એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના પરભણીમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું, ‘પાકિસ્તાન હંમેશા પરમાણુ શક્તિ હોવાની વાત કરે છે.’ તેમણે યાદ રાખવું જોઈએ કે જો તેઓ કોઈપણ દેશમાં ઘૂસીને નિર્દોષ લોકોને મારી નાખે છે, તો તે દેશ ચૂપ નહીં રહે. કોઈ પણ સરકાર સત્તામાં હોય, આપણી ભૂમિ પર આપણા લોકોને મારીને અને ધર્મના આધારે તેમને નિશાન બનાવીને તમે કયા ‘દીન’ની વાત કરી રહ્યા છો?
પાકિસ્તાન પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું, ‘તમે આઇએસઆઇએસ જેવું કામ કર્યું છે.’ હું પ્રધાનમંત્રીને કહેવા માંગુ છું કે જો કાશ્મીર આપણો અભિન્ન ભાગ છે, તો કાશ્મીરીઓ પણ આપણો અભિન્ન ભાગ છે. આપણે કાશ્મીરીઓ પર શંકા કરી શકીએ નહીં.
મહારાષ્ટ્રના પરભણીમાં વક્ફ (સુધારા) અધિનિયમ ૨૦૨૫ વિરુદ્ધ આયોજિત વિરોધ પ્રદર્શનમાં એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાનો અવાજ ઉઠાવ્યો. ઓલ ઇન્ડિયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં, તેઓએ વકફ એક્ટને ગેરબંધારણીય અને મુસ્લીમ સમુદાયના હિતોની વિરુદ્ધ ગણાવ્યો. ઓવૈસીએ કાયદા વિરુદ્ધ એક જાહેર સભાને સંબોધિત કરતા કેન્દ્ર સરકારને તેને પાછો ખેંચવાની માંગ કરી અને મુસ્લીમ સમુદાયને તેમની મસ્જીદો અને વકફ સંપત્તિઓનું રક્ષણ કરવા માટે એક થવા હાકલ કરી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. પાકિસ્તાનીઓને ભારત છોડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને સિંધુ જળ સંધિ પણ સ્થગિત કરવામાં આવી છે. આ આતંકવાદી હુમલાની દેશભરમાં નિંદા થઈ રહી છે અને લોકો પાકિસ્તાન સામે ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.