દેશના વિવિધ વિકાસ સૂચકાંકોમાં ઝારખંડ સૌથી પછાત રાજ્યોમાં સ્થાન ધરાવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ગરીબ રાજ્યના મોટાભાગના સરકારી કર્મચારીઓ કરોડપતિ છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝારખંડના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી ૮૯ ટકા કરોડપતિ છે. કોંગ્રેસના ધારાસભ્ય રામેશ્વર ઉરાં રાજ્યના સૌથી ધનિક ધારાસભ્ય છે, તેમની કુલ સંપત્તિ ૪૨.૨૦ કરોડ રૂપિયા છે.
ઝારખંડ ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ રાજ્યના ૮૧ વિજેતા ધારાસભ્યોમાંથી ૮૦ના ચૂંટણી એફિડેવિટ્‌સનું વિશ્લેષણ કર્યું છે. આ વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જીતેલા ૭૧ ધારાસભ્યો કરોડપતિ છે, જે વર્ષ ૨૦૧૯માં જીતેલા કરોડપતિ ધારાસભ્યો કરતા ૨૦ ટકા વધુ છે. ૨૦૧૯માં ૫૬ કરોડપતિ ધારાસભ્યો હતા. જ્યારે ૨૦૧૪ની ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોમાં ૪૧ ધારાસભ્યો કરોડપતિ હતા. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ઝારખંડ વિધાનસભામાં કરોડપતિ ધારાસભ્યોની સંખ્યા દર વર્ષે વધી રહી છે.
આ વર્ષે ચૂંટણી જીતેલા ૭૧ કરોડપતિ ધારાસભ્યોમાંથી ૨૮ ધારાસભ્યો જેએમએમના છે. ભાજપના ૨૦ ધારાસભ્યો, કોંગ્રેસના ૧૪, આરજેડીના ચાર,સીપીઆઇએમએલના બે અને એલજેપી રામવિલાસ અને એજેએસયુના એક-એક ધારાસભ્ય કરોડપતિ છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જેએમએમએ ૩૪ બેઠકો, કોંગ્રેસે ૧૬,રાજદએ ચાર અને સીરીઆઇએમએમએલએ બે બેઠકો જીતી છે. આ ચારેય પક્ષો સત્તાધારી ગઠબંધનનો ભાગ છે. જ્યારે ભાજપે ૨૧ બેઠકો જીતી છે અને તેના એનડીએ સહયોગી એલજેપી (રામ વિલાસ), જેડીયુ અને એજેએસયુએ એક-એક બેઠક જીતી છે.
ઝારખંડના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૬.૯૦ કરોડ રૂપિયા છે. ૨૦૧૯માં ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૩.૮૭ કરોડ રૂપિયા હતી. ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ધારાસભ્યોની સરેરાશ સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. કોંગ્રેસના રામેશ્વર ઉરાં સિવાય ભાજપના કુશવાહા શશિ ભૂષણ મહેતા (૩૨ કરોડ), આરજેડીના સંજય પ્રસાદ યાદવ (૨૯ કરોડ) સૌથી અમીર ધારાસભ્યો છે.
ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચાના ધારાસભ્ય જયરામ કુમાર મહતો રાજ્યના સૌથી ગરીબ ધારાસભ્ય છે, તેમની કુલ સંપત્તિ રૂ. ૨.૫૫ લાખ છે. ૧૪ ધારાસભ્યો એવા છે જેમની પાસે ૧ કરોડ રૂપિયાથી વધુની જવાબદારી છે. ઝારખંડ વિધાનસભામાં ૪૨ ધારાસભ્યો ફરીથી ચૂંટાયા છે અને છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં સરેરાશ રૂ. ૨.૭૧ કરોડનો વધારો થયો છે.
શિક્ષણની વાત કરીએ તો રાજ્યના ૨૮ ધારાસભ્યોની શૈક્ષણિક લાયકાત ૮ થી ૧૨ પાસ છે. ૫૦ ધારાસભ્યો સ્નાતક અથવા વધુ શિક્ષિત છે. એક ધારાસભ્ય ડિપ્લોમા ધારક છે અને એક ધારાસભ્યએ પોતાને માત્ર શિક્ષિત ગણાવ્યા છે. રાજ્ય વિધાનસભામાં પહોંચનાર મહિલા ધારાસભ્યોની સંખ્યા આ વખતે ૧૦ થી વધીને ૧૨ થઈ ગઈ છે.