નાણાકીય વર્ષના અંતિમ મહિનાના પહેલા જ દિવસે યુક્રેનના વડાપ્રધાન વ્લાદીમીર ઝેલેન્સ્કી અમેરિકાના પ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પ સાથે બાખડી પડ્યા. આ ઘટનાનું ચિત્રણ સેક્યુલર મીડિયામાં એવી રીતે કરવામાં આવ્યું કે ઝેલેન્સ્કી બહુ વીર છે. ટ્રમ્પે તેમને વ્હાઇટ હાઉસમાંથી કાઢી મૂક્યા. પરંતુ વાત શું હતી ? અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સે પહેલાં ઝેલેન્સ્કીને સમજાવ્યા. પરંતુ ઝેલેન્સ્કી ટસના મસ ન થયા. કોઈ એમ કહી શકે કે અમેરિકાને યુક્રેનના ખનિજોમાં રસ છે એટલે નાક દબાવે છે. પરંતુ ઝેલેન્સ્કીએ પડોશી રશિયા સાથે સારાસારી રાખવાના બદલે નાટોના સભ્ય પદ માટે જેમના દીકરા પર યુક્રેનમાં અંગત હિત હોવાનો આક્ષેપ છે. તે અમેરિકાના લેફ્ટ-લિબરલ બાઇડેનના ચડાવ્યા ચડીને યુદ્ધ નોતરી બેઠા. એમાં કોઈ શંકા નથી કે યુક્રેને સારો પ્રતિસાદ આપ્યો છે અને ત્રણ વર્ષથી રશિયાને સંપૂર્ણ રીતે ફાવવા નથી દીધું, પરંતુ ઝેલેન્સ્કીએ એ સમજવાની આવશ્યકતા હતી કે આ બધું શક્ય બન્યું માત્ર ને માત્ર અમેરિકાએ તેને અત્યાધુનિક શસ્ત્રો પૂરાં પાડ્યાં એટલે. ઝેલેન્સ્કી એક દિવસના રાજા બની ગયા કારણકે સેક્યુલર મીડિયા અને બ્રિટનના ડાબેરી વડાપ્રધાન, ફ્રાન્સના મેક્રાં વગેરેએ તેમની વાહ-વાહ કરી દીધી. પરંતુ તરત જ ઝેલેન્સ્કીને સમજાઈ ગયું કે એક તરફ રશિયાને શત્રુ બનાવ્યું હોય તો અમેરિકાને સાથે રાખવું પડે. રશિયા ભેગી અમેરિકા સામે શત્રુતા ન વહોરી લેવાય એટલે તેમણે પત્ર લખી કહ્યું કે તેઓ ટ્રમ્પના મજબૂત નેતૃત્વ હેઠળ કામ કરવા તૈયાર છે. ઝેલેન્સ્કી પામી ગયા કે જે અમેરિકા ઝેલેન્સ્કીને સત્તામાં બેસાડી શકે તે અમેરિકા તેમને ત્યાંથી ઉઠાડી પણ શકે. ડાનાલ્ડ ટ્રમ્પને અમેરિકાને ફરીથી મહાન બનાવવું છે. તેમના માટે અમેરિકાના ખર્ચા ઓછા કરવા એ પ્રથમ પ્રાથમિકતા છે. આ માટે તો તેમણે નવો વિભાગ સરકારી કાર્યક્ષમતા – જેને DOGE કહે છે તે શરૂ કર્યો છે. લેફ્ટ લિબરલોનાં હિતો (અને સાથે ઇસ્લામિક જિહાદીઓનાં પણ- કારણકે લેફ્ટ લિબરલો અને જિહાદીઓ હાથમાં હાથ નાખીને જ ચાલે છે) પોષાય તે માટે અમેરિકાના ડેમોક્રેટ પ્રમુખોએ વિદેશોમાં લશ્કર એ તોઇબા, પંથાંતરણની પ્રવૃત્તિને પ્રત્યક્ષ-આડકતરું પ્રોત્સાહન આપનારી એટલાન્ટિક કાઉન્સિલ અને વર્લ્ડ વિઝન જેવી સંસ્થાઓને યુએસએઇડ મારફતે ભંડોળ મળે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. વર્લ્ડ વિઝન હમાસ જેવા ત્રાસવાદી સંગઠનને પૈસા આપવા માટે કુખ્યાત છે. વર્લ્ડ વિઝનનું વર્લ્ડ કાઉન્સિલ આૅફ ચર્ચ સાથે જોડાણ છે. યુએસએઇડ પર તાલિબાનોને મદદ માટે ૧.૫ કરોડ ડાલર આપવાનો પણ આક્ષેપ છે. તો યુએસએઇડે નેપાળને નાસ્તિક બનાવવા પણ ઘણા ડાલર વેર્યા હતા. એટલું જ નહીં, લૈંગિક સમાનતાના નામે વિકૃત એલજીબીટીક્યૂ સમુદાયને પ્રોત્સાહન માટે યુએસએઇડ નાણાં વેરતી હતી. દા.ત. કેરેબિયન દેશોમાં કોઈ વ્યક્તિ પોતાને એલજીબીટીક્યૂ સમુદાયનો ગણાવે તે પ્રકારના પ્રોત્સાહન માટે યુએસએઇડે કુલ ૩૦ લાખ ડાલર આપ્યા હતા. આ બધાથી અમેરિકાનું કયું હિત સરતું હતું, કહો તો ? અમેરિકા ઇસ્લામિક ત્રાસવાદીઓને પોષે અને પછી એ ત્રાસવાદીઓ ૨૦૦૧ની જેમ ત્રાસવાદી આક્રમણ કરે. માનો કે ન કરે, તો પણ એટલા ડાલર તો ગયા ખાતે જ ને. એલજીબીટીક્યૂ જેવો વિકૃત સમુદાય ફૂલતોફાલતો જાય તેનાથી અમેરિકાને શું ફાયદો ? અમેરિકાની તો પોતાની પરિવારવ્યવસ્થા આ સમુદાયના પ્રસારના કારણે તૂટી જ છે. ધનાઢ્ય ઉદ્યોગપતિ એલન મસ્કે તો પોતાનો દીકરો ઝેવિયર આ સમુદાયના કારણે ગુમાવ્યો છે, અર્થાત્ ઝેવિયર સેક્સ આૅપરેશન કરાવીને દીકરી બની ગયો છે. એટલે જ તો આ વિકૃતિને પોષનાર સાશિયલ મીડિયા ટિ્વટરને મસ્કે ડાલર વેરીને ખરીદી લીધું. એટલે ટ્રમ્પ અને મસ્કની જોડી આ વિકૃતિ સામે પણ લડે છે, લેફ્ટ-લિબરલો સામે પણ લડે છે અને અમેરિકામાં યુએસએઇડ જેવો જે કચરો છે તેને સાફસૂફ કરે છે. હજારો કર્મચારીઓને કાઢી મૂકાયા છે. ટ્રમ્પ કેનેડાના લેફ્ટ-લિબરલ અને ખાસ તો ભારત વિરોધી તેમજ ખાલિસ્તાનીઓના સમર્થક વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ગવર્નર તરીકે જ બોલાવે છે. અર્થાત્ કેનેડાને તેઓ અમેરિકાનું ૫૧મું રાજ્ય ગણે છે. એ કંઈ ઓછું છે કે ટ્રમ્પના આવ્યા પછી ટ્રુડાએ ત્યાગપત્ર આપવો પડ્યો છે ? ટ્રમ્પ અમેરિકા માટે જે કરતા હોય તે ભારત માટે સારું જ છે. યદ્યદા ચરતિ શ્રેષ્ઠઃ તત્તદેવેતરો જનઃ. મોટા માણસો જે કરે તેને જનતા અનુસરે છે. અમેરિકાના કારણે જ ફૅક ફેમિનિઝમ વિશ્વ ભરમાં પ્રસર્યું. અમેરિકાના કારણે જ પાર્ન ઇન્ડસ્ટ્રી પણ વિશ્વ ભરમાં પ્રસરી. અમેરિકાના કારણે જ સાઇકિક ફિલ્મો બનાવવાનું પણ ભારતમાં આવ્યું. અમેરિકાના કારણે જ એલજીબીટીક્યૂ સમુદાય વિશ્વ ભરમાં પ્રસર્યો અને મહ¥વનાં પદો પર આવ્યો. અમેરિકાના કારણે જ વૈશ્વિકરણ અને ઉદારીકરણના નામે અમેરિકાની બટેટાની પતરી (ચિપ્સ) અને હાનિકારક ઠંડાં પીણાં બનાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારત સહિત વિશ્વભરમાં આવી. અને પોતાની જાહેરખબર અને પ્રમાશનલ એક્ટિવિટી જેમ કે ક્રિસમસની ઉજવણી, દ્વારા સંસ્કૃતિ પણ બગાડી અને હિન્દુ ધર્મ પર આઘાત પણ કર્યો. હવે ટ્રમ્પના માધ્યમથી અમેરિકા જો સમયનું ચક્ર પાછળની બાજુ ફેરવી રહ્યું હોય તો ખોટું શું છે ? ભારત માટે તો સારું જ છે. ટ્રમ્પ ભારે સીમા શુલ્ક લાગુ કરી ચીનના સસ્તા માલને અમેરિકામાં ડમ્પ થતો રોકવા માગે છે. આપણે તો આ પગલું નરેન્દ્ર મોદી સરકાર આવી તે પછી તરત જ લાગુ કરી દીધું હતું. ટ્રમ્પે સીમા શુલ્કની ધમકી આપીને મેક્સિકો અને કેનેડાને તેમને ત્યાંથી અમેરિકામાં ઘૂસી આવતા લોકોને રોકવા ફરજ પાડી છે. મેક્સિકો અને કેનેડા ટ્રમ્પની ધમકી પછી સીમા પર ચુસ્ત સુરક્ષા રાખવા સંમત થયા છે. અમેરિકા જગતજમાદાર થઈને ફરતું હતું. કોઈ શંકા નથી કે આનાથી અમેરિકાનો વટ પડતો હતો. પરંતુ આ જગતજમાદાર થવામાં ને થવામાં અમેરિકા દેવાદાર થઈ ગયું કારણકે અમેરિકા અને યુરોપના દેશો ભેગા થઈને ‘નાટો’ તરીકે વિશ્વમાં જે પોતાની વાત ન માને તેને દમદાટી આપી ધાર્યું કરાવતા હતા. તેમાં સૌથી વધુ સંરક્ષણ ખર્ચ અમેરિકા જ કરતું હતું. સાથી દેશો તો અમેરિકાના ખભે બંદૂક ફોડતા હતા અને પાછો શત્રુઓ પાસેથી પણ લાભ મેળવતા જ હતા. દા. ત. યુક્રેનને રશિયા વિરુદ્ધ ભડકાવીને યુદ્ધ નોતરી દીધું પણ યુરોપે રશિયા પાસેથી ક્રુડ આૅઇલ લેવાનું બંધ કર્યું નહીં.
આથી જ જ્યારે ભારતને રશિયા પાસેથી ક્રુડ આૅઇલ લેવાનું બંધ કરવા યુરોપે કહ્યું ત્યારે આપણા ચબરાક, ત્વરિત ઉત્તર આપવામાં કુશળ વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહી દીધું કે પહેલાં તમે તો બંધ કરો. અને સાથે તેમણે એમ પણ કહ્યું કે યુરોપ એવો દાદો છે જે પોતાની સમસ્યાને દુનિયાની સમસ્યા તરીકે ઠસાવવા માગે છે જ્યારે દુનિયાની સમસ્યા (જેની સાથે પોતાને કંઈ લાગતું વળગતું ન હોય તો) સાથે તેને કોઈ છેડો રાખવો નથી હોતો. એટલે કે માથાભારે વ્યક્તિને શરદી થઈ જાય તો ઘરમાં કોઈએ આઇસ્ક્રીમ નહીં ખાવાનો, ઠંડી છાશ નહીં પીવાની. પરંતુ ઘરમાં કોઈને તાવ હોય તોય પોતે પાણીપુરી ચટાકા લઈ ખાય અને પેલાનો જીવ બાળે. યુરોપની આ જ માનસિકતા રહી છે. અને અત્યાર સુધી યુરોપ ભેગું અમેરિકા પણ રહેતું હતું, એટલે તેની પણ આ જ માનસિકતા રહી છે. ૧૯૯૦ સુધી ઈરાનને નિયંત્રણમાં રાખવા સદ્દામ હુસૈનને અમેરિકા ટેકો આપે, પરંતુ કુવૈત પર સદ્દામ હુસૈન (એટલે કે ઈરાક) આક્રમણ કરે એટલે તેના માટે ખલનાયક થઈ જાય. અને એટલે વિશ્વ આખાએ પણ તેને ખલનાયક માની લેવાનો. ૨૦૦૧ સુધી ઓસામા બિન લાદેન અને અલ કાયદા રૂપી નાગને અમેરિકાએ પાળ્યા-પોષ્યા પરંતુ એ જ નાગે ૨૦૦૧માં ડંખ માર્યો તો લાદેન પ્રથમ ક્રમનો ખૂંખાર ત્રાસવાદી થઈ ગયો. ૨૦૦૧ પહેલાં ભારતે ગામ ગજવીને કહ્યું હતું કે પાકિસ્તાન ઇસ્લામિક ત્રાસવાદી સંગઠનોને મોકળું મેદાન આપીને તે ત્રાસવાદીઓને ભારત મોકલીને બામ્બ ધડાકા કરાવીને ભારતને હેરાન કરે છે, તો તેનું કંઈક કરો. અટલ સરકારે તો આના માટે અમેરિકાના વિદેશ પ્રધાન સ્ટ્રાબ તાલ્બોટ સાથે અનેક બેઠકો કરી હતી. પરંતુ વાર્યા ન વળે તે હાર્યા વળે તેમ ૨૦૦૧ પછી અમેરિકાને ભારતની વાત થોડીઘણી સમજાઈ. જોકે અમેરિકામાં ડેમોક્રેટ બરાક ઓબામા રાષ્ટ્રપ્રમુખ બન્યા એટલે ૨૦૧૬ સુધી તો અમેરિકાએ પાકિસ્તાનને થાબડભાણા ચાલુ જ રાખ્યા હતા. ૨૦૧૬માં ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકાએ પાકિસ્તાનને ઘાસ નાખવાનું બંધ કરી દીધું. કહેવાનો અર્થ એ કે ડાનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે અમેરિકાએ જગત જમાદાર થઈને બહુ ફાંકા મારી લીધા. કોઈ ધનવાન વ્યક્તિ ગામમાં પોતાનો વટ પાડવા લગ્ન ભારે ધૂમધામથી કરે અને વારેતહેવારે ધૂમાડાબંધ ગામ જમાડે, પણ પોતાના છોકરામાં કોઈ ભલી વાર ન હોય અને ગામના ઉતાર જેવા લોકોને ઘરમાં કામે રાખ્યા હોય પરંતુ તે લોકો ગેરલાભ લઈ દાદાગીરી કરવા લાગે અને એ ધનવાન વ્યક્તિ પછી આવક ઓછી થઈ જતાં ગાલ લાલ રાખવા દેવું કરીને ઘી પીવે તેવો ઘાટ અમેરિકાનો થયો છે. લેફ્ટ-લિબરલ ડેમોક્રેટ કે પછી જર્મનીનાં એન્જેલા મેર્કેલ હોય કે બ્રિટનના તે વખતના ટાની બ્લૅર કે ભારતમાં કાંગ્રેસ, તૃણમૂલ કાંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ જેવા પક્ષો- આ બધાએ સત્તા માટે પોતાના દેશમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આફ્રિકાના મુસ્લિમ અને અન્ય નકામા એટલે કે આવડત વગરના લોકોને શરણાર્થીઓના નામે આવવા દીધા. સરકારી લાભો આપ્યા. અને બીજી તરફ, અમેરિકાની સમૃદ્ધ પ્રજાની નવી પેઢી ડ્રગ્સના રવાડે આ શરણાર્થીઓના કારણે ચડી ગઈ. શિક્ષણ પદ્ધતિ પણ એવી બનાવી દીધી હતી કે તેમાં કાં તો વ્યક્તિ ફેમિનિસ્ટ બને અથવા તો એલજીબીટીક્યૂ. નૈતિકતા બચી નહીં. તેથી આ બંનેમાંથી કંઈ ન બને તોય યુવાનો સેક્સના રવાડે તો ચડી જ જાય. આના પરિણામે અમેરિકાની નવી પેઢી આવડત વગરની થઈ જતાં તેમને આઈટી બાબતે ભારતીયો પર આધાર રાખવો પડ્યો તો મેન્યૂફૅક્ચરિંગ કે ફાર્માસ્યુટિકલ માટે ચીન પર. પરિણામે બધું કામ અમેરિકા બહાર જવા લાગ્યું અને અમેરિકાને તે દવા કે પ્રાડક્ટ આયાત કરવી પડે. તેમાંય સીમા શુલ્ક ઓછું એટલે અમેરિકાની પોતાની કંપનીઓની પ્રાડક્ટ ઓછી વેચાય. ભારતમાં પણ કાંગ્રેસ આણિ કંપનીએ આવું જ કર્યું. સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના બદલે જ્યારે સોવિયેત સંઘ સામ્યવાદી હતું ત્યારે તેની પાસેથી ‘મિગ’ જેવા ખરાબ વિમાનો લીધાં. આૅગસ્તા વેસ્ટલેન્ડ જેવો ભ્રષ્ટાચારી સોદો કર્યો. બાંગ્લાદેશી મુસ્લિમ અને રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોને મતદાર બનાવી દીધા. પરિણામે ભારતની બુદ્ધિશાળી પ્રજા અમેરિકા, કેનેડા, બ્રિટન અને આૅસ્ટ્રેલિયા જવા લાગી. હવે જ્યારે ટ્રમ્પ પોતે સમયનું ચક્ર ફેરવી રહ્યા છે, ઘૂસણખોરોને તગેડી રહ્યા છે અને તેમણે ગાલ્ડ કાર્ડ રજૂ કર્યું છે તેમજ સંસદમાં કહ્યું છે કે એલજીબીટીક્યૂના આધારે કે પછી અમે શીખ છીએ કે મુસ્લિમ છીએ અને અમને ભારત સરકાર હેરાન કરે છે તેવા રોદણાં રોતાં આવશો તો તમને અમેરિકાનું નાગરિકત્વ નહીં મળે. તમારામાં કૌશલ્ય (સ્કિલ) હશે તો જ અમે નાગરિકત્વ આપીશું ત્યારે ભારતે પણ વૈશ્વિક નેરેટિવનો ઉપયોગ કરીને પેધી ગયેલા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોને તેમના દેશ સાભાર પરત મોકલી દેવાની આવશ્યકતા છે અને અહીં માત્ર ભારતીય ભાષા, સંસ્કૃતિ અને વારસા તથા અર્થતંત્રને મજબૂત બનાવે તેવા નાગરિકોને જ નાગરિકત્વ આપવાની જડબેસલાક પ્રણાલિ સ્થાપવી જોઈએ. ટ્રમ્પ પોતાના દેશને મહાન બનાવવા માટે તિજોરીને ભરવા માગે છે. તેથી જ મેક્સિકો, કેનેડા, ચીન અને કંઈક અંશે ભારત પર સીમા શુલ્ક ઝીંકી રહ્યા છે. તેનાથી વારેન બફેટ જેવા લેફ્ટ-લિબરલ ઉદ્યોગપતિઓ અને સીએનએન, ટાઇમ્સ, વાશિંગ્ટન પાસ્ટ, ન્યૂ યાર્ક ટાઇમ્સ જેવાં મીડિયા દેકારો મચાવશે, અમેરિકામાં આના કારણે થોડી મંદી પણ આવશે કારણકે શૅરબજારમાં મંદી આવશે. તેનાથી વિશ્વમાં મંદી આવશે. પરિણામે વ્યાજ દર ઘટશે અને વ્યાજ દર ઘટવાનો લાભ લઈ ટ્રમ્પ અમેરિકાના દેવાને રિસ્ટ્રક્ચર કરી ઓછા વ્યાજે ચૂકવણી કરી દેશે.
જોકે ટ્રમ્પને આ બધું સફળ રીતે પાર પાડવામાં વિદેશો કરતાં પોતાના દેશમાં વધુ જોખમ છે. તેમના વિરોધીઓ ટ્રમ્પને નિશાન માત્ર વાક્યુદ્ધથી નથી બનાવી રહ્યા. ચૂંટણી અભિયાન વખતે જ તેમના પર ગોળી છોડી તેમનો જીવ લેવા પ્રયાસ કરાયો હતો. તે પછી ચૂંટણી અભિયાનમાં જ તેમના ફ્લારિડા નિવાસસ્થાને તેઓ ગાલ્ફ રમી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળી છોડી જીવ લેવા પ્રયાસ કરાયો હતો. જોકે ગોળી છોડે તે પહેલાં જ ટ્રમ્પના સુરક્ષા કર્મચારીએ તેને પકડી લીધો હતો. ચૂંટણી અભિયાનમાં તેમની હાટલ બહાર એક ટ્રકનો વિસ્ફોટ કરાયો હતો. ચૂંટણી પછી સત્તામાં આવ્યા બાદ ૧ માર્ચે ટ્રમ્પના ફ્લારિડા નિવાસ પર ત્રણ સિવિલિયન પ્લેને ફ્લાઇટ નિયંત્રણોનો ભંગ કર્યો હતો. તમે તેમને ગાંડા કહો, કે પછી કેટલાકે ‘બેધડક’ કહ્યું તેમ માફિયા કહો, પરંતુ ટ્રમ્પ માટે અમેરિકા પ્રથમ છે. ડેટા કંપની સીઇઆઈસી મુજબ, અમેરિકાનું દેવું સપ્ટેમ્બર ૨૦૨૪માં ૨૫,૭૯૮.૧ અબજ ડાલર હતું. ૨૦૦૩માં તે ૬,૫૦૭.૨ ડાલર જ હતું. એટલે કે ૨૦૦૮થી ૨૦૧૬ એમ આઠ વર્ષ અને ૨૦૨૦થી ૨૦૨૪ સુધી બીજાં ચાર વર્ષ ડેમોક્રેટોએ અમેરિકાને નુકસાન થાય તેવી નીતિ અપનાવીને અમેરિકાનું દેવું વિશ્વમાં સર્વોચ્ચ સ્તરે પહોંચાડી દીધું. જોકે ટ્રમ્પે ‘બ્લેક લાઇવ્સ મેટર’ જેવાં આંદોલનથી સાચવવું પડશે. આવો કોઈ મુદ્દો ડેમોક્રેટના હાથમાં આવી ગયો તો ટ્રમ્પ તેમનાં ધાર્યાં નિશાનો પાર પાડી નહીં શકે.
jaywant.pandya@gmail.com