આજના ડિગ્રીના સર્ટી.વાળા જમાનામાં શિક્ષણે બેરોજગારીનુ મોંઘુ સર્જન કર્યું છે. શિક્ષણના માધ્યમથી સ્વરોજગાર પ્રાપ્ત થાય એ પ્રકારની આપણી ગુરૂકુળ વ્યવસ્થાઓ હતી. શિક્ષણ સાથે સ્વરોજગારની તાલીમ વ્યવસ્થાઓ અમલી હતી. આજે શિક્ષણ વ્યવસ્થા પુસ્તકો પુરતી મર્યાદિત બની ગઈ છે. મોંઘી અને પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થાએ ભારતમાં બેરોજગારોની મોટી લાઈનો લગાવી છે. શિક્ષણનું ખાનગીકરણ એ કમાણીનું મોટું સાધન બની ગયું છે. ચીન આજે વિશ્વના બજારોમાં પોતાની પ્રોડકટથી હંફાવી રહ્યું છે. ત્યારે તેની તમામ પ્રોડક્ટ ઉપર આજે પણ ચાઈનીઝ ભાષાનો ઉપયોગ થાય છે. ત્યારે આપણે અંગ્રેજી ભાષા ઉપર કાલાઘેલા થયા છીએ. આજે યુવા પેઢીને નાનો ધંધો શરૂ કરવામાં શરમ અને સંકોચ થાય છે અને ભણતરના ડિગ્રીના થોથા લઈને લાઈનમાં ઉભું રહેવું ગમે છે. યાંત્રિકીકરણ જરૂરી છે પરંતુ માનવ સમુદાયને બેરોજગારીના ખપ્પરમાં હોમીને યાંત્રિકીકરણ જરૂરી નથી. ગોહિલવાડની ભૂમિના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરનો એમ.એસ.આર.ડી. અને એમ.એસ.ડબલ્યુ. સુધીની ડબલ માસ્ટર ડિગ્રી ધરાવતો જાગૃત નલીનભાઈ દવે આજે પોતાના સ્ટાર્ટઅપમાં સફળ બન્યો છે. ૩૩ વર્ષિય આ યુવાને અભ્યાસ સાથે જ નક્કી કર્યું હતું કે, નોકરી તો કરવી જ નથી. નાના પાયાથી પોતાનો વ્યવસાય શરૂ કરીને આગળ વધવું છે. આજથી પ વર્ષ પહેલા અલગ-અલગ ધંધા-વ્યવસાયનો અભ્યાસ કર્યા પછી પોતાને ખ્યાલ આવ્યો કે દરેક ધર્મમાં પૂજા-હવનમાં અગરબત્તીનો ઉપયોગ થાય છે. આ અગરબત્તી કેમિકલ્સમાંથી બનાવવામાં આવે છે. શાસ્ત્રો વિધિમાં ગાયના દૂધ, દહિં, ગૌમુત્ર અને ગાયના છાણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તો ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે તો કેમિકલ્સ ફ્રી અને વાતાવરણ તેમજ માનવજાતને કોઈપણ આડઅસર વિનાની પ્રોડક્ટ આપી શકાય. આ વિચારથી ગાય, ગૌવંશની સેવા પણ થાય અને નવા પ્રકારનો વ્યવસાય પણ થઈ શકે. ગૌશાળામાંથી ગાયનું છાણ ખરીદી લાવીને તેનો પલ્વલાઈઝરમાં પાવડર બનાવી વિવિધ ઔષધિઓ તેમાં ભેળવીને ધુપ સ્ટીક બનાવવામાં આવે છે, અગરબત્તી બનાવવામાં આવે છે, આ ઉપરાંત તેઓ કપૂર સ્પ્રે, રૂમ સ્પ્રે, છાણની ટીકી, હવન સામગ્રી, હવન કપ, બોડી સ્પ્રે, કાર સ્પ્રે, ગુલાબજળ જેવી વિવિધ નેચરલ પ્રોડક્ટનું ઉત્પાદન કરીને વેંચાણ કરે છે. પોતાના આ વ્યવસાયમાં ૮ થી ૧૦ લોકોને રોજગારી મળે છે. જાગૃતભાઈ કહે છે, ‘હું કોઈને ત્યાં નોકરી કરતો હોત તો હું કોઈને રોજગારી ન આપી શકત એના બદલે હું આજે રોજગારી આપું છું.’ તેની તમામ પ્રોડક્ટનો ઓનલાઈન માર્કેટિંગ દ્વારા વ્યવસાય કરે છે. ઉપરાંત વિવિધ મેળાઓમાં પોતાના સ્ટોલ રાખીને પ્રચાર-પ્રસાર સાથે વ્યવસાય કરે છે. તેઓ ગાય આધારીત વ્યવસાયને હજુ વધુ આગળ લઈ જવા માંગે છે. ગાય અને આયુર્વેદનો વધુ ઉપયોગ માનવજીવનમાં થાય તેવા સતત પ્રયત્નો સાથે વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. જાગૃતભાઈ કહે છે, ‘આજે દેશના ખુણે-ખુણે મારી પ્રોડક્ટ પહોંચે છે. ઉપરાંત વિશ્વના પાંચ દેશો યુ.એસ., ઓસ્ટ્રેલિયા, મલેશીયા, દુબઈ, કેનેડા જેવા દેશોમાં પણ પોતાની પ્રોડક્ટ મોકલવામાં આવે છે.’ આજની યુવા પેઢીને સંદેશો આપતા /જાગૃતભાઈ કહે છે, ‘ડિગ્રીના સર્ટી. મેળવી બેરોજગારની લાઈનમાં ઉભા રહેવા કરતા આપણી આસપાસ નજર ફેરવી નાના ધંધાથી શરૂઆત કરો, મુશ્કેલી આવશે, છતાં ધંધો ના છોડો કે ન ફેરવો. દિલથી મહેનત કરો, સતત શિખવાની અપેક્ષા રાખો. કોઈપણ ધંધામાં ૧૦૦૦ દિવસ મહેતન કરો પછી જ સફળતાની અપેક્ષા રાખો. ૧૦૦% સફળતા મળશે.’ આ વર્ષનાં અંત સુધીમાં જાગૃતભાઈનું ટર્નઓવર બે કરોડ પહોંચશે. દરેક યુવાને સ્વરોજગારીમાં જાગૃત થવાની જરૂર છે. જાગૃત દવેનો સંપર્ક નં.૮પ૩૦૩૩૯૯૯૯ છે.