મુંબઈના જુહુમાં બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની લક્ઝરી કારને બસે ટક્કર મારી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું, પરંતુ આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મોંઘી કાર જાવા મળી રહી હતી. તેની પાછળ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટની લાલ રંગની બસ હતી. સૂત્રએ જણાવ્યું હતું કે ઐશ્વર્યા તે કારમાં નહોતી જેને બસે પાછળથી ટક્કર મારી હતી.
વીડિયોમાં બસ સાથે અથડાવાથી કારને કોઈ મોટું નુકસાન થયું ન હતું, પરંતુ તે થોડા સમય પછી ઝડપથી દૂર થઈ ગઈ હતી. બેસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માત પછી, જુહુ તારા રોડ પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન નજીકના બંગલામાંથી એક બાઉન્સર બહાર આવ્યો અને બસ ડ્રાઇવરને થપ્પડ મારી દીધી.
અધિકારીના જણાવ્યા અનુસાર, બસ જુહુ ડેપોથી નીકળી હતી અને અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન પાસે પહોંચતાની સાથે જ તેણે મોંઘી કારને ટક્કર મારી દીધી. તેમણે કહ્યું, “બસ ડ્રાઈવર કારને થયેલ નુકસાન જાવા માટે નીચે ઉતર્યો. આ દરમિયાન નજીકના બંગલામાંથી એક બાઉન્સર બહાર આવ્યો અને ડ્રાઈવરને થપ્પડ મારી દીધી.” ત્યારબાદ ડ્રાઇવરે પોલીસ કંટ્રોલર રૂમમાં ફોન કર્યો અને એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. અધિકારીએ કહ્યું, “જ્યારે પોલીસ આવી, ત્યારે બંગલાના સુપરવાઇઝર સ્ટાફે બસ ડ્રાઇવરની માફી માંગી. ડ્રાઇવરે મામલો ત્યાં જ સમાપ્ત કરી દીધો અને બસને સાંતાક્રુઝ ઉપનગરીય સ્ટેશન તરફ હંકારી દીધી. કોઈ ફરિયાદ કે એફઆઇઆર નોંધાઈ ન હતી.”