ચલાલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને સાડા ત્રણ મહિના સુધી પગાર ચૂકવવામાં ન આવતા સફાઈ કામદારોની હાલત કફોડી થઈ હતી. જેથી પગાર બાબતે સફાઈ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામતા સફાઈ કામદારોને ત્રણ મહિનાનો પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો. ચલાલા પાલિકામાં સફાઈ કામદારોને ત્રણ માસ કરતા વધુ સમયથી પગાર ચૂકવવામાં ન આવતા સફાઈ કામદારોને ઘર ચલાવવાનાં પણ ફાંફા પડતા હતા. સફાઈ કામદારોએ પગાર બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પગાર બાબતે કોઈ ઉકેલ આવતો ન હતો. જેથી સફાઈ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામતા શહેરમાં ગંદકીનાં ગંજ ખડકાયા હતા. સફાઈ કામદારો હડતાલ પર ઉતરતા ગંદકીનાં ગંજથી શહેર નર્કાગારમાં ફેરવાઈ ગયું હતું. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનાં ગંજ હોવાથી શહેરીજનો પણ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. સફાઈ કામદારોની દોઢ દિવસની હડતાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને એકસાથે ત્રણ માસનો પગાર ચૂકવી આપવામાં આવતા સફાઈ કામદારોએ હાશકારો અનુભવ્યો હતો.