સાવરકુંડલા પંથકના ગૌરવ એવા બહારવટિયા અને જેની ખાનદાની માટે ઇતિહાસે નોંધ લીધી છે એવા જોગીદાસબાપુ ખુમાણની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ સુપ્રસિદ્ધ રામાયણી મોરારીબાપુના હસ્તે આજે નગરપાલિકા પરિસરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરારીબાપુએ તેમની ખાનદાની, ખુમારી અને જોગીદાસ બાપુમાં જે સમાજને અનુકરણ કરવા જેવા ગુણો હતા તેનું વર્ણન કરી સમગ્ર વિશ્વને એક સંદેશ આપ્યો છે કે જોગીદાસ બાપુમાં પંચતત્વના અદભુત ગુણ હતા તે સમાજે અપનાવવા જોઈએ. આ પ્રસંગે તેમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિલીપભાઈ સંઘાણીએ લૂંટારા અને બહારવટિયાનો ભેદ સમજાવી જોગીદાસ બાપુની ખાનદાની વિશે ઉદાહરણો આપ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ આ ક્ષણને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. સાવરકુંડલા નગરપાલિકાને જોગીદાસબાપુનું નામકરણ અને આજે તેમની મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું પોતાને સૌભાગ્ય મળ્યું હોવાનું ગૌરવ અનુભવ છે તેવું તેમણે જણાવ્યું હતું. આ અવસરે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, જનકભાઈ તળાવીયા, હીરાભાઈ સોલંકી, જે.વી. કાકડીયા અને જેનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું તેવા ભીખુદાન ગઢવી, સતાધારથી વિજયબાપુ, સાવરકુંડલાના દેવી સ્વરૂપ ઉષામૈયા અને જ્યોતિમૈયા, માનવ મંદિરના ભક્તિબાપુ, વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ચીફ ઓફિસર, નગરપાલિકાના તમામ કાઉન્સિલરો, કર્મચારીઓ, કેતનભાઇ ખુમાણ અને તેમની ટીમ, જોગીદાસબાપુ ખુમાણ અનાવરણ સમિતિ તથા વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.