સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો હાલમાં ભારે મુશ્કેલીમાં છે. ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યાના નિરાકરણ માટે ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરેનભાઈ હિરપરાએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, ડુંગળીના વાવેતરમાં ખેડૂતોએ ઘણો ખર્ચ કરવો પડે છે. જેમાં બિયારણ, ખાતર, દવા, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો સમાવેશ થાય છે. જો કે, ભાવમાં સતત ઘટાડો થવાને કારણે આ ખર્ચ પણ નીકળતો નથી. હાલમાં રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોએ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. માર્ચથી જૂન મહિના દરમિયાન ડુંગળીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થશે. પરંતુ ડુંગળીની નિકાસ પર ૨૦% ડ્યુટી હોવા ઉપરાંત અન્ય દેશો વેપાર પ્રતિબંધો લગાવતા ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, હિરેનભાઈ હિરપરાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરી છે. તેમણે ડુંગળીની નિકાસ પરની ડ્યુટી ઘટાડવા અને નિકાસ નીતિની પુનઃ સમીક્ષા કરવાની માંગ કરી છે.