હમણાં ફ્રેન્ડશિપ ડેની ઉજવણી થઈ. સોશિયલ મીડિયામાં મિત્રતા દિવસના મેસેજનો મારો થયો. ત્યારે માણસના જીવનના સૌથી પહેલા મિત્ર અને સૌથી છેલ્લા મિત્ર વિશે થોડી વાત કરીએ, એ પહેલા વ્યક્તિના વ્યક્તિ સાથેના જુદા જુદા સંબંધો અને એની વચ્ચેના અભિવ્યક્તિના વહેવારોની વાત કરીએ. તો, જગતમાં દરેક વ્યક્તિ બીજી ઘણી બધી વ્યક્તિઓ સાથે જુદા જુદા સંબંધોથી જોડાયેલ હોય છે અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના આ સબંધોમાં દરેક સાથેનો વ્યવહાર જુદો જુદો હોય છે. કેટલાક પારિવારિક સંબંધોમાં મિત્રતા જેવો વ્યવહાર પણ હોય છે. દિયર ભાભી, ભાઈ બહેન અને પિતા પુત્ર તેમજ ભાઈ ભાઈ અને બહેન બહેન વચ્ચે પણ લાગણીના સંબંધો એવા હોય છે કે સુખ દુઃખના પ્રસંગે ભેગા થાય ત્યારે સાથે બેસીને વહેવારિક વાતચીતો થતી હતી. જ્યારે ફોનનો જમાનો નહોતો અને દિવસ આખો કામ રહેતું ત્યારે રાતે સૌ સાથે બેસીને મોડે સુધી વાતો કરતા રહેતા. હવે સમય બદલાતા ફોનમાં રોજે રોજ આવી વહેવારિક વાતો થાય છે. ક્યારેક ક્યારેક કલાકો સુધી આવી વાતો એકબીજા સાથે થતી હોય છે. સામાન્ય રીતે જીવનમાં બીજા પારિવારિક સબંધોની સાથે દરેકને એકાદ ભાઈબંધ, ભેરુ, મિત્ર, સખી જેવા કોઈ ગણ્યાગાંઠ્‌યા પાત્રો હોય જેની સાથે સુખ દુઃખની વાતો નિખાલસ ભાવે શેર કરીને માણસ હળવાશ કે આનંદની અનુભૂતિ મેળવતો હોય છે. દરેકના જીવનમાં તડકી છાંયડી અને સુખ દુઃખના પ્રસંગો આવતા હોય છે ત્યારે આવા મિત્ર અથવા તો મિત્ર જેવો વ્યવહાર રાખતા પાત્રો સાથે હસી ખુશીની વાતો કરવાથી પણ હળવાશ રહેતી હોય છે. પરિવાર અને કુટુંબના અમુક સંબંધોમાં અભિવ્યક્તિની મર્યાદા હોય છે. જેમ કે પિતા અને પુત્રનો સબંધ. ક્યાંક ક્યાંક હજી પણ આ બન્ને પાત્રો વચ્ચે માત્ર ઔપચારિક વાતચીત થતી હોય છે એના માટે સામાન્ય રીતે આપણે જનરેશન ગેપનું કારણ આગળ ધરતા હોઈએ છીએ. જનરેશન ગેપ એટલે બે પેઢી વચ્ચેનું અંતર પણ થોડા આગળ વધીએ તો પુત્રનો પુત્ર એટલે પૌત્ર. જે દાદા એના દીકરા સાથે હળવાશથી વાત કરી શકતા નથી એ જ દાદા એના દીકરાના દીકરા સાથે દિલ ખોલીને બોલી શકે છે. એમાં તો બે પેઢીનો જનરેશન ગેપ હોય છતાં આવું કેમ? તો એની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ છે. બાળક જ્યારે થોડુક સમજણ ધરાવતું થાય ત્યારે તેના જીવનમાં સૌથી પહેલા મિત્ર એટલે એના દાદા. એ દોડી દોડીને દાદા પાસે જશે. એની સાથે ધીંગા મસ્તી કરશે કારણ કે દાદા પણ એના પૌત્રમાં પોતાના દીકરાની પ્રતિકૃતિ સમુ બાળપણ જોતા હોય છે. બન્ને સહજતાથી અને નિખાલસતાથી એકબીજા સાથે વાતચીત કરી શકે છે. આમ કુદરતી રીતે બાળકને પોતાના જીવનમાં સૌથી પહેલા મિત્રતાનો અહેસાસ દાદા પાસેથી થાય છે. બાળકને એના મમ્મી પપ્પા ખીજાય ત્યારે તેને દાદાનો ખોળો સલામત દેખાય છે એટલે દોડીને ત્યાં પહોંચી જાય છે. દાદાને પણ બાળક સાથે બાળક બનીને હસવું ખેલવું ગમતું હોય છે કારણ કે એક આખી પેઢી પસાર થઈ જવાથી પોતાના સંતાનો આગળ પિતા પાસે નિરાંતે બેસીને વાતો કરવાનો સમય હોતો નથી અથવા તો સમય હોય તો પણ પોતાને આધુનિક માનનાર સંતાનો પિતાને જુનવાણી વિચારધારાવાળા ગણવા લાગે છે. ક્યારેક ક્યારેક સતત કામધંધામાં વ્યસ્તતાના કારણે સમય આપી શકતા નથી. આથી દાદાને પોતાના જીવનમાં પૌત્ર સ્વરૂપે મિત્રનું છેલ્લું પાત્ર મળી જાય છે જે એના શુષ્ક જીવનમાં હરિયાળી લાવવાનું કામ કરે છે. બાળક નાનું હોય ત્યારે એના દાદા એની આંગળી ઝાલીને રમવા લઈ જાય છે એ જ પૌત્ર મોટો થઈને દાદાની આંગળી પકડીને એને દોરી જાય છે અને દાદાને લાડ લડાવે છે. દાદાને ગમતી વસ્તુ લાવી આપીને ખુશ કરી દે છે. દીકરા આગળ કોઈ ચીજ વસ્તુઓની માગણી ન કરનાર દાદા પૂરા આત્મવિશ્વાસથી પૌત્ર આગળ હોંશે હોંશે માગણી કરી શકે છે. જીવનમાં અનેક ચડાવ ઉતાર અને તડકી છાંયડી જોઈને, અનેક લોકો સાથેના જાત જાતના અનુભવમાંથી પસાર થયેલ આખરી પડાવ પસાર કરી રહેલ દાદા માટે એના સમવયસ્ક ભાઈબંધો પછીનો જીવનનો આખરી મિત્ર એટલે પૌત્ર.એટલે જ કહેવાયું છે કે દાદા પૌત્રના પહેલા મિત્ર અને પૌત્ર દાદાનો છેલ્લો મિત્ર હોય છે.