કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ચૂંટણીમાં લિબરલ પાર્ટીની જીત બાદ પોતાના સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. કાર્નેએ આરોપ લગાવ્યો કે ટ્રમ્પ તેમના દેશના લોકોને વિભાજીત કરવા માંગે છે. કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાની ટ્રમ્પની ધમકીઓ અને વેપાર યુદ્ધે લિબરલ પાર્ટીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ઓટ્ટાવામાં પોતાના વિજય ભાષણમાં સમર્થકોને સંબોધતા કાર્નેએ યુએસ ધમકીઓનો સામનો કરવા માટે કેનેડિયન એકતા પર ભાર મુક્યો. તેમણે એમ પણ કહ્યું કે બીજા વિશ્વયુદ્ધથી કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્‌સ વચ્ચે ચાલી રહેલી પરસ્પર ફાયદાકારક વ્યવસ્થાનો અંત આવી ગયો છે. તેમણે કહ્યું, “આપણે અમેરિકન વિશ્વાસઘાતના આઘાતમાંથી બહાર નીકળી ગયા છીએ, પરંતુ આપણે તેના પાઠ ક્યારેય ભૂલવા ન જાઈએ.”
“જેમ હું મહિનાઓથી ચેતવણી આપી રહ્યો છું, અમેરિકા આપણી જમીન, આપણા સંસાધનો, આપણું પાણી, આપણો દેશ ઇચ્છે છે,” કાર્નેએ કહ્યું. તેમણે કહ્યું, “આ ખાલી ધમકીઓ નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપણને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી અમેરિકા આપણા પર કબજા કરી શકે. આવું ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં બને. પરંતુ, આપણે એ વાસ્તવિકતાને પણ સ્વીકારવી પડશે કે આપણી દુનિયા મૂળભૂત રીતે બદલાઈ ગઈ છે.”
વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઇલીવરે હાર સ્વીકારી અને કેનેડિયનો માટે લડતા રહેવાની પ્રતિજ્ઞા લીધી. ચૂંટણી વિશ્લેષકોના મતે, શરૂઆતમાં કેનેડામાં વાતાવરણ લિબરલ પાર્ટીના પક્ષમાં ન હતું, પરંતુ જ્યારે ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાની વાત કરી, ત્યારે તેનો લોકો પર પ્રભાવ પડ્યો. અમેરિકાએ કેનેડા પર પણ બદલો લેવા માટે ટેરિફ લાદ્યા. ટ્રમ્પના આ પગલાંથી કેનેડાના લોકોમાં ગુસ્સો વધ્યો અને રાષ્ટ્રવાદની મજબૂત લાગણીએ લિબરલ પાર્ટીને જીતવામાં મદદ કરી.