આજે હોળી ! જાણેઅજાણે આપણે બોલી ઊઠતા હોઈએ છીએ કે અમારે તો ઘરમાં રોજ હોળી થાય છે ! આપણા તહેવારો સાથે એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ આવા નકારાત્મક વાક્યપ્રયોગો ઘૂસાડી દેવામાં આવ્યા છે. જે હોળીમાં હોલિકા દહન થઈ અને ભક્ત પ્રહલાદ જીવિત બહાર આવ્યા અને આ રીતે રાક્ષસ સામે ભક્તનો વિજય થયો તે હોળી આપણે નકારાત્મક ઘટનાઓ માટે કેમ વાપરીએ છીએ ?
આ જ રીતે આપણા સૌથી મહાન ગ્રંથ રામાયણ વિશે પણ આવો જ નકારાત્મક શબ્દપ્રયોગ કરવામાં આવે છે. ઘરે કોઈ તકલીફ કે પ્રશ્ન હોય તો મોંકાણના બદલે આપણે કહીએ છીએ ‘મારે ત્યાં તો એ જ રામાયણ છે’ ! રામાયણ વાંચો તો પ્રશ્ન ઉકેલાઈ જાય, તેના બદલે રામાયણને આપણે મોંકાણના પર્યાય તરીકે સ્વીકારી લીધો. શું અન્ય કોઈ પંથના તહેવારો સાથે આવા નકારાત્મક શબ્દપ્રયોગો સંકળાયેલા સાંભળવા-વાંચવા મળે છે ?
આ જ રીતે મીડિયામાં (ખાસ કરીને હિન્દી-અંગ્રેજી) પણ જાણતાં-અજાણતાં જ આપણા તહેવારો સાથે નકારાત્મક ઘટના જોડીને હેડિંગ અપાય છે. આ હેડિંગ હિન્દીમાં હોય છે, પરંતુ સરળતા માટે ગુજરાતીમાં આપ્યાં છે. ૧. દિવાળીએ જ પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ. ૨. દિવાળીએ જ પડોશીઓ વચ્ચે ઝઘડો થયો. ૩. દિવાળીએ પ્રદૂષણમાં વધારો.
એમાંય પ્રદૂષણમાં વધારાના સમાચાર તો દિવાળી અગાઉ સપ્ટેમ્બર મહિનાથી હવે શરૂ થઈ ગયા છે. એટલે હેડિંગ આવાં અપાયઃ દિવાળી પહેલાં પ્રદૂષણ આટલું વધ્યું. દિવાળી પહેલાં પ્રદૂષણ વધે તેને દિવાળી સાથે શું લેવા-દેવા ? અને તમે જો હિન્દી-અંગ્રેજી મીડિયા નિયમિત જોતા હો તો તમે હવે નોંધજો. દિવાળીના બીજા દિવસે સમાચાર આવશે કે દિવાળીએ ફટાકડા ફૂટતાં પ્રદૂષણમાં ખૂબ વધારો. પરંતુ પછી શું પ્રદૂષણ સમાપ્ત થઈ જાય છે ? ના, ઉલટું વધે છે. પરંતુ એ પછી દિવાળી કે હિન્દુ તહેવાર નથી હોતો, એ પછી આવે છે નાતાલ અને એકત્રીસમી ડિસેમ્બર. એની સાથે સંકળાઈને હેડિંગ તો અપાય નહીં કારણ કે નહીંતર બિશપ ખિજાય.
હોળીએ લાકડા ન બાળવા જોઈએ, હોળી પછી ધૂળેટીએ રંગોથી ન રમવું જોઈએ, તિલક હોળી કરવી જોઈએ, આવો પ્રચાર ‘બેધડક સત્ય’ લખવાનો દાવો કરનારા મીડિયાથી માંડીને ઘણા ચિબાવલા પર્યાવરણપ્રેમીઓ કરતા હોય છે. પરંતુ તેમને ખબર નથી કે હોળી તો વિશ્વ ભરમાં પ્રગટાવાય છે, હા, તેનો દિવસ અલગ હોય છે અને નામ અલગ હોય છે.
અંગ્રેજીમાં તેને બાનફાયર કહેવામાં આવે છે. અગ્નિની શોધ થઈ તે પછી અગ્નિને દેવતા માનવા જોઈએ કારણકે તેનાથી અન્ન પાકે છે. તેનાથી પ્રકાશ આવે છે. અને હિન્દુ ધર્મમાં તો અગ્નિ પંચ મહાભૂત પૈકીનું એક ત¥વ છે. સભ્યતા અહીં જ પહેલાં વિકસી અને અહીંથી જ તેની નિકાસ થઈ. એટલે લગભગ દરેક પંથ અને સંસ્કૃતિમાં અગ્નિને દેવતા અથવા પૂજ્ય મનાયા છે.
ઇરાનમાં રહેલા પારસીઓને મુસ્લિમોએ મારીને ભગાડી મૂક્યા અને તેઓ ભારત આવ્યા. પારસીઓ અગ્નિને ઈશ્વરપુત્ર અને અત્યંત પવિત્ર માને છે. પારસીઓ ઇરાનથી પોતાની સાથે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા અને તેની સ્થાપના વલસાડ પાસે ઉદવાડા ગામમાં કરી. ઉપાસનાનિષ્ઠ પારસીઓ અહુરા મઝદા (ડહાપણના દેવતા)ની પૂજા અગ્નિના માધ્યમથી કરે છે.
ગ્રીક-રામન પરંપરામાં અગ્નિ બે રૂપમાં પૂજાય છેઃ ઘરે (હર્થ) અને કાર્યસ્થળે (ફાર્જ). ખ્રિસ્તી પંથ આવ્યો તે પહેલાં રોમમાં દેવી વેસ્ટાની પૂજા અગ્નિ દ્વારા થતી હતી. દેવી વેસ્ટાને ઘરની સુરક્ષા કરનારા દેવી મનાતા હતા. જ્યારે ગ્રીસમાં હેસ્ટિયા (વેસ્ટાનું અપભ્રંશ અથવા વેસ્ટા હેસ્ટિયાનું અપભ્રંશ હોઈ શકે) દેવી ઘરના રક્ષક મનાતા. તેમની પૂજા અગ્નિ દ્વારા થતી.
યુરોપના દેશ અલ્બેનિયામાં આપણા બૃહસ્પતિની જેમ ડહાપણના દેવતા મનાતા-ઍન (En) અથવા ઍન્જી (Enji)ને ખ્રિસ્તી પંથ આવ્યા પછી આ ડહાપણના દેવતા તો રાક્ષસી છે તેમ ત્યાંના લોકોમાં ઠસાવી દેવાયું ! એટલે તેમણે એ પૂજા બંધ કરી દીધી.
ખ્રિસ્તી અને મુસ્લિમ પંથ જેમાંથી ઉદભવ્યા તે યહૂદી પંથના ‘તોરાહ’ ગ્રંથમાં અગ્નિના બંને પ્રકારનું વર્ણન છે – સારા અને નરસા. રચનાત્મક અને વિનાશાત્મક. પરંતુ આ સિવાય એક ત્રીજો પ્રકાર પણ યહૂદીઓ માને છે, અને તે છે પવિત્ર અગ્નિ (sacred fire). તેઓ માને છે કે અગ્નિ એ પવિત્ર (પરબ્રહ્મ, પરમાત્મા) સાથે સંવાદ કરવાનું એક માધ્યમ છે. મોઝેઝ સમક્ષ ભગવાન એક સળગતી ઝાડીના રૂપમાં પ્રગટ થાય છે અને પછી પહાડના સળગતા શિખરના રૂપમાં. એટલે યહૂદીઓ પણ અગ્નિમાં આહૂતિ (બલિ) આપીને અગ્નિના માધ્યમથી ભગવાન સાથે સંવાદ કરે છે.
ખ્રિસ્તીઓએ ભલે અલ્બેનિયામાં ઍન અથવા ઍન્જીને રાક્ષસી સાબિત કરી અગ્નિની પૂજા બંધ કરાવી, પરંતુ તેઓ પોતે અગ્નિની પૂજા નથી કરતા તેવું નથી. ૧૫મી સદીમાં એક શબ્દ આવ્યો – bane fyre. જાન નામના સંતના જન્મની પૂર્વ સંધ્યાએ ત્રણ પ્રકારની આગ સળગાવાય છે. ૧. સ્વચ્છ હાડકાંની. હાડકાંને અંગ્રેજીમાં ર્હ્વહી કહે છે. તેથી આ પ્રકારની આગને બાન ફાયર કહેવામાં આવે છે. ૨. સ્વચ્છ લાકડાંની આગ. તેને વૅક ફાયર (wakefire) કહે છે. કારણકે તેમાં માણસો તેની પાસે બેસે છે અને જાગે છે. સૂતા નથી. ૩. ત્રીજી આગમાં હાડકાં અને લાકડાં બંને વપરાય છે. તેને સંત જાનની આગ કહેવાય છે. આ પૂજા ૨૩ જૂને કરવામાં આવે છે.
ખ્રિસ્તીઓ માને છે કે પ્રથમ વાર તેમનું ઉત્પીડન યહૂદીઓ દ્વારા થયું, તેનો અંત આવ્યો એટલે તેની પ્રસન્નતારૂપે પણ બાનફાયર મનાવવામાં આવે છે. આમ, જેમ પિતા હિરણ્યકશિપુના કહેવાથી ફઈ હોલિકા દ્વારા પ્રહલાદના ઉત્પીડનનો અંત આપણે હોળીના રૂપમાં ઉજવીએ છીએ તેમ ખ્રિસ્તીઓ બાનફાયર મનાવે છે.
ઈશુ ખ્રિસ્ત પૃથ્વી પર અગ્નિને લઈ આવ્યા તેમ ખ્રિસ્તીઓ માને છે.
પૂર્વ યુરોપ અને ઇરાન-તુર્કીની સીમાએ આવેલા અઝરબૈજાન દેશમાં પડોશી ઇરાનના લીધે અહીં ઝોરોસ્ટ્રિયનો એટલે કે પારસીઓનું અહીં વર્ચસ્વ હતું. એટલે આ દેશમાં અગ્નિ પૂજાતો હતો. હકીકતે, આ દેશનું નામ અગ્નિ રક્ષક પરથી આવ્યું છે. અગ્નિ માટે ફારસી શબ્દ છે – અઝર અને રક્ષક માટે બેગાન (baygan). તેના પરથી નામ પડ્યું – અઝરબેજાન. વળી, આ દેશની ઓળખ અગ્નિની ભૂમિ (લેન્ડ આૅફ ફાયર) તરીકે પણ છે કારણકે તે આૅઇલ અને ગેસથી ભરપૂર છે.
આજે અઝરબૈજાનમાં ૯૭ ટકા વસતિ મુસ્લિમોની છે, પરંતુ આજે પણ ત્યાં નવરોઝ મનાવાય છે, તે દિવસે રજા હોય છે. તે દિવસે તેઓ આંગણામાં અગ્નિ પ્રગટાવે છે.
એ પણ યોગાનુયોગ તો નહીં જ હોય ને કે આપણી હોળી મોટા ભાગે માર્ચમાં જ આવે છે અને નવરોઝ દર વર્ષે ૨૧ માર્ચે આવે છે.
મોટા ભાગે દરેક પંથમાં અગ્નિને શુદ્ધ કરતું ત¥વ મનાયું છે. ઇસ્લામમાં અગ્નિને પૂજવામાં નથી આવતો પરંતુ સજા આપનાર જરૂર ગણાય છે. જેઓ અલ્લાહના પંથથી ભટકી ગયા તેમને નરક (દોઝખ)ની આગમાં સળગવું પડે છે. આમ, ત્યાં પણ આગ એ અશુદ્ધ આત્માને શુદ્ધ બનાવનાર જ છે. ભલે તેઓ પૃથ્વી પર જીવતાજીવ અગ્નિને નથી માનતા, પરંતુ મરણોપરાંત તો માને જ છે.
હોળી પાછળ પણ વિજ્ઞાન છે જ. તે પર્યાવરણને નુકસાન કરતો તહેવાર નથી. તેનાથી મચ્છર, બૅક્ટેરિયા જેવા હાનિકારક જીવાણુ- વિષાણુ સમાપ્ત થાય છે. શરદ ઋતુના કારણે શરીરમાં જે કફ વધી ગયો હોય, શરદી-ઉધરસની તકલીફ હોય તે હોળીમાં લાકડા-ગાયના છાણાં વગેરેની અગ્નિથી બનતી હોળી ફરતે પ્રદક્ષિણા કરવાથી દૂર થાય છે. આ તહેવાર પર ખજૂર, ધાણી અને દાળિયા ખાવામાં આવે છે જે કફનાશક છે.
બોલિવૂડની વિકૃતિના કારણે હવે આ તહેવાર હોળીના લીધે જ ઓળખાય છે, પરંતુ તેવું નથી. જે દિવસે હોલિકા દહન થાય તે દિવસે હોળીનો તહેવાર છે. બીજા દિવસને ધૂલેન્ડી કહે છે. તે દિવસે ધૂલવંદના કરવાની હોય છે. તેથી તેને ધૂલિવંદના પણ કહે છે. સ્વામી વિવેકાનંદ ભારત પાછા ફર્યા ત્યારે તેમણે સૌ પહેલાં તેમના શરીર પર ભારતની માટી માથે ચડાવી હતી. તાજેતરમાં લંડનમાં રહેતા પાકિસ્તાનના જમશેદ શહેરના પૂર્વ મેયર આરીફ આજકિયા અમદાવાદ આવ્યા ત્યારે તેમણે તેમના જૂનાગઢ પાસેના મૂળ ગૃહનગર આજકની માટી લઈ તેને તેઓ પોતાના ઓશિકા નીચે રાખી સૂશે તેવી ભાવનાત્મક વાત અશ્રુભરી આંખે કરી હતી. આ ધૂલેન્ડી પરથી અપભ્રંશ થઈ ગુજરાતીમાં શબ્દ આવ્યો ધુળેટી. આ દિવસે એકબીજાને ધૂળ, કીચડ લગાડવાની હોય છે. તમને થાય કે આ વળી કેવું ! પણ આજકાલ જો અંગ્રેજી શબ્દ વાપરીએ તો લોકોને તરત વાત ગળે ઉતરી જાય છે.
થોડા મહિનાઓ પહેલાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાની મડ થેરેપીવાળી તસવીરો ખૂબ પ્રચલિત (લ્યો ને ભાઈ, વાઇરલ, બસ ?) થઈ હતી. તે પછી લોકોને થયું કે આ વળી મડ થેરેપી શું છે? અને તેના વિશે ખૂબ ગૂગલ થયું.
પ્રાકૃતિક ચિકિત્સા મુજબ, મડ થેરેપીથી ત્વચા નિખરે છે, ખિલ દૂર થાય છે, રોગમુક્ત થાય છે. ત્વચા પર લાલ ચકામાં દૂર થાય છે, આંતરડાની ગરમી દૂર થાય છે.
આ સિવાય, વૈષ્ણવો વૃંદાવન હોય કે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ હોય કે છત્તીસગઢ, કર્ણાટક હોય કે મહારાષ્ટ્ર, ફૂલોથી હોળી રમે છે. તેને દોલોત્સવ કહે છે. આ ઋતુમાં કેસૂડાના ફૂલો આવે છે. આદિવાસીઓ, જેને કેટલાક ભણેલા પણ ખરેખર અભણ લોકો જંગલી કહે છે, તેઓ પ્રકૃતિથી નજીક છે. પંચમહાલ સહિત ગુજરાતના આદિવાસીઓ કેસૂડાના ફૂલોના રંગથી હોળી રમે છે. આયુર્વેદની દૃષ્ટિએ કેસૂડો ખૂબ જ ફાયદાકારક છે. હિન્દીમાં તેને પલાશ કહે છે.
દૂરદર્શન પર એક ધારાવાહિક આવેલું- પલાશ કે ફૂલ. ગુજરાતી અભિનેત્રી આશા પારેખ તેના નિર્માત્રી હતા. તેનું ગીત હતું – જબ જબ મેરે ઘર આના તુમ, ફૂલ પલાશ કે લે આના તુમ.
આ પલાશ ઉત્તર પ્રદેશ અને ઝારખંડ (જે પણ આદિવાસીઓની મોટી જનસંખ્યા ધરાવતું રાજ્ય છે)નું રાજ્ય પુષ્પ છે.
કેસૂડાથી શરીરની ગરમી દૂર થાય છે. ચર્મરોગમાં રાહત મળે છે. લુ, શરદી અને તાવ સામે રક્ષણ મળે છે.
ધુળેટી બૂરા ના માનો હોલી હૈ કહીને પારકી સ્ત્રીઓને રંગ લગાવવાના બહાને છેડછાડ કરવાનો તહેવાર બિલકુલ નથી. પારકી સ્ત્રી જ શું કામ, જો કોઈને રંગ લગાવવાનું પસંદ ન હોય તો તેને પરાણે રંગી નાખવો ઉચિત નથી. આ તો એકબીજાને ગમતું હોય તો જ રંગવાનો તહેવાર છે. હા, જો કોઈ ઇચ્છે તો તેને ચપટીક રંગથી રંગી જરૂર શકાય, પરંતુ તે ઇચ્છે તો જ.
એક પ્રશ્ન ધુળેટી પર એ પણ થાય કે હિન્દીમાં કે ગુજરાતી ફિલ્મોમાં ફાગણ અને હોળી પર હવે પહેલાં જેવાં ગીતો કેમ નથી બનતાં? તમે યાદ કરો તો તમને ‘રંગ બરસે ભીગે’, ‘હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ’, ‘હોલી ખેલે રઘુબીરા અવધ મેં’ ગીતો જ યાદ આવશે. બહુ-બહુ તો ‘બલમ પિચકારી જો તૂને મુઝે મારી’ અને ‘લહુ મુંહ લગ ગયા’ ગીતો યાદ આવશે. પરંતુ તેને પણ એક દાયકો વિતી ગયો.
એવું નથી કે કોઈ ગીતો આવ્યાં જ નથી. ‘જીનિયસ’માં ‘હોલી બિરજ મા’ ગીત હતું પણ તે કોને યાદ છે? એ જ રીતે ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં ‘હદ કર દે’ ગીત હતું, પરંતુ ફિલ્મની જેમ તેમાંય ફકીરા, હદ, સરહદ, રદ જેવા હિન્દીઇત્તર શબ્દો હતા ને તબલા-ઢોલકની થાપના બદલે ઇલેક્ટ્રાનિક રિધમનો ઉપયોગ કરાયો હતો.
પૃથ્વીરાજ ચૌહાણના જમાનાનું ગીત આવું હોઈ શકે ? ગુજરાતી ફિલ્મોમાં ‘કહેવતલાલ પરિવાર’માં ‘હોળી આવી આવી’ ગીત હતું, પરંતુ કોને યાદ રહ્યું છે ? વળી, ગુજરાતી ફિલ્મોમાં હોળી શબ્દ કેમ? ઉત્તર ભારતમાં પણ ધૂલેન્ડી કહેવાય છે, પરંતુ અંગ્રેજી મીડિયાને ‘હોલી’ શબ્દ વધુ ગમે છે, તેથી ધૂલેન્ડીને પણ હોળીનો તહેવાર બનાવી દીધો છે. અને ઉર્દૂવુડે પણ ‘હોલી’ના ગીતો બનાવ્યા કારણકે તેમને ‘હોલી’ની સાથે ‘મૈં કિસી કી હો લી’, ‘ભીગી મેરી ચોલી’ જેવા પ્રાસ બનાવવાનું વધુ ફાવે છે, બહુ વિચારવું ન પડે ને ! પરંતુ ગુજરાતીમાં તો આપણે રંગથી રમવાને ધુળેટી જ કહીએ છીએ. તો હે ગુજરાતી ગીતકારો, ધુળેટી પર બનાવો અંગોમાં મસ્તી અને ઉમંગ ભરી દે તેવું ગીત. મદમસ્ત ફાગણ પરથી પણ ગીત બનાવી શકાય છે. આવું કરશો પછી તમારે અપીલ નહીં કરવી પડે કે સાચા સનાતની હો તો ફિલ્મ જોવા જરૂર જજો.
તો, બુરા ના માનો હોલી હૈ? ના, ધુલેન્ડી હૈ, ધુળેટી હૈ, કહો.