મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા ધનંજય મુંડેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. સીએમ ફડણવીસે આ અંગે માહિતી આપી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ આજેપોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે. મેં રાજીનામું સ્વીકારી લીધું છે અને આગળની કાયર્વાહી માટે રાજ્યપાલને મોકલી આપ્યું છે. તમને જણાવી દઈએ કે બીડ જિલ્લાના મસાજાગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મીકિ કરાડને મુખ્ય સૂત્રધાર કહેવામાં આવ્યો છે. ત્યારથી ધનંજય મુંડે પર તેમના પદ પરથી રાજીનામું આપવાનું દબાણ હતું. ધનંજય મુંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોતાના રાજીનામા અને તેની પાછળના કારણ વિશે માહિતી આપી છે.
ધનંજય મુંડેએ કહ્યું- “મારી પહેલા દિવસથી જ માંગ છે કે બીડ જિલ્લાના મસાજાગના રહેવાસી સ્વર્ગસ્થ સંતોષ દેશમુખની ક્રૂર હત્યાના આરોપીને સૌથી કડક સજા મળે. ગઈકાલે બહાર આવેલી તસવીરોએ મને ખૂબ જ દુઃખી કર્યો. આ કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોટર્માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ન્યાયિક તપાસનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મારી સમજદારી અને છેલ્લા કેટલાક દિવસોથી મારી તબિયત સારી ન હોવાથી, ડોક્ટરોએ મને આગામી થોડા દિવસો સુધી સારવાર લેવાની સલાહ આપી છે. તેથી, તબીબી કારણોસર પણ, મેં મુખ્યમંત્રીને મંત્રીમંડળમાં મંત્રી પદ પરથી મારું રાજીનામું સુપરત કર્યું છે.
ગયા વર્ષે ૯ ડિસેમ્બરે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના સરપંચ સંતોષ દેશમુખનું અપહરણ કરવામાં આવ્યું હતું. દેશમુખ જિલ્લામાં એક ઊર્જા કંપનીને નિશાન બનાવીને ખંડણીના પ્રયાસને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે. સંતોષ દેશમુખ પર નિર્દયતાથી ત્રાસ ગુજારવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી.સીઆઇડીએ ૨૭ ફેબ્રુઆરીએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. તે જ સમયે, સંતોષ દેશમુખના ત્રાસ અને હત્યાના ઘણા હૃદયદ્રાવક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.