બાંગ્લાદેશના પૂર્વ સુકાની અને સૌથી અનુભવી ખેલાડીઓ પૈકીના એક શાકિબ અલ હસને કહેલી વાત સાચી સાબિત થઇ છે. શાકિબે કહ્યું હતું કે તેમની ટીમ વર્લ્ડ કપ માટે હજુ તૈયાર નથી અને તે ટોચની ટીમ સામે લથડી શકે છે પરંતુ તે નિવેદનના અઠવાડિયાની અંદર જ ટોચની ટીમ તો નહીં પણ ક્રિકેટ જગતમાં નબળી મનાતી ઝિમ્બાબ્વેની ટીમે બાંગ્લાદેશને પરાજય આપ્યો છે.
પાંચમી અને અંતિમ ટી-૨૦ મેચમાં ઝિમ્બાબ્વેએ આઠ વિકેટે જીત મેળવીને બાંગ્લાદેશને પાંચ મેચની સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા દીધું નહોતું. સુકાની સિકંદર રઝા અને બ્રાયન બેનેટની શાનદાર ઇનિંગની મદદથી ઝિમ્બાબ્વેએ રવિવારે બાંગ્લાદેશને પહેલા બેટિંગ માટે આમંત્રિત કર્યા બાદ તેમને છ વિકેટે ૧૫૭ રન કરવા દીધા હતા તે બાદ રમવા ઊતરેલા ઝિમ્બાબ્વેએ સુકાની રઝાના શાનદાર પ્રદર્શનના જારે ૧૮.૩ ઓવરમાં ૨ વિકેટના ભોગે ૧૫૮ રન બનાવીને જીત મેળવી હતી. બાંગ્લાદેશે આ હાર બાદ પણ સિરીઝમાં ૪-૧થી જીત મેળવી હતી.
રઝા અને બેનેટે શાનદાર અર્ધસદી ફટકારી હતી. રઝાએ ૪૬ બોલમાં અણનમ ૭૨ રન કર્યા હતા જેમાં ૬ બાઉન્ડ્રી અને ચાર સિક્સર સામેલ હતી જ્યારે બેનેટે ૪૯ બોલમાં પાંચ બાઉન્ડ્રી અને પાંચ સિક્સરની મદદથી ૭૦ રન કર્યા હતા. બંનેએ બીજી વિકેટ માટે ૭૫ રનની ભાગીદારી કરી હતી.