દામનગરના ભટ્ટવદર ગામની સીમમાં તમો જુગાર રમવામાં ચીટીંગ કરો છે તેમ કહી યુવકને ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે મનુભાઇ નથુભાઇ સોલંકી (ઉ.વ.૪૦)એ રણુભાઇ રહે.ભટવદર, જસાબાપુ રહે.રાભડા તથા રણુભાઇના સંબંધી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદ રણુભાઈની વાડીએ જુગાર રમવા માટે ભેગા થયા હતા. આરોપીએ તેમને કહ્યું કે, તમો જુગાર રમવામાં ચીંટીંગ કરો છો તેમ કહી જમણા પગના સાથળ ઉપર પાટું મારી, વાડીએ પડેલું રાંઢવું લઇ પગની પીંડીંએ તથા પીઠ પાછળ પાંચેક ઘા મારી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત તેમને જીતેલા પૈસા લઇ આવવા કહી મોટર સાયકલ પાછળ બેસાડી દામનગર તેમના ઘરે લઈ આવ્યા હતા. અહીં ધમકી આપી બળજબરીપૂર્વક રૂ.૨૦,૦૦૦ કઢાવી લીધા હતા. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.