(એચ.એસ.એલ),હૈદરાબાદ,તા.૬
તેલંગાણા સરકાર મહિલાઓની પ્રગતિ માટે વિશેષ કામ કરી રહી છે. આ દાવો રાજ્યના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ કર્યો છે. તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમની સરકાર મહિલા સ્વ-સહાય જૂથોના એક કરોડ સભ્યોને વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સામેલ કરીને ‘કરોડપતિ’ બનાવવાની યોજના સાથે આગળ વધી રહી છે.
રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા સાથે મહિલા સ્વ-સહાય જૂથોના ‘ઇન્દિરા મહિલા શક્તિ બજાર’નું ઉદ્‌ઘાટન કર્યા પછી બોલતા, રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમની સરકાર મહિલાઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ લાગુ કરી રહી છે. આમાં તેમના માટે સરકારી બસોમાં મફત મુસાફરી, ૫૦૦ રૂપિયામાં એલપીજી સિલિન્ડરનો સપ્લાય, ગરીબો માટે ૨૦૦ યુનિટ સુધી મફત વીજળીનો પુરવઠો, વિદ્યાર્થીઓ માટે કપડા સિલાઇ અને ‘ઇન્દિરા મહિલા શક્તિ’ કેન્ટીનનો સમાવેશ થાય છે.
સીએમ રેડ્ડીએ જણાવ્યું હતું કે સરકાર સ્વ-સહાય જૂથોને સોલર પાવર પ્લાન્ટ પણ ફાળવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હાલમાં સ્વ-સહાય જૂથોમાં કુલ સભ્યોની સંખ્યા ૬૫ લાખ છે અને તે એક કરોડ હોવી જાઈએ.
આ કાર્યક્રમમાં બોલતા સીએમ રેવન્ત રેડ્ડીએ કહ્યું, ‘તેને એક કરોડ બનાવવાની જવાબદારી તમારી છે. એક કરોડ (મહિલાઓને) કરોડપતિ બનાવવાની જવાબદારી મારી છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે આવતા વર્ષે તેઓ ૧૦ અવિભાજિત જિલ્લાઓ (દક્ષિણ રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓને આવરી લેતા)ની મુલાકાત લેશે અને દરેક જિલ્લામાં એક લાખ મહિલાઓ સાથે બેઠક કરશે. રાજ્યપાલે સ્વસહાય જૂથોની મહિલા સભ્યોની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેઓ દેશમાં નેતા બને.