથા એકલો એકલો લખીને બેઠો હોય અને પોલીસ આવીને એને પકડી લે તો તે પણ એક અન્યાય છે. એટલે કોઈ વ્યક્તિને અન્યાય પણ ન થવો જોઈએ. પોતાની કામગીરી દર્શાવવાના હેતુથી પોલીસ આ પ્રકારના આડેધડ કાચા કેસ કરે રાખે છે તેના કારણે એક હકીકત એ પણ છે કે દારૂ જુગારના મોટાભાગના કેસ અદાલતમાં સાબિત થતા નથી અને આરોપીઓ છૂટી જાય છે. આમાં ક્યાંક કશુક ખૂટે છે. ખાસ કરીને વરલી મટકાના કેસોમાં કશું ખૂટે છે. આ શું ખૂટે છે એનો પૂરતો અભ્યાસ પોલીસના ઉપરી અધિકારીઓએ કરીને કાનૂની જોગવાઈમાં સુધારો કરવાની પ્રપોઝલ ખુદ પોલીસના ઉપરી અધિકારીઓએ જ સરકારને મોકલવી જોઈએ. ગૃહ ખાતાએ ગૃહમાં એટલે કે ઘરમાં બેસીને વાતોના વડા કરવાને બદલે ફિલ્ડમાં કામ કરતી પોલીસ કઈ બાબતમાં શું કેમ કરે છે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. ટૂંકમાં કહીએ તો જુગાર ધારો પણ ઇન્ડિયન પીનલ કોડની જેમ જ કેટલાક સુધારાઓ માંગી રહ્યો છે.