પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ધર્મતલામાં ૨૧ જુલાઈએ રેલી કાઢવામાં આવશે. આ કાર્યક્રમના એક દિવસ પહેલા જ તૃણમૂલ કાર્યકર્તાઓ ભેગા થવા લાગ્યા છે. આ રેલીમાં સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવ પણ ભાગ લેશે.
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના મોટી સંખ્યામાં કાર્યકરો કોલકાતા પહોંચી રહ્યા છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી આ બેઠક થઈ શકી ન હતી. આ વર્ષે લાખો લોકો આ મેળાવડામાં આવે તેવી શક્યતા છે. ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું કે અખિલેશ યાદવ આવતીકાલે કોલકાતામાં ટીએમસીની ધર્મતલા રેલીમાં ભાગ લેશે.
તમને જણાવી દઈએ કે ૨૧ જુલાઈ ૧૯૯૩ના રોજ મમતા બેનર્જીના નેતૃત્વમાં રાઈટર્સ કેમ્પેઈન દરમિયાન ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે દરમિયાન મમતા બેનર્જી યુથ કોંગ્રેસના અધ્યક્ષ હતા, પરંતુ તૃણમૂલ કોંગ્રેસની રચના બાદ મમતા બેનર્જી દર વર્ષે ૨૧મી જુલાઈને શહીદ દિવસ તરીકે ઉજવે છે.