ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ તેના ભ્રષ્ટાચારી નીતિ રીતિ અને છબરડાઓ માટે કુખ્યાત બની ગયું છે. ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામોમાં ઐતિહાસિક રીતે લાખો વિદ્યાર્થીઓ નાપાસ થઈ રહ્યા હતા અને શિક્ષણ બોર્ડ તથા શાળાઓએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી દીધા હતા. સરકારને ખબર છે કે ઓછા શિક્ષકો, લિમિટેડ રિસોર્સ અને પાયામાં સુચારુ ભણતર આપી શક્યા નથી અને પાયો મજબૂત કરી શક્યા નથી માટે ૨૦૨૩ માં જે ખરાબ પરિણામ આવ્યું ત્યાર બાદ અચાનક ધોરણ ૬ થી ધોરણ ૧૨ ના પાઠ્યપુસ્તકોમાં ઘણા પ્રકરણો અથવા તેમાં આવતા યુનિટને ઘટાડી દેવામાં આવ્યા અને પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે ધો. ૬ થી ધો. ૧૨ માં Rationalised Content in Textbokos અન્વયે પ્રકરણના કેટલાક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણ દૂર કરેલ. અને તે અનુસાર ઘટાડેલ પાઠ્યસામગ્રી મુજબ NCERT એ ધો. ૬ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો પ્રસિદ્ધ કરેલ હતા.

૨૦૨૩-૨૪માં પાઠ્યપુસ્તક મંડળે પેપરના ૧૦૮ રૂપિયા કિલોના ભાવે ટેન્ડર નક્કી કરેલ હતું. તથા આ ટેન્ડર છેલ્લા ૧૫ વર્ષથી એકની એક જ એજન્સીને ફાળે જતું હતું વળી એ જ પ્રકારના કાગળ અન્ય એજન્સી ૮૭ રૂપિયા કિલો આપવા પણ તૈયાર હતી પરંતુ તે ૧૦૭ રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા હતા. આ બાબત હાઈકોર્ટમાં પણ લઈ જવામાં આવી હતી તે સમગ્ર પ્રકરણને કોંગ્રેસ દ્વારા  ઉજાગર કરવામા આવ્યું હતું અને તાજેતરના નવા ટેન્ડરમાં આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૫માં જુન મહિનામાં જે  પુસ્તકો વેચવામાં આવશે તેના માટેના કાગળ ખરીદીમાં પાઠ્ય પુસ્તક મંડળમાં મીલોનો ભાવ રૂ. ૫૩.૫૦ પ્રતિ કિ.ગ્રા. ૭૦ ગ્રામ વજનવાળી ગુણવત્તાનો પેપર ખરીદેલ છે. આ જાતાં પાઠ્ય પુસ્તક મંડળને ગત વર્ષો કરતાં રૂ. ૨૭૫ કરોડનો ફાયદો થયેલ છે. તદ્‌ઉપરાંત “નહી નફો અને નહીં નુકસાન જેનો મુખ્ય ઉદ્દેશ હતો” તે પાઠ્ય પુસ્તક મંડળ પાસે રીઝર્વ ફંડ રૂ. ૩૦૦ કરોડથી પણ વધુ પડી રહેલ છે.

 

ધોરણ ૧૦ ના ગણિતના જુના કોર્સના પુસ્તકમાં ૩૧૮ પેજ હતા (વજન – ૮૩૦ ગ્રામ) અને તેની કિંમત ૧૨૬ રૂપિયા હતી નવા ઘટાડેલા કોર્સમાં અભ્યાસક્રમ ઓછો કરીને ૨૩૦ પેજનું ગણિતનું પુસ્તક બનાવવામાં આવ્યું (વજન – ૬૦૫ ગ્રામ) પરંતુ તેનો ભાવ ૧૨૬ રૂપિયા જ રાખવામાં આવ્યો. આમ ગુજરાત સરકારનું પાઠ્યપુસ્તક મંડળ વાલી અને વિદ્યાર્થીઓ પાસે તગડો નફો રળી રહ્યું છે.પાઠ્ય પુસ્તક મંડળનો તમામ પુસ્તક પ્રોડક્શનનો ખર્ચ સર્વ શિક્ષા અભિયાન અને સ્કુલ ઓફ કમિશ્નર તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ સંયુક્ત રીતે ખર્ચ ઉઠાવે છે. આમ જનતાના ટેક્સના રૂપિયે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સંયુક્ત ફાળાથી પુસ્તકો બનતા હોય છે.ગત વર્ષે કોંગ્રેસ દ્વારા કૌભાંડ ઉજાગર કર્યા બાદ પાઠ્યપુસ્તક મંડળને કાગળ ખરીદીમાં ૫૦% નો ફાયદો થયેલ છે અને તેનો લાભ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મળી રહે તે હેતુથી કોંગ્રેસ માગણી કરે છે કે વર્ષ ૨૦૨૫નાં વર્ષમાં ધોરણ ૧ થી ૧૨ના તમામ વિષયોના પુસ્તકોની કિંમતમાં પણ ૫૦% નો ઘટાડો કરવામાં આવે જેથી હાલની કપરી મોંઘવારીમાં ગુજરાતના લાખો વાલી અને વિદ્યાર્થીઓને લાભ મળે.