ગીર જંગલના ઉપરવાસમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના લીધે ઉના ગીરગઢડા પંથકની મચ્છુન્દ્રી નદીમાં નવા નીર આવતા નદીના બંને કાંઠે પાણી વહેતા થયા હતા. નદીમાં ડેમનું કામ ચાલુ હતું ત્યારે અચાનક પાણી આવતા હિટાચી મશીન અને ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જુડવડલી ગામની મચ્છુન્દ્રી નદીમાં નવા ડેમનું કામ શરૂ હતું અને ભારે વરસાદના કારણે સાંજના સમયે અચાનક નદીમાં પાણી આવી જતા સ્થળ પર કામ કરતા લોકોમાં નાસભાગ મચી હતી અને નદીમાં ધીમે ધીમે પાણીનો પ્રવાહ વધી જતાં નદીમાં રહેલ હિટાચી મશીન તેમજ ટ્રેક્ટર નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે નદીમાં પાણી આવતા કામ કરતા તમામ વ્યક્તિઓ તાત્કાલિક નદીમાંથી બહાર નીકળી ગયા હતા અને નદીમાં રહેલા સાધનો હિટાચી મશીન અને ટ્રેક્ટર ત્યાં જ પડેલ જે પાણીના વહેતા પ્રવાહમાં આ મશીન તણાઇ જતા ડૂબી ગયા હતા. જોકે નદીમાં પાણી ઓસરી જતાં હિટાચી મશીન તેમજ ટ્રેક્ટરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.