દિવથી આવતા લોકો પ્રથમ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર પ્રવેશ કરી ઉના તરફથી અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના ટીંબી ચેકપોસ્ટ ઉપર પ્રવેશ કરે છે. અહીં નાગેશ્રી પોલીસની ટીમો દ્વારા વાહન ચેકિંગની કામગીરી રાતભર ચાલી હતી, જેના કારણે દિવ તરફથી પાર્ટી મનાવી નશો કરેલી હાલતમાં આવતા અનેક લોકોને નાગેશ્રી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોઈ નશો કરેલું છે કે કેમ? ક્યાં વિસ્તારમાંથી આવી રહ્યા છે તેની રાતભર પોલીસે નોંધ કરી હતી. અમરેલી જિલ્લામાં લાઠી, બાબરા, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ મરીન પોલીસ વગેરે વિવિધ પોલીસ ટીમે હાઇવે પર વાહન ચેકિંગની કામગીરી કરી હતી. રાત્રીના પોલીસે એલર્ટ મોડમાં રહી કોઈ નશો કરેલી હાલતમાં છે કે કેમ? તેનું ચેકિંગ કરતી જોવા મળી રહી હતી. નાગેશ્રી પોલીસે ૩૧, ખાંભા પોલીસે ૨૮ અને રાજુલા પોલીસે ૭ પીધેલા પકડ્યા હતા.