ખેતીએ ઉદ્યોગ નથી, ખેતિએ યુગોથી જીવન નિર્વાહ પધ્ધતિ છે. કોઈ પણ ધંધો-ઉદ્યોગમાં સ્કીલવાળા લેબર કે મેનેજમેન્ટની જરૂરિયાત ઉભી થાય છે. સામાન્ય મંદીમાં પણ ધંધાના શટરો પડી જાય છે. કામદારો બેકાર બને છે. આવી વિષમ સ્થિતી વચ્ચે ખેતીએ સ્કીલ લોકોને રોજગારી આપતો આજે પણ મોટો સ્વ.રોજગાર છે. ખેડૂતોના સંતાનોને હળ ચલાવવા, વાવણી કરતા કે પાણી વાળતા શીખવવું ના પડે એ તેના લોહીના સંસ્કારો છે. આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણસિંહનો જન્મ દિવસ છે જેને દેશ રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવે છે. ભારતએ વિશ્વમાં કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે અને હરિતક્રાંતિ ખેડૂતો અને ખેત મજુરો સિવાય શકય જ નથી.
આપણા દેશના પાંચમાં પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણસિંહ હતા. તેઓનું સમગ્ર જીવન ખેડૂતોના હિતમાં સર્મપિત રહ્યું. તેમનો જન્મ ર૩ ડિસેમ્બર ૧૯૦રના રોજ ઉત્તર પ્રદેશના હાપુર ખાતે થયો હતો. ગામડામાં જન્મેલા અને ખેડૂત પરિવારમાંથી આવતા ચૌધરી ચરણસિંહને ભારતીય રાજનીતિમાં ‘‘ધરતીપુત્ર’’ તરીકેનું લોકોએ બહુમાન આપેલ. ખૂબ ટૂંકાગાળા ૧૯૭૯થી ૧૯૮૦ સુધી તેઓ ભારતના પ્રધાનમંત્રી તરીકે રહ્યા. નાના અને શ્રીમંત ખેડૂતોના પ્રશ્નો માટે તેઓ હંમેશા લડતા રહ્યા. ખેડૂતોને પોતાના હક્ક માટે જાગૃત કરતા રહ્યા. વડાપ્રધાન પદ ઉપરાંત તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ રહ્યા હતા ત્યારે તેઓએ જમીન સુધારણા માટે લોક ઉપયોગી કામગીરી કરી હતી. કેન્દ્રીય નાણા મંત્રી તરીકે ગામડાઓ અને ખેડૂતોના વિકાસ માટેની યોજનાઓ બનાવીને બજેટ રજુ કર્યુ હતુ. તેઓ હંમેશા માનતા હતા કે દેશની પ્રગતિ ખેતી વિના શકય નથી. ખેડૂતોએ ખતી વ્યવસાયના કેન્દ્રમાં છે. તેની સાથે વિવેક અને વિનમ્રતા પૂર્વક વર્તવું જાઈએ અને તેની મહેનતનું વળતર મળવુ જોઈએ.
આઝાદી બાદ અનેક નેતાઓ ખેતી અને ખેડૂતોના પ્રશ્ને સતત લડતા રહ્યા. હિન્દુસ્તાનને એક તાંતણે બાંધી દેશને અંખડ બનાવનાર સરદાર સાહેબને કયારેય ભૂલી શકાય તેમ નથી. ઉપરાંત ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીનો ખેડૂતો પ્રત્યેનો લગાવ કયારે ભૂલી શકાય તેમ નથી. આઝાદ પહેલા આધુનિક વિકાસના સ્વપ્નદ્રષ્ટા શ્રી ગોંડલ રાજવી શ્રી ભગવતસિંહજીનો ખેડૂતો પ્રત્યેનો પ્રેમ કયારેય ભૂલી શકાય તેમ નથી. ૧૯પરમા ‘જમીનદારી નાબુદી બિલ એ ચૌધરી ચરણસિંહની મહેનત છે.
વર્તમાન સમયની યુવાપેઢી પશ્ચિમની સંસ્કૃતિના અનુકરણ સાથે દેશના ભવ્ય ભૂતકાળને ભૂલવા લાગી છે. તેના માઠા પરિણામો આપણે ભોગવતા થયા છીએ. પરિવાર, સમાજ વ્યવસ્થા અને તેના આદર્શો જડ ન હતા પરંતુ જીવન પધ્ધતિમાં હું કોનું સંતાન છું? મારા દાદા-પરદાદા કોણ ? હું કયાં કુંટુંબ કે જ્ઞાતિમાંથી આવુ છું. તેને લાંચન લાગે તેવુ કામ મારાથી કયારેય ન થાય આ ભાવ સાથેની કુંટુંબ વ્યવસ્થાઓ હતી. આજે સ્વતંત્ર મનનાં માનવી બનવાની ઘેલછામાં આપણે આપણો ઈતિહાસ અને સંસ્કારો ભૂલતા થયા છીએ. જે વ્યકિતઓ જે પરિવાર, જે જ્ઞાતિ-સમાજ અને રાષ્ટ્ર પોતાના ભવ્ય ઉજળા ઈતિહાસના સંતો, મહંતો, શૂરવીરો તથા દાનવીરો અને સામાજીક મોભાને ભૂલી જાય છે. તેનું પતન નક્કી થાય છે. ખેડૂતોએ ખેડૂતો માટે કામ કરનાર મહાપુરૂષો અને ખેડૂત નેતાઓને ભૂલવા ન જોઈએ. ઉપરાંત ખેડુતો એકત્રિત થઈ ને રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવણી કરતા થાય તે ખૂબ જરૂરી છે.