કોડીનાર તાલુકાના ડોળાસા ગામે નવનિર્મિત બાયપાસના રોડનું અધૂરૂ કામ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. જયાં હાઇવે પ્રશાસનની ઘોર બેદરકારીને કારણે અધૂરા માટીકામ અને લાઇટની સુવિધાના અભાવે આ વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો છે. કોડીનારથી આવતા બાયપાસના વળાંકમાં માટીનું કામ અધૂરું હોવાથી વાહનચાલકોને મોટા વળાંકમાંથી પસાર થવું પડે છે. રાત્રિના સમયે સ્ટ્રીટલાઇટના અભાવે પરિસ્થિતિ વધુ ભયાનક બને છે. સ્થાનિક રહીશોની માંગણી છે કે, બાયપાસના બંને છેડે ઊંચી લાઇટો મૂકવામાં આવે. આ સમસ્યાના સમાધાન માટે ડોળાસા ગ્રામ પંચાયતના સદસ્ય શૈલેષભાઈ મોરીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. હાઇવે પ્રશાસન પાસે જમીન સંપાદિત હોવા છતાં માટીકામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. તો વહેલી તકે આ કામ પૂર્ણ થાય એવી સ્થાનિકોએ માંગ કરી છે.