આરસીબી ટીમે રાજસ્થાન રોયલ્સને એક રોમાંચક મેચમાં ૧૧ રનથી હરાવીને પ્લેઓફ તરફ આગળ વધ્યું છે. આ સાથે પ્લેઓફની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. હવે આઇપીએલ ૨૦૨૫ ના પ્લેઓફની રેસમાં ૬ ટીમો સામેલ છે, જેમાંથી ત્રણ ટીમોના ૧૨-૧૨ પોઈન્ટ છે. આ હાર સાથે, રાજસ્થાન રોયલ્સની પ્લેઓફની આશા લગભગ ખતમ થઈ ગઈ છે.
ગુજરાત ટાઇટન્સ ટીમઆઇપીએલ ૨૦૨૫ ના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. ટીમે અત્યાર સુધીમાં કુલ ૮ મેચ રમી છે, જેમાંથી તેણે ૬ મેચ જીતી છે અને માત્ર ૨ મેચ હારી છે. તેનો નેટ રન રેટ પ્લસ ૧.૧૦૪ છે. તેના હાલ ૧૨ પોઈન્ટ છે.
દિલ્હી કેપિટલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં ૬ મેચ જીતી છે અને ૦.૬૫૭ ના નેટ રન રેટ સાથે ૧૨ પોઈન્ટ ધરાવે છે. આરસીબી ટીમ ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં ૯ મેચ રમી છે અને ૬ જીતી છે. ૧૨ પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ વત્તા ૦.૪૮૨ છે.
દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ અને આરસીબી, ત્રણેય ટીમોના ૧૨-૧૨ પોઈન્ટ છે અને પ્લેઓફમાં તેમનો પ્રવેશ લગભગ નિશ્ચિત છે, કારણ કે દિલ્હી અને ગુજરાત બંને પાસે ૬-૬ મેચ બાકી છે, જેમાંથી તેમને પ્લેઓફ ટિકિટ કન્ફર્મ કરવા માટે ફક્ત ત્રણ મેચ જીતવાની રહેશે. બીજી તરફ, આરસીબી પાસે પાંચ મેચ બાકી છે, જેમાંથી ત્રણ જીતી જાય તો તે પોતાનું કામ પૂર્ણ કરી શકે છે. આ ટીમોના બોલરો અને બેટ્‌સમેન શાનદાર ફોર્મમાં છે.
તે જ સમયે, મુંબઈ ઈન્ડીયન્સ (+૦.૬૭૩ નેટ રન રેટ), પંજાબ કિંગ્સ (+૦.૧૭૭ નેટ રન રેટ) અને લખનૌ સુપર જાયન્ટ્‌સ (-૦.૦૫૪ નેટ રન રેટ) ની ટીમો પણ પ્લેઓફની રેસમાં સામેલ છે. ત્રણેય ટીમોના ૧૦-૧૦ પોઈન્ટ છે. મુંબઈ અને લખનૌએ ૯-૯ મેચ રમી છે. જ્યારે પંજાબે અત્યાર સુધી માત્ર ૮ મેચ રમી છે.
વર્તમાન સિઝનમાં, રાજસ્થાન રોયલ્સ ટીમે અત્યાર સુધીમાં કુલ ૯ મેચ રમી છે, જેમાંથી તેણે ફક્ત ૨ મેચ જીતી છે અને ૭ મેચ હારી છે. ચાર પોઈન્ટ સાથે તેનો નેટ રન નેટ માઈનસ ૦.૬૨૫ છે. તે પોઈન્ટ ટેબલમાં ૮મા સ્થાને છે. રાજસ્થાન પાસે હજુ ૫ મેચ બાકી છે. જા તે આ પાંચેય મેચ જીતવામાં સફળ રહે તો પણ, સિઝનનો લીગ સ્ટેજ પૂરો થયા પછી તેના કુલ ૧૪ પોઈન્ટ થશે અને કોઈપણ ટીમ માટે ૧૪ પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવું સરળ નથી. તેને અન્ય ટીમો પર પણ આધાર રાખવો પડશે. હવે જા રાજસ્થાનની ટીમ અહીંથી પ્લેઓફમાં પહોંચે છે તો તે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.