એક હતો લકી લકકડખોદ. આખોય દિવસ લાકડામાં ટકટક કર્યા કરે. એની ટકટકથી ઝાડ પરનાં પક્ષીઓ હેરાન-પરેશાન થઈ ગયેલાં. બરાબર ઊંઘવાના ટાણે જ લકી ટકટક ટકટક ચાલુ કરી દેતો. પેલી ચકુ ચકલીએ તો કંટાળીને કહ્યું પણ ખરું, ‘‘એય! લકીડા, તું શું આમ આખોય દા’ડો ટકટક ટકટક કર્યા કરે છે. સમય પણ જોતો નથી. આ તું આમ ખરા ટાણે ટકટક ટકટક કર્યા કરે એમ થોડું ચાલે!’
લકી કહેતો, ‘’અરે ચકીબેન! તમે તો આ સરસ ને સુંદર ઝાડ પર રહો છો. ઘરમાં ક્યાંક બખોલમાં પણ તમે તમારું ઘર બનાવી લો. અને લોકોય તમને આશરો આપે. પણ અમે ક્યાં જઈએ. અમારે તો ઝાડમાં બખોલ બનાવવાની મહેનત કરવી જ પડે. આ બખોલ એ જ અમારું ઘર. એટલે તો અમારે આ બખોલ બનાવવા ટકટક ટકટક કરવું પડે છે.’’
બંનેની વાતમાં વચમાં ક્રેઝી કાબર ટાપસી પૂરતાં બોલી, ‘‘લકીભાઈ, તમારી વાત તો સાચી છે. પણ તમારા આ ટકટક ટકટકથી અમને ઘણી ખલેલ પહોંચે છે. તમે તમારું ઘર બનાવો એમાં અમને કોઈ વાંધો નથી, પણ તમે વખત જોયા વિના આમ ટકટક ટકટક કર્યા કરો છો એનો વાંધો છે.’’
‘‘અરે મારી ક્રેઝી કાબરબેન! તમે પણ સમજતાં નથી. મારે પણ તમારી જેમ ખાવા-પીવાની શોધમાં જ્યાં-ત્યાં ભટકવું પડે છે. જ્યારે સમય મળે ત્યારે મારું ઘર બનાવું છું. એમ તો આ ચકુ ચકલી ચીં… ચીં… ચીં… કર્યા કરે છે. ને તમે પણ ક્લબલ ક્લબલ કર્યા કરો છો. મેં ક્યારેય કોઈ ફરિયાદ તમને કરી? તમે બંને મારી બે’નો કેમ સમજતાં નથી. જાવ, હવે હું અહી નથી રહેવાનો. મારે અહીં મારું ઘર બનાવવું જ નથી.’’ – લકી રિસાઈ ગયો ને બોલ્યો.
ચકુ ચકલી, ક્રેઝી કાબર અને બીજાં પક્ષીઓને લકીની ઝાડ છોડીને બીજે જવાની વાત ન ગમી. એમને થયું, ગમે તેમ તો પણ લકી આપણો ભેરું છે. એ આમ આપણાથી રિસાઈને બીજે ચાલ્યો જાય એમ થોડું ચાલે. એમ વિચારી બધાં પક્ષીઓએ લકીને ઝાડ છોડીને ન જવા સમજાવતાં કહ્યું, ‘‘અરે લકીભાઈ! એમ તમે રિસાઈ જાવ એ થોડું ચાલે! અને હા, તમારે અમારી સાથે અહીં જ રહેવાનું છે. પછી અમને તમારી ટકટક ટકટક વિના જરાય નહિ ગમે હોં!’’
બધાં પક્ષીઓની વાત સાંભળી લકી રાજીરાજી થતાં બોલ્યો, ‘’અરે વાહ મારી બહેનો! મને ખબર જ હતી કે તમે મને અહીંથી નહીં જવા દો. મને પણ આ ચકુ ચકલીનું ચીં… ચીં… ચીં… અને ક્રેઝી કાબરનું કલબલ કલબલ સાંભળ્યા વગર થોડું ગમે!’’
બધાંય હસી પડ્યાં ને લકીએ પાછું ટકટક ટકટક શરૂ કર્યું. ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭