ઝારખંડમાં માઓવાદી નેતા પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં માઓવાદીઓએ ૨૪ કલાક બંધના એલાનની જોહેરાત કરી છે. પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં આજે ૨૪ કલાક માટે ઝારખંડ બંધની જોહેરાત કરવામાં આવી છે. બંધ દરમિયાન માઓવાદિઓએ ચાઈબાસામાં રેલ ટ્રેક પર લેન્ડમાઈન્સ લગાવીને વિસ્ફોટ કર્યો હતો. જેના કારણે હાવડા-મુંબઈ રેલ રુટની ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. ઘટના શુક્રવાર રાતે અંદાજે ૨ વાગ્યાની છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રેલ ટ્રેક પર વિસ્ફોટ કરવામાં આવ્યો છે ત્યાંથી થોડા સમય પછી જ મુંબઈ-હાવડા ટ્રેન પસાર થવાની હતી. વિસ્ફોટની થોડા સમય પહેલાં જ જોણ થઈ ગઈ હોવાથી મુંબઈ હાવડા ટ્રેનને ઘટના સ્થળે જ રોકી દેવામાં આવી હતી. માઓવાદીઓએ વિસ્ફોટ કરીને અપ અને ડાઉન બંને બાજુની રેલવે લાઈન ઉડાવી દીધી હતી જેના કારણે ટ્રેનની અવરજવર બંધ થઈ ગઈ હતી.
નક્સલીઓએ લાતેહરમાં પણ રેલવે ટ્રેક ઉડાવી દીધો છે. માઓવાદીઓએ શુક્રવારે મોડી રાતે લાતેહારના ડેમુ-રિચુઘુટા વચ્ચે રેલ ટ્રેક પરવ બ્લાસ્ટ કરીને તેને તોડી નાખ્યો છે. આ ઘટના પછી ડાઉન રેલવે લાઈનની દરેક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. આ ઘટના પછી રેલવે પ્રશાસન એક્ટિવ થઈ ગયું છે અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે. રેલવેની ટીમે ટ્રેકનું સમારકામ શરૂ કરી દીધું છે. રેલવે ટ્રેક પર બ્લાસ્ટના કારણે ઘણી ટ્રેનોના રુટ ડાઈવર્ટ કરવા પડ્યા છે. સાસારામ-રાંચી અને જમ્મુ-તાવી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ભાકપા માઓવાદીના પોલિત બ્યૂરોના સભ્ય પ્રશાંત બોઝ ઉર્ફે કિશન દાની ઝારખંડ પોલીસે ધરપકડ કરી હતી. એક કરોડનું ઈનામ મુકવામાં આવેલા પ્રશાંત બોઝની સાથે તેમની પત્ની શીલાની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રશાંત બોઝ ભાકપા માઓવાદીના બીજો નંબરના નેતા માનવામાં આવે છે. તેઓ બિહાર અને ઝારખંડમાં સંગઠનનો સૌથી મોટો ચહેરો છે.