ઘરની છત અને ફળિયાનું પાણી જમીનમાં ઉતારાશે
સાવરકુંડલા, તા.૧૦
સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામમાં આજે એક મહત્વપૂર્ણ ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ગામના નાગરિકોએ ‘ઘરનું પાણી ઘરમાં’ રાખવાનો સંકલ્પ લીધો છે. સાવરકુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળાના સભાખંડમાં યોજાયેલી આ સભામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં લેવાયેલા નિર્ણય મુજબ, ડેડકડી ગામના દરેક ઘરમાં રહેણાંક મકાનની પડતર જમીનમાં પાણીના શોષ કૂવા બનાવવામાં આવશે. આ કૂવાઓમાં અગાસી અને નેવાનું વરસાદી પાણી એકત્રિત કરવામાં આવશે, જેનાથી જમીનમાં પાણીનો સંગ્રહ થશે. આ પહેલથી ડેડકડી ગામને વરસાદી પાણી સંગ્રહમાં મોડેલ ગામ બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ અભિયાનને સફળ બનાવવા માટે સાવરકુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના વર્તમાન કાર્યવાહકો મનુભાઈ ખીમાણી, રાજેન્દ્રભાઈ ખીમાણી, દીપકભાઈ શેઠ અને વિનુભાઈ રાવલે જવાબદારી સ્વીકારી છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ પહેલને આવકારી છે અને તેમણે ગ્રામજનોને આ કામ માટે થનાર ખર્ચ અંગે ચિંતા ન કરવાનું આશ્વાસન આપ્યું છે. સભામાં એ.પી.એમ.સી. સાવરકુંડલાના ચેરમેન દીપકભાઈ માલાણી, જીવનભાઈ વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. માલાણીએ આ પહેલને બિરદાવતા કહ્યું કે આ કામ માત્ર વિકાસ કાર્યો પૂરતું સીમિત ન રહેતા, પાણી સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાને સંબોધે છે. આ અભિયાનથી ગામમાં જળસ્તર ઊંચું આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોએ આ પહેલને ઉત્સાહભેર આવકારી છે અને તેને સફળ બનાવવા માટે સામહિક પ્રયાસ કરવાનો સંકલ્પ લીધો છે.