નવસારીના ટેટુ આર્ટિસ્ટ અને ભાજપના સોશિયલ મીડિયા સેલના માજી કન્વીનરે આદિવાસી યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવતીએ કરેલી અરજીના આધારે એસ.સી.- એસ.ટી. સેલના ડીવાયએસપીએ તપાસ આદરી દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીના ટેટુ આર્ટિસ્ટ અને  ભાજપાના મીડિયા સેલના માજી કન્વીનર જય સોની સામે બે દિવસ અગાઉ આદિવાસી સમાજની યુવતીએ ગંભીર આક્ષેપો સાથે કરેલી અરજી કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘એક વર્ષ પહેલા હું મારી બહેનપણી સાથે ટેટૂ કરાવવા સ્ટુડિયોમાં ગઈ હતી. ટેટૂ આર્ટિસ્ટ જય સોનીએ શરીરે ટેટૂ પાડી મારો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ મોબાઈલ ઉપર ‘લવ યુ અને તને હગ કરવાનો છે તેવા મેસેજ કરી મને પામવાનો પ્રયત્ન કરતો હતો. હું મારી પત્નીને છૂટાછેડા આપવાનો છું તેમ કહી જય સોનીએ મને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપી અલગ-અલગ જગ્યાએ ઘણી વખત  શારીરિક સંબંધ બાંધ્યા હતા.’

યુવતીએ ગંભીર આક્ષેપો સાથે કરેલી અરજી અનુસાર હું ગર્ભવતી બનતા જય સોનીએ મને ઈમોશનલ બ્લેકમેઇલ કરી હતી. તેણે કહ્યું કે ‘જો હું આ ગર્ભ નહીં પડાવું તો તે મારી સાથે લગ્ન નહીં કરે.’ ત્યારબાદ તેણે મને ગર્ભપાત માટે ગોળી પીવડાવી અને ખાનગી હોસ્પિટલમાં જઈ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના બાદથી મારી તબિયત સારી રહેતી ન હોવા છતાં તેણે મને ફરી ઘણી વાર લગ્ન કરી લેવાની લાલચે ઘરે, અલગ-અલગ સ્થળે, સ્ટુડિયો અને કારમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. પીડિત યુવતીએ કહ્યું કે જ્યારે મેં ભાજપ કાર્યકર જય સોનીના ઘરે જઈ લગ્ન કરવાની વાત કરી તો જય સોનીના માતા-પિતાએ નિર્લજ્જતાપૂર્વક કહ્યું કે, ‘તારા જેવી સત્તર છોકરી સાથે અમારા પુત્રના સંબંધ છે, તું અઢારમી છે,તારા જેવાને તો અમે ઘરે કામે પણ ન રાખીએ. આટલું કહ્યા બાદ તેના માતા-પિતાએ મને જાતિ વિષયક ગાળો આપી હતી.’ આ અરજી અંગે નવસારી એસસીએસટી સેલના ડીવાયએસપી હરેશ ચાંદુએ તપાસ કરી નવસારી સીટી પોલીસમાં ભાજપના કાર્યકર જય સોની સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.