રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી અમદાવાદ રેલ્વે પોલીસ એસઓજીએ જામનગરના ગોલ્ડન સિટીની બાજુમાં હાઉસિંગ સ્કીમ ક્વાર્ટર્સમાં રહેતી યાસ્મીન અનવરભાઈ સેતા અને એક સગીરને ૧૮.૮૯ લાખ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી ઊંડી તપાસ હાથ ધરી છે.
માહિતીના આધારે, અમદાવાદ એસઓજી ટીમે રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસમાંથી ઉતરેલી યાસ્મીન નામની મહિલાને રોકી તેની તલાશી લેતાં તેની પાસોથી ડ્રગ્સ મળી આવ્યું હતું. ધાબળામાં ૧૯૮.૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની સાથે આવેલા સગીરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બંને સામે રેલ્વે પોલીસમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
એસઓજી દ્વારા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેને આ સમયે પૈસાની જરૂર હતી. જામનગરમાં રહેતા અઝારુએ તેને મુંબઈથી ડ્રગ્સનું પાર્સલ લાવવા કહ્યું હતું. બદલામાં ૧૦૦૦૦ રૂપિયા આપવાનું નક્કી થયું. પોલીસની શંકા ટાળવા માટે, તે સગીર સાથે મુંબઈ પહોંચી ગઈ. અઝારુના જણાવ્યા મુજબ, નિઝામ નામના વ્યક્તિએ તેને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર બોલાવ્યો અને ડ્રગ્સનું પાર્સલ આપ્યું. દુરંતો એક્સપ્રેસ તેમને લઈને રાજકોટ પહોંચી. નિયમો મુજબ, એસઓજીએ તપાસ રાજકોટ રેલ્વે પોલીસને સોંપી અને તેના સ્ટાફે યાસ્મીનને કોર્ટમાં રજૂ કરી અને તેને બે દિવસના રિમાન્ડ પર લીધી અને તપાસ આગળ ધપાવી છે.
થોડા મહિનાઓ અગાઉ રાજકોટમાં એસઓજીએ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ૨ શખ્સને ઝડપી પાડ્યા હતા. અમદાવાદથી રાજકોટ જતી વખતે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતી વખતે શખ્સોને રાજકોટ એસઓજી ટીમે બામણબોર પાસેથી ઝડપ્યા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ શહેરમાં એસઓજીએ બાતમીના આધારે અમદાવાદથી રાજકોટ જતી વખતે થઈ રહેલી કારમાં હેરાફેરી વખતે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. કારમાંથી ૧.૮૩ લાખનો ડ્રગ્સ સાથે કાર જપ્ત કરવામાં આવી હતી. ૧૮.૩૪ ગ્રામ ડ્રગ્સ કિંમત રૂ. ૧.૮૩ લાખ અને કાર સહિત રૂ. ૩.૪૩ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ લાવતા અને કોને સપ્લાય કરતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી. રાજકોટ એસઓજીએ જીતુદાન જેસાણી અને રાજવીરસિંહ ડોડિયાની ધરપકડ કરી ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.