નવરાત્રીનાં પવિત્ર દિવસો ગયા પછી જગતના તાતે મોસમના કામકાજમાં પડવાની તૈયારી કરી લીધી હતી. કોઈ ખેડૂત મિત્રોએ મગફળી ઉપાડી લીધી હતી અને ખેતરમાં પાથરા કર્યા હતા. તો કોઈ ખેડૂતો આભે વાદળી જાઈને થોડી રાહ જાવાનું વિચારી રહ્યા હતા. જયારે સોયાબીનની લાણી પડુ-પડુ થઈ રહી છે. તો કયાંક ભારે હૈયે ઓપનરમાંથી કાઢવામાં આવ્યા છે. કપાસના પુંભડા-ખુલ્લુ-ખુલ્લુ થઈ રહ્યા હતા. એવામાં વરસાદે ખેડૂતોની મોસમ ઉપર પાણી ફેરવી દીધુ છે. વરસાદ વિના જીવન કે ઉદ્યોગ કે ખેતી શકય નથી. વરસાદથી જ હરિયાળી છે. પરંતુ સમયસર આવે તો. વર્તમાન કમોસમી સાર્વત્રિક વરસાદથી જગતનો તાત ચિંતામાં છે. કંઈ-કેવા સપનાઓ સજાવીને બેઠેલા જગતના તાતના સપના રોળાઈ ગયા છે. ખેડૂતો એ અસંગઠીત છે. રાત-દિવસ મહેનત કરે પણ હકનુંં માંગવા માટે કયારેય આંદોલન ન કરે, કરે તો દબાવી દેવામાં આવે. કર્મચારીઓનો પગાર વધારો, પેન્શન, બોનસ પણ મારા દેશના ખેડૂતો અને ખેતમજૂરો માટે અટલ પેન્શન યોજના ખરી પણ લાભાર્થીઓ નહિવત છે. આ સ્થિતિઓ વચ્ચે કાળા માથાનાં મહેનતુ ધરતીના સંતાનો સફળતા મેળવી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામના કિરણભાઈ રતિભાઈ બરોચીયાએ તીખા મરચાની મીઠી ખેતી અપનાવીને મરચાના જથ્થાબંધ વેપારીઓમાં પોતાની ખુબ સારી નામના મેળવી છે. ૪પ વર્ષિય કિરણભાઈનો અભ્યાસ ૧ર ધોરણ છે. તેની પાસે આશરે ૪પ વિઘા જેટલી જમીન છે. ચોમાસા દરમ્યાન તેઓ મગફળી, કપાસ અને મરચીનું વાવેતર કરે છે. છેલ્લા ર૦ વર્ષથી તેઓ મરચીનું વાવેતર કરે છે. પહેલા દેશી મરચાનું વાવેતર કરતા હતા. વર્તમાન સમયમાં છેલ્લા સાત-આઠ વર્ષથી હાઈબ્રિડ મરચીનું વાવેતર કરે છે. દર વર્ષ ઓગષ્ટ માસ આસપાસ મરચીના ઘરૂ તૈયાર કરીને ઓકટોબર – નવેમ્બરમાં વાવેતર કરે છે. દર વર્ષે ૧પ થી ર૦ વિઘાની મરચીનું વાવેતર કરનાર કિરણભાઈ કહે છે, “મારા ખેતરમાં ધોરીયે પાણી આપવામાં આવતું નથી. ડ્રીપ અને મલ્ચીંગ દ્વારા વાવેતર કરવામાં આવે તો જરૂરિયાત મુજબ પાણી અને ખાતર આપી શકાય છે. ઉપરાંત નિંદામણ થતુ નથી.”
મજાની વાત એ છે કે, કિરણભાઈએ સંતુલીત ખેતી અપનાવી છે. તેઓએ રેસીડયુ ખેતી અપનાવી છે. જેમાં ઓર્ગોનિકસ દવાનો ઉપયોગ કરતા જયારે રોગ- જીવાત નિયંત્રણ ઉપર કંટ્રોલ કરવા સામાન્ય પેસ્ટીસાઈડનો પણ ઉપયોગ કરે છે.
કિરણભાઈ પોતાની ખેતીની સફળતાની વાત કરતા કહે છે, “હું માર્કેટમાં લીલી મરચા કે ચટણી બનાવી નથી વેચાણ કરતો. મારા કવોલીટી મરચાના હિસાબે મરચાના વેપારીઓ મારા ખેતર ઉપર આવે છે અને મારી પાસે એડવાન્સ બુકીંગ કરાવે છે. હું કવોલીટી મરચા સુકા વેચાણ કરૂ છું.” કિરણભાઈને વિઘે સુકા મરચાનો પપ થી ૬૦ મણનો ગયા વર્ષે ઉતારો આવ્યો છે અને પ૦૦૦ થી પપ૦૦ રૂપિયા મણે વાડી બેઠા વેચાણ કરે છે. તેઓ કહે છે વિઘે બિયારણ, દવા, ખાતર, મજૂરીનો ખર્ચ રૂ.૪૦,૦૦૦ આસપાસ રહ્યો છે. છતાં પણ કમાણી સારી છે. ઉપરાંત કિરણભાઈને બેસ્ટ ફાર્મરનો એવોર્ડ પણ મળ્યો છે. મળવા જેવા અને માહિતી મેળવવા જેવા કિરણભાઈ છે. તેઓનો સપંર્ક નં. ૯૯૦૯૬૯૩૬પપ

-: તિખારો :-

નદીની ઉંડાઈ માપી શકાય માણસના મનની નહિ. સમયે – સમયે વર્તન બદલતી સ્વાર્થી વ્યક્તિ ઉપર વિશ્વાસ એટલે વિપત્તીને નોતરૂં.