ડાંગ જિલ્લાના આહવામાં ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં વહેલી સવારે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગિરિમથક સાપુતારામાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું, તો બીજી તરફ ચિંચલી પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સ્થાનિકો અને પર્યટકોને ગરમીથી મુકિત મળી હતી. ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતાં છૂટાછવાયા વિસ્તારોમાં અમી છાંટણા તો ચિંચલી પૂર્વ પટ્ટીમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ થતા ખરીફ પાકને નુકસાની થવાની શકયતા સાથે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અચાનક વાતાવરણ બદલાતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જતા છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું થતાં સમગ્ર પંથકમાં ઠંડકની લહેર વ્યાપી હતી, તો બીજી તરફ સાપુતારા-આહવા સહિત આજુબાજુના વિસ્તારમાં અમી છાંટણા થયા હતા.