અમરેલી જિલ્લામાં સામાન્ય અકસ્માતમાં પણ જીવલેણ હુમલાની ઘટનાઓ બનવા પામે છે. જેમાં ડેડાણ ગામે મોટરસાયકલ અથડાતા ત્રણ શખ્સોએ ભેગા મળી યુવક પર છરી વડે હુમલો કરી તેમજ માથામાં સ્ટીલની બરણીનાં ઘા મારી ઈજા કરતા યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. ડેડાણ ગામે રહેતા ફરિયાદી મુકેશ અનિલભાઈ મહીડા અને ભીખુભાઈ ચાંદુ મોટરસાયકલ લઈ રાયડી ગામે જતા હતા ત્યારે સામેની તરફથી ઘેટાંનું ટોળું આવતા મુકેશે મોટરસાયકલ સાઈડમાં લઈ સામેની તરફ જતાં હતા ત્યારે સામેથી આવતા આરોપી અરમાન મુન્નાભાઈ અગવાન અને અલ્ફાઝ મુન્નાભાઈ અગવાન પોતાનું મોટરસાયકલ લઈને આવતા હોય ત્યારે મુકેશના મોટરસાયકલનું હેન્ડલ આરોપીના મોટરસાયકલ સાથે અથડાતા મુકેશ અને અરમાન વચ્ચે બોલાચાલી થઈ હતી. અલ્ફાઝે મુકેશને ગાળો આપી ફોન કરી તેમના મુન્નાભાઈ ઉમરખાંભાઈ અગવાનને બોલાવતા મુન્નાભાઈ મોટરસાયકલ પાછળ બે અજાણ્યા ઈસમોને બેસાડી આવ્યો હતો અને મુન્નાભાઈએ મુકેશને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અજાણ્યા ઈસમોએ મુકેશને મુંઢમાર મારી અને છરી કાઢતા મુકેશે છરી પકડી લેતા હાથે છરી વાગી હતી. તેમજ મુન્નાભાઈએ મુકેશને સ્ટીલની મોટી બરણી વડે માથામાં ઘા મારતા મુકેશ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મુકેશે અરમાન, અલ્ફાઝ અને મુન્ના સહિત પાંચ લોકો સામે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.