નાસ્તાની સામગ્રી તથા દૂધ – ચાના કપ ટેબલ પર મૂકતાંની સાથે જ બાએ દામા સામે જાતાં પૂછયું : “તું આજે કેમ આમ સાવ ઉદાસ ઉદાસ ગભરાયેલો દેખાઇ રહ્યો છે ? ઊંઘ તો બરાબર કરી છે ને…? જાને…, તારા ચહેરા પર તો મને ગભરાટની રેખાઓ સ્પષ્ટ દેખાઇ રહી છે. જા એ.. જ્યોતિ, દામલનો ચહેરો જા… હું સાચું કહુ છું ને ? તને કંઇ થયું તો નથી ને…? આમ સાવ મૂંગો…”
“હા, બા…! તેના ચહેરા પર ગભરાટ તો મને પણ દેખાઈ રહ્યો છે…” જ્યોતિએ બાને સાથ પુરાવવા આવુ કહ્યું ત્યાં તો…
“બસ કરો બા, બસ કરો. મને કંઇ નથી થયું.. હું ઉદાસ પણ નથી ને ગભરાયેલો પણ નથી. તમે બંને તો…” દામલ આટલું બોલી અટકી ગયો એટલે તરત જ જ્યોતિ બોલી ઃ
“બા…, આ તમારો દામો અને મારા માટે દામલ, તેની શી વાત કહું ? જુઓ…, તેના વિચારો, તેના સિધ્ધાંતો અને તેની બુદ્ધિ ! આ બધું જ બધું તીવ્રતાથી મારા હૃદયમાં સ્થાન લઇને બેસી ગયું છે.. અહાહા…, તેની ડાયરીમાં ટપકાવેલાં રંગબેરંગી પુષ્પો પુરબહારમાં ખીલી પમરાટ ફેલાવી રહ્યા છે.
તેના લખેલા એક એક શબ્દમાં, એક એક વાક્યમાં, કમળના ફૂલ ખીલી ઉઠયા છે. આવું અને આટલું સુંદર લખનાર આજે ઉદાસ કેમ હોય ? તેનામાં ગભરાટ કેમ આવે ? હું માનું છું કે આજે તેનામાં ઉદ્‌ભવેલો ગભરાટ કદાચ અનંત ખુશીનો પણ હોઈ શકે..! સાચું કહેજે…દામલ.” જ્યોતિ આજે આવું બોલી.
“બા, સાંભળ્યું તમે ? જ્યોતિનું અનુમાન સાચું છે. અનંત એવી ખુશી એક સામટી દિલમાં ભરાઇ આવે…. ત્યારે મીઠો મીઠો ગભરાટ પણ કયારેક ઊભરી આવે છે. આવું જ કંઇક આજે મને થયું છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી…” દામલે જવાબ આપતા કહ્યું.
“હા…ભાઇ હા! હવે તું સાચો. આમ કંઇ બોલે તો મને ગમે. સાવ મૂંગો રહે તો… તો મને ચિંતા થાય, હવે નાસ્તો કરવા માંડો થોડીવાર પછી તો તમારે શાળાએ જવાનો સમય થઇ જશે…” બા હસતા હસતા બોલ્યા.
આમ નાસ્તાને ન્યાય આપ્યા પછી દામલ અને જ્યોતિ ઊભા થયા. હવે દામલના શ્વાસ એકદમ સરસ રીતે ચાલવા લાગ્યા હતા તો પણ અંદર અંદરથી ઉદ્‌ભવેલો છૂપો ડર આમ તો તેને ખુબ જ ગમ્યો હતો. અને એ પળ, એ ક્ષણની યાદ આવતાની સાથે જ હવે તો તેના વદન પર સ્મિત રમવા લાગતું હતું.
બરાબર પોણા અગિયાર વાગે દામલ અને જ્યોતિ તૈયાર થઇ સ્કૂલે જવા માટે ઘરમાંથી બહાર નીકળ્યા. રસ્તામાં ચાલતા ચાલતા દામલને વિચાર આવ્યો, ઇચ્છા થઇ આવી કે, જ્યોતિને હળવેકથી કહી દઉં કે, આઇ લવ યું… જ્યોતિ ! પરંતુ આવુ કહેવા માટે તે હિંમત ન કરી શક્યો. માત્ર તેના હોઠ ફફડતા જ રહ્યા. એક પણ શબ્દ તે બોલી ન શક્યો. ત્યાં તો સ્કૂલના દરવાજામાં બંને દાખલ પણ થઇ ગયા.
કહેવાય છે કે પ્રથમવાર પ્રેમની જ્યોતિ પ્રજ્વળતા સમયનો ભોગ આપવો પડે છે. પરંત અહીં તો સૂર્ય ઉદય વેળાએ, સવાર સવારનાં અક:લ્પિત એવી ઘડીએ, એવી પળે… અચાનક જ પ્રેમની જ્યોત ઝગમગી ઊઠી, આને જ નસીબ કે પ્રારબ્ધ કહેવાય !
ઓફિસ કામમાંથી નવરા થતાં આચાર્યની નજર સામે હવે જ્યોતિના દર્શન થયા એ સાથે જ તેમણે ઝડપથી જ્યોતિને પૂછયું: “ અરે જ્યોતિ, આજે તારે તારા ગામ જવાનું છે ને ?”
“હા સાહેબ…” જ્યોતિએ સ્મિત સાથે જવાબ આપ્યો.
“સારૂં… સારૂં…”
“ચોક્કસ…બેના ! તું તારે બેફિકર થઇને જજે અને હા, દવેને પણ હું કહીશ કે તે તને બસ સ્ટોપ સુધી પહોંચાડે, તું ચિંતા ન કર…”
“આભાર સાહેબ….” આભાર વ્યક્ત કરતા જ્યોતિ બોલી.
ઉપરી અધિકારી દ્વારા રજા મળી તેનો આનંદ જ્યોતિને ખૂબ જ થયો અને સાથે સાથે દામલ તેને બસ સ્ટોપ સુધી મૂકવા પણ આવશે એવું કહેતા આચાર્ય માટે પણ તેને ખૂબ માન થયું. વળી આજે સવારના પોતાના થકી દામલના હોઠ પર થયેલી, દામલના હોઠ પર કરેલી ચૂમીનો દૈહિક આનંદ તો હતો જ એટલે તો અત્યારે પણ તેના હોઠના ખૂણે નાની નાની સ્મિતની અસંખ્ય લહેરખીઓ આમ – તેમ મરડાવા લાગી હતી. તેના ચહેરાની સુંદરતામાં ઓર વધારો થયો હતો.
સાંજના ચાર થયા.. હવે જ્યોતિને જાણે વિસાવદર પહોંચવાની ભારે ઉતાવળ થઇ રહી હતી. એ ઊંચી નીચી થવા લાગી હતી. વિચારી રહી હતી કે કયારે દામલ આવે ને ઝડપથી સ્કૂલ બહાર નીકળીએ…! બસ આ…લગન !
ત્યાંજ સામેથી દામલ આવતો દેખાયો. સાવ નજીક આવતા જ તે બોલ્યો: “ચાલ…, આપણે જઇએ… ચાર થયા છે. ઘરે જઇ તારે તારી બેગ અને થેલો પણ લેવાના છે. પાંચની બસ છે, આરામથી પહોંચી જઇશું….”
જ્યોતિ અને દામલ શાળાના દરવાજામાંથી બહાર નીકળ્યા. દામલે ચાલતા ચાલતા એમ જ જ્યોતિને પૂછયું: “તું તારા ઘરે જઇને શું કરીશ ? તારા મા…બાપ…”
“દામલ…” દામલને આગળ બોલતા અટકાવીને જ્યોતિ ઝડપથી બોલી: “ તું ધ્યાનથી સાંભળ ઃ હું મારા મમ્મી – પપ્પા, ભાઇ – બહેન કે પછી કોઇપણ મારા સગાં વિશેની વાત કયારેય પણ કરવા માગતી નથી, ને આવી વાત કદી કરીશ પણ નહીં. તારે મને આવું કદી પણ પૂછવું જ નહીં. હા, એવો કોઇ સમય આવશે ત્યારે હું તને સામેથી બધું જ કહીશ પરંતુ અત્યારે નહીં.
“ તું બળુકો અને ખડતલ છે, સાથે સાથે જ્ઞાની ને કસાયેલા શરીરવાળો કાચો કુંવારો યુવાન જાઇ તારી સાથે લાગણીના બંધનથી બંધાઇ ચૂકી છું. પ્રેમના કે પછી બીજા કોઇ આશય થકી એક છોકરીની જાત હોવા છતાં પણ મેં પહેલ કરી છે આવી મારી પહેલને સ્વીકારવી કે ન સ્વીકારવી તે તારી મરજીની વાત છે. મને તારા પ્રત્યે જે ભાવ જાગ્યો, જે હેત ઉપજ્યું… તેનો મેં તરત જ અમલ કર્યો. તારા હોઠ પર આવેશમય ચૂમી ભરી તે કયારેય સાંભળ્યુંં છે કે, પ્રેમી યુગલમાંની પ્રિયતમા તેના પ્રીતમને પ્રથમ ચૂમી ભરે ! અરે.., આવી ચૂમી માટે છોકરાઓ તો તલસતા હોય, તલપાપડ થતા હોય.
“મારાથી ભરાયેલ આવું પગલું તને સારૂં લાગ્યું હોય તો પણ અને ખરાબ લાગ્યુ હોય તો પણ… ઠીક છે મારી અદમ્ય ઇચ્છા અનુસાર મેં આવું કર્યું છે. તારા હોઠને ચૂસવાથી મારામાં જીવન જીવવાની જડીબુટીનો રસ મને મળ્યો છે. આ રસ મને ખૂબ જ મીઠો અને મધુરો લાગ્યો છે. કદાચ તારા અધરોમાં આટલી બધી સરસ ઉર્મિઓ સંતાઇને પડી હશે… એવું મને મહેસૂસ થયું. સાચું ને ?” જ્યોતિ ઘણું ઘણું બોલીને હવે ચૂપ થઇ.