આઇપીએલ ૨૦૨૫ ની ૨૯મી મેચમાં, મુંબઈ ઈન્ડીયન્સે દિલ્હી કેપિટલ્સને ૧૨ રને હરાવ્યું. આ મેચમાં મુંબઈ ઈન્ડીયન્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૦૫ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે કરુણ નાયર અને અભિષેક પોરેલે દિલ્હી કેપિટલ્સને શાનદાર શરૂઆત અપાવી. પરંતુ કર્ણ શર્માએ ત્રણ વિકેટ લઈને મુંબઈને રમતમાં પાછું લાવ્યું. જાકે, દિલ્હીને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે ફક્ત ૨૩ રનની જરૂર હતી અને એવું લાગતું હતું કે દિલ્હી મેચ સરળતાથી જીતી જશે. પરંતુ બુમરાહની ઓવરમાં રન આઉટની હેટ્રિકે મેચનો સમગ્ર માર્ગ બદલી નાખ્યો.
દિલ્હી કેપિટલ્સને છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે ૩૯ રનની જરૂર હતી. વિપ્રાજે ૧૮મી ઓવરમાં સેન્ટનરના પહેલા બે બોલમાં એક સિક્સર અને એક ફોર ફટકારીને ૧૦ રન બનાવ્યા. ત્રીજા અને ચોથા બોલ પર સિંગલ્સ આવ્યા. પાંચમા બોલ પર વિપ્રાજ નિગમ રન આઉટ થયો. તેણે ૮ બોલમાં ૧૪ રન બનાવ્યા. હવે દિલ્હીને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે વધુ ૨૩ રનની જરૂર હતી. બુમરાહ ઇનિંગની ૧૯મી ઓવર નાખવા આવ્યો અને આશુતોષ શર્મા સ્ટ્રાઇક પર હતા, તેમણે પહેલા બોલ પર એક પણ રન લીધો નહીં. આ પછી, આશુતોષે બીજા અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. બે ચોગ્ગા ફટકાર્યા પછી, દિલ્હીને હવે ૯ બોલમાં ૧૫ રનની જરૂર હતી.
૧૯મી ઓવરના ચોથા બોલ પર, આશુતોષ બે રન લેવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થયો. આગામી બોલ (પાંચમા બોલ) પર કુલદીપ યાદવ સાથે પણ કંઈક આવું જ બન્યું. કુલદીપ પણ બે રન ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થયો. બુમરાહના ઓવરના છેલ્લા બોલ પર, મોહિત શર્મા પણ રન લેવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થઈ ગયો. મોહિતના આઉટ થતાં જ દિલ્હીની ટીમ ૧૯ ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ અને મુંબઈએ ૧૨ રનથી મેચ જીતી લીધી. આઈપીએલના ઇતિહાસમાં આ બીજી વખત બન્યું છે જ્યારે એક જ ઓવરમાં ત્રણ ખેલાડીઓ રન આઉટ થયા હોય. જાકે, આ પહેલી વાર બન્યું છે કે ત્રણ બેટ્સમેન સતત ત્રણ બોલ પર રન આઉટ થયા હોય.