(૧) ત્રીજા વિશ્વયુદ્ધ વિશે તમારું શું માનવું છે?
વર્ષાબેન પંપાણીયા (રાજુલા)
ત્રીજું વિશ્વયુદ્ધ બીજા અને ચોથા વિશ્વયુદ્ધ વચ્ચેના સમયગાળામાં જ થશે.
(૨) તમારે ત્યાં મહેમાન આવે ત્યારે તમે એને નકરા દૂધની ચા પીવડાવો છો કે પાણીવાળા દૂધની?
સંગીતાબેન ધોરાજીયા (આણંદ)
અમારે દૂધમાં પાણી નાખવું જ ન પડે. દૂધ જ પાણીવાળું મળી જાય!
(૩) મંદિરે પગે લાગીએ ત્યારે આંખ બંધ શા માટે કરીએ છીએ?
ડાહ્યાભાઈ આદ્રોજા(લીલીયા મોટા)
કારણ કે આપણે ભગવાન સાથે આંખ નથી મિલાવી શકતા!
(૪) સો કામ પડતાં મૂકીને પહેલાં જમી લેવાય. અને જમવાનું પણ પડતું મૂકીને પહેલાં?
કનુભાઈ પરમાર (દામનગર)
આ કોલમ વાંચી લેવાય.
(૫) તમને ખેતી કરતા આવડે છે કે નહિ ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
કોઈ ખેડૂતે તો મને ખેતર વાવવા આપ્યું નથી પણ હમણાં એક ભાગિયાએ મને પેટા ભાગિયું રાખવાની આૅફર કરી છે.
(૬) સતાધારના પાડાને પાડાપીર કહેવાય તો બીજલાબાપાનાં પાડાને શું કહેવાય..?
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન. (સાજણટીંબા)
અમારે આ બાજુ તો આંકના ઘડિયાને પણ પાડા કહે છે!
(૭) પુરુષોને હંમેશા બીજાનાં બૈરા કેમ ગમે છે?
હરેશ રૂપારેલીયા (સુરત)
ઊંચું નિરીક્ષણ છે તમારું પણ આ વાતની ઘરે પણ ખબર હશે હો!
(૮) નામ પ્રમાણે ગુણ કેમ હોતા નથી ?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
ફઈબાને નામ પાડવાનું કોઈ ફદિયું પણ આપતા નથી એટલે એ ગુણ ન હોય એવા નામ પાડે છે એવું એક ફુવા કહેતા હતા.
(૯) ઘણા માણસો સાથે મળીને કામ કરે તેને “ઝાઝા હાથ રળિયામણા કહે” છે. ઘણા માણસો સાથે મળીને જમતા હોય તેને કેવા મોઢા કહેવાય?
હરિભાઈ ધોરાજિયા (લીલિયા મોટા)
ઝાઝા મોઢા ભુખાળવા.
(૧૦) આ વખતે ચોમાસુ કેવુ જાશે?
નિદા નસીમ (ઉના)
હું બધી આગાહી બે વરસ પહેલાં જ કરી નાખું છું એટલે આ ચોમાસા વિશે જાણવા બે વરસ પહેલાંનું હાસ્યાય નમઃ વાંચી લેજો.
(૧૧) પરણેલી સ્ત્રી વારે તહેવારે પીયર જવાની હઠ કેમ પકડે છે?
ગોબરભાઈ. આર.ધોરાળીયા (ભોયકા તા.લીંબડી)
ઊંટ મરે તોય મારવાડ સામે જુએ.
(૧૨) સ્ત્રીની પરણ્યાની નિશાની સેંથો તો પુરુષની પરણ્યાની નિશાની શું?
ગીતાબેન દુધાત (હાથીગઢ)
પલળેલા કાગડા જેવો ચહેરો!
(૧૩) શું સરકારી નોકરી સફળતાનો માપદંડ છે?
દીપમાલા એન. હરિયાણી (ખાંભા)
ના રે ના, અંબાણી કે અદાણી ક્યાં સરકારી નોકરી કરે છે?
(૧૪) તમે શાળામાં પ્રવેશોત્સવ કેવી રીતે કરેલો, ઉત્સવથી કે શાસ્ત્રીય રાગમાં ગાયન કરતા કરતા?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
મારે તો માત્ર એટલું ધ્યાનમાં રાખવાનું હતું કે શાળામાં પ્રવેશ કરતું કોઈ નવું બાળક શાસ્ત્રીય રાગમાં ગાયન શરૂ ન કરી દે.
(૧૫) વરસાદમાં નવાય કે?
રિયાઝ સેલોત (રાજુલા)
શરદીવાળો કોઠો ન હોય તો નવાય.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..