અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ ગુજરાતના ડુંગળી ઉત્પાદક ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે તાત્કાલિક MSP (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) હેઠળ ડુંગળીના ભાવ નક્કી કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં જોરદાર રજૂઆત કરી છે. પૂર્વ સાંસદે આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. કાછડીયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત દેશના મુખ્ય ડુંગળી ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. હાલમાં નવી ડુંગળીનો સ્ટોક બજારમાં આવી રહ્યો છે, પરંતુ ખેડૂતોને પ્રતિ કિલો માત્ર ૩ થી ૫ રૂપિયા જેટલો નજીવો ભાવ મળી રહ્યો છે. ડુંગળીનું ઉત્પાદન કરવામાં ખેડૂતોને પ્રતિ વિઘા અંદાજિત ૩૦ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે, જ્યારે તેમને મળી રહેલો ભાવ ખૂબ જ ઓછો હોવાથી વિઘા દીઠ ૫ હજારથી ૧૦ હજાર રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.