વિંછીયા તાલુકાના થોરીયાળી ગામ ખાતે રહેતા ઘનશ્યામભાઈ શિવાભાઈ રાજપરા(ઉ.વ.૪૮) નામના યુવાન ઉપર કુહાડી અને લાકડીના ઘા ઝીંકીને હુમલો કરવામાં આવતા સારવારમાં તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે તપાસ કરાતા શેખાભાઈ ગભરૂભાઈ સાંભડ સહિતના કુલ ૭ આરોપીઓએ એકસંપ થઈ હત્યાનું કાવતરું ઘડીને હુમલો કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું. આ હત્યાના બનાવમાં મૃત્યુ પામનાર યુવાને અગાઉ વિંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી તેનો ખાર રાખીને તેની ઉપર હુમલો થયો હોવાનું મૃતકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ યુવાનની હત્યા થતા તટસ્થ તપાસની માંગણી સાથે મામલતદારને આવેદન આપી કોળી સમાજના આગેવાનોએ વિંછીયા બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે વિંછીયા ગામ સજ્જડ બંધ રહ્યું હતું. પોલીસ દ્વારા એક અજાણ્યા શખ્સ અને એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડઅપ કરેલ છે.