બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું ફંગલ શનિવારે સાંજે પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે અથડાશે.પરંતુ તે પહેલા તેની અસર તમિલનાડુ સાથે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી છે. તમિલનાડુમાં લેન્ડફોલ દરમિયાન ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. તમિલનાડુ અને પુડુચેરીના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. એટીએમ પાસે શોર્ટ સર્કિટના કારણે ઇલેટ્રીક શોક લાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. શહેરમાં ઘણી ફ્લાઈટને પણ અસર થઈ છે. એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. ઘણી ટ્રેનો પણ નિર્ધારિત સમય કરતા મોડી દોડી હતી
તમિલનાડુ અને પુડુચેરીના કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર, કુડ્ડલોર, વિલ્લુપુરમ, કલ્લાકુરિચી, ચેન્નાઈ અને માયલાદુથુરાઈ જિલ્લામાં શાળાઓ અને કોલેજા બંધ રહી હતી.આ જિલ્લાઓમાં લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. તમિલનાડુમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ૭ ટીમો તૈનાત કરવામાં આવી છે. દરેક ટીમમાં ૩૦ જવાનો રાખવામાં આવ્યા છે.તમિલનાડુના મહાબલીપુરમમાં ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા.ચેન્નાઈ એરપોર્ટ પરની કામગીરી રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે.ભારે વરસાદને કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં કેટલાય દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે.
ચેન્નાઈ શહેરમાં ભારે પવન અને વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.એનડીઆરએફની ટીમે ગઈકાલે થોની થોરુ ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બચાવ્યા હતા સવારે પુડુચેરીના કરાઈકલમાં પણ ઊંચા મોજા જોવા મળ્યા હતા. ચક્રવાત અહીં લેન્ડફોલ કરશે.ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોને રસ્તાઓ પર વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ વાવાઝોડાની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં થઈ રહી છે. તમિલનાડુ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં ભારે વરસાદના કારણે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે. નાગાપટ્ટિનમમાં ૮૦૦ એકરથી વધુના પાકને નુકસાન થયું છે.
નેવી અસરગ્રસ્ત વિસ્તારોમાં વાહનો દ્વારા ખોરાક અને પીવાનું પાણી મોકલી રહી છે. એનડીઆરએફની ૭ ટીમોને કટોકટીનો સામનો કરવા માટે ટોલ ફ્રી નંબર ૧૧૨ અને ૧૦૭૭ જારી કરવામાં આવ્યા છે. ૨ હજાર રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. તિરુવરુર અને નાગાપટ્ટિનમમાં ૪૭૧ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ઓફિસોમાં ઘરેથી કામ કરવાની અપીલ કરવામાં આવી છે. બીચ નજીકના રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
નેલ્લોર, ચિત્તૂર, વિશાખાપટ્ટનમ અને તિરુપતિ ફેંગલ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અહીં પવન ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. અસરગ્રસ્ત બીચ ૧ ડિસેમ્બર સુધી ખાલી રાખવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને બોટિંગ કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશ સરકારે દરિયાકિનારાની નજીક રહેતા લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે.આખા પુડુચેરીમાં વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાવર કટ પણ જોવા મળ્યો છે.ઉડુપી, ચિક્કામગાલુરુ, ચિત્રદુર્ગ સહિત ૧૬ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ૧ ડિસેમ્બરથી ૩ ડિસેમ્બર દરમિયાન વીજળી પણ પડી શકે છે.
આ તોફાનનું નામ ‘ફેંગલ’ સાઉદી અરેબિયા દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. તે એક અરબી શબ્દ છે, જે ભાષાકીય પરંપરા અને સાંસ્કૃતિક ઓળખનું મિશ્રણ છે. આ શબ્દ વિશ્વ હવામાન સંસ્થા અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ના નામકરણ પેનલમાં પ્રાદેશિક ભિન્નતા દર્શાવે છે. ચક્રવાતનાં નામ પસંદ કરતી વખતે એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે નામો ઉચ્ચારવામાં સરળ, યાદ રાખવામાં સરળ અને સાંસ્કૃતિક રીતે ન્યાયી છે. ધ્યાનમાં રાખવામાં આવે છે કે નામ એવા હોવા જોઈએ કે તે વિવિધ પ્રદેશો અને ભાષાઓ વચ્ચે કોઈ વિવાદ ન સર્જે કે કોઈનું અપમાન ન કરે.ચક્રવાતને કેવી રીતે નામ આપવામાં આવે છે?
સામાન્ય રીતે, ચક્રવાતને પ્રાદેશિક સ્તરના નિયમો અનુસાર નામ આપવામાં આવે છે. હિંદ મહાસાગરના ચક્રવાતને નામ આપવા માટે ૨૦૦૪માં સર્વસંમતિ સધાઈ હતી. આમાં ૧૩ દેશોએ નામોનો સમૂહ આપ્યો, જે ચક્રવાત આવે ત્યારે એક પછી એક આપવામાં આવે છે.ચક્રવાતના નામ પસંદ કરતી વખતે, તે ધ્યાનમાં રાખવામાં આવે છે કે તેઓ યાદ રાખવામાં સરળ, ઉચ્ચારવામાં સરળ અને અપમાનજનક ન હોવા જોઈએ. તેમના નામ પણ વિવિધ ભાષાઓમાંથી પસંદ કરવામાં આવ્યા છે
જેથી કરીને વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો તેમનાથી પરિચિત હોય.
ચક્રવાતના નામોની વર્તમાન સૂચિ ૨૦૨૦ માં તૈયાર કરવામાં આવી હતી, જેમાં દરેક સભ્ય રાજ્યે ૧૩ નામોનું યોગદાન આપ્યું હતું. આ નામો પરિભ્રમણમાં વપરાય છે. કોઈ નામનો પુનઃઉપયોગ થતો નથી. એટલે કે હિંદ મહાસાગરમાં આવતા દરેક ચક્રવાતને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે.ઉદાહરણ તરીકે, ‘ફેંગલ’ નામ સાઉદી અરેબિયા દ્વારા સૂચવવામાં આવ્યું હતું. આ પછી, આગામી ચક્રવાતનું નામ ‘શક્તિ’ રાખવામાં આવશે અને આ નામ શ્રીલંકાએ સૂચવ્યું છે.
ચક્રવાતી તોફાન ફેંગલની અસરો શનિવાર બપોરથી દેખાવાનું શરૂ થયું છે. ચક્રવાત ફેંગલ ધીમે ધીમે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આના કારણે ઉત્તરી તટીય તમિલનાડુમાં જુદા જુદા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. તે જ સમયે, દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ થયો હતો. ચક્રવાત ફેંગલને કારણે સંભવિત નુકસાનવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચક્રવાતી તોફાન સાંજે પુડુચેરી અને ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકશે. તે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તરી તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. તે જ સમયે, ૩૦મી નવેમ્બર અને ૦૧મી ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદની સંભાવના છે.