અમરેલી જિલ્લામાં ખાખીનો ડર ઓસર્યો હોય તેમ તસ્કરો હવે મંદિરમાં પણ બિન્દાસ્ત હાથફેરો કરી રહ્યાં છે. દામનગરમાં પોલીસના બદલે તસ્કરોએ રાત્રી પેટ્રોલીંગ શરૂ કરતા મંદિરને નિશાન બનાવી દાનપેટીના તાળા તોડી રૂ.ર૦,૦૦૦ની ચોરી થઈ હોવાની મંદિરના પુજારીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઢસા ગામે રહેતા અને દામનગર રામદેવપીર મંદિરમાં સેવાપુજા કરતા પુજારી જય ભરતભાઈ રાવલે દામનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૬ના રોજ રામદેવપીર મંદિરમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરી મંદીરમાં આવેલી દાનપેટીનું તાળુ તોડી દાનપેટીમાં રહેલા રૂ.ર૦,૦૦૦ રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતો. તસ્કરોએ હવે મંદિરોને પણ નિશાન બનાવવાનું શરૂ કરતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ચોરીની તપાસ પીએસઆઈ રાવલ ચલાવી રહ્યાં છે.